આ છે વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ, 1869માં ઓસ્ટ્રીયા દેશે બહાર પાડયું હતું

આ પોસ્ટકાર્ડ ૧૨.૨ સેમી લાંબું અને ૮.પ સેમી પહોળું હતું,

માત્ર એક જ મહિનામાં ૧ લાખ પોસ્ટ કાર્ડ વેચાયા હતા

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News


આ છે વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ, 1869માં ઓસ્ટ્રીયા દેશે બહાર પાડયું હતું 1 - image

વિયેના, 8 નવેમ્બર,2023,બુધવાર 

આજના ડિજિટલ સમયમાં મેસેજ આંગળીના ટેરવા પર ફરતા થઇ ગયા છે,પરંતુ એક જમાનામાં ટપાલ સ્વજનોને યાદ કરવાનું સશકત માધ્યમ હતું. મહાત્મા ગાંધી જેવા વિશ્વના અનેક મહાનુભાવોએ ટપાલને લોકજાગૃતિનું માધ્યમ બનાવી હતી.વિશ્વમાં સૌ પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૬૯ ,૧ ઓકટોબરના રોજ ઓસ્ટ્રીયા દેશે બહાર પાડયું હતું.ઓસ્ટ્રીયાના કોલ્બેસ્ટીનર નામના એક નાગરીકને પોસ્ટકાર્ડ બહાર પાડવાનો પ્રથમ વિચાર આવ્યો હતો. 

આ અંગે તેણે સૈન્ય એકેડમીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર એમુનઅલ હર્લેને વાત કરતા એમુનઅલે સરકારના પોસ્ટલ મંત્રાલયને ઉદ્શીને એક લેખ લખ્યો હતો.ઓસ્ટ્રીયાની સરકારે પ્રોફેસરના લેખમાં થયેલા સૂચનને સ્વીકારીને ૧૨.૨ સેમી લાંબું અને ૮.પ સેમી પહોળું પીળા રંગનું પોસ્ટકાર્ડ બહાર પાડયું હતું. પોસ્ટકાર્ડ બહાર પાડયાના માત્ર એક જ મહિનામાં ઓસ્ટ્રીયા અને હંગેરીમાં ૧ લાખ કરતા પણ વધુ પોસ્ટકાર્ડનું વેચાણ થયું હતું. ત્યાર પછી ૧૮૭૧ ઇંગ્લેન્ડ,જર્મની અને અમેરિકામાં પોસ્ટકાર્ડ પ્રચલિત થયા હતા.

 ઇંગ્લેન્ડમાં પોસ્ટકાર્ડની શરુઆત થઇ ત્યારે માત્ર એક જ  દિવસમાં પ લાખથી વધુ પોસ્ટકાર્ડ વેચાયા હતા. ભારતમાં હલકા ભૂરા રંગનું  પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૭૯માં બહાર પાડવામાં આવ્યું હતું. આ પોસ્ટકાર્ડ પર ઇસ્ટ ઇન્ડિયા કંપની નામ લખવામાં આવ્યું હતું. કાર્ડની મધ્યમાં રાજચિહ્ન અને જમણી બાજુ રાણી વિકટોરિયાનો ફોટો હતો.  ઇસ ૧૮૯૯માં પોસ્ટકાર્ડમાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ કાઢીને ઇન્ડિયન પોસ્ટ લખવામાં આવ્યું હતું. ૨ ઓકટોબર ૧૯૫૧ના રોજ ક્સ્તુરબા,નાનું બાળક અને ચરખો ચલાવતા ગાંધીજીના ચિત્રવાળા ત્રણ પ્રકારના પોસ્ટકાર્ડ બહાર પડયા હતા.


Google NewsGoogle News