'યુરોપનો અંતિમ તાનાશાહ': 30 વર્ષથી એકહથ્થું શાસન, સાતમી વખત ભારે બહુમતીથી ચૂંટણી જીતશે
એકઝિટ પોલ અનુસાર લુકાશેંકોને ૮૭ ટકા જેટલા મતો મળી શકે છે.
૨૦૧૫માં પાંચમી વાર અને ૨૦૨૦માં છઠી વાર જીત મેળવી હતી.
યુરોપના દેશો લોકશાહી અને વાણી સ્વાતંત્ર્યમાં માને છે પરંતુ યુરોપનો એક એવો દેશ જયાં હજુ પણ તાનાશાહનું રાજ ચાલે છે. તાનાશાહની એડી નીચે કચડાયેલી પ્રજાના અધિકારો છીનવાઇ ગયા છે. નવાઇની વાત તો એ છે કે આ તાનાશાહ સતત સાતમી વાર જીત મેળવવા તરફ અગ્રેસર છે. આ તાનાશાહનું નામ એલેકઝાન્ડર લૂકાશેંકો અને દેશનું નામ બેલારુસ છે. બેલારુસના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર તાજેતરમાં થયેલી રાષ્ટ્રપતિ પદની ચુંટણીના એકઝિટ પોલ અનુસાર લુકાશેંકોને 87 ટકા જેટલા મતો મળી શકે છે. વિશ્વભરનું મીડિયા જગત લૂકાશેંકોને 'Europe's last dictator' કહીને સંબોધિત કરે છે.
મતદાન પ્રક્રિયા ગત રવિવારે શરુ થઇ હતી જેમાં લૂકાશેંકો સામે કુલ 5 ઉમેદવાર મેદાનમાં હતા. લુકાશેંકો ભારે બહુમતિ જીતશે તેવા સંજોગોમાં બેલારુસના લોકોએ ફરી અત્યાચાર અને દમનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે એવું આંતરરાષ્ટ્રીય મીડિયા પણ માને છે. લૂકાશેંકો ચુંટણીમાં ગરબડ કરવા માટે જાણીતા છે. 2020માં યોજાયેલી ચૂંટણીમાં ગોટાળા થયા હોવાનો દેશ વ્યાપી રોષ ફાટી નિકળ્યો હતો પરંતુ વર્તમાન ચુંટણીમાં વિદેશી નીરિક્ષકોની હાજરીમાં ગેરરીતિના થાય તે રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
10 જુલાઇ 1994ના રોજ બેલારુસના પ્રથમવાર રાષ્ટ્રપતિ બન્યા હતા
90ના દાયકા પહેલા બેલારુસ સોવિયત સંઘનો એક ભાગ હતું ત્યારે સામ્યવાદી શાસનમાં લુકાશેંકો સોવિયત આર્મીમાં સૈનિક રહયા હતા. વેસ્ટર્ન બોર્ડર પર તેમની ભૂમિકા પોલિટિકલ ઇન્સ્ટ્કટર તરીકેની હતી. 30 ઓગસ્ટ 1954માં ઓર્સા જિલ્લાના કોપ્યસ ટાઉનમાં જન્મેલા લુકાશેંકો બેલારુસિયન એગ્રીકલ્ચરલ એકેડમીમાંથી ડિપ્લોમા ઇન ઇકોનોમિસ્ટની ડિગ્રી ધરાવે છે.
1977 થી 1990 સુધી તેઓ સફળતાની એક પછી એક સીડીઓ ચડતા ગયા હતા. 1991માં સોવિયત સંઘનું વિઘટન થયું ત્યારે તેઓ બેલારુસની સુપ્રિમ કાઉન્સીલમાં સભ્ય તરીકે ચુંટાયા હતા. 10 જુલાઇ 1994ના રોજ બેલારુસ ગણરાજયના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા હતા. 7 સપ્ટેમ્બર 2001માં બીજી વાર, 2006માં ત્રીજી વાર, 2010માં ચોથી વાર, 2015માં પાંચમી વાર અને 2020માં છઠી વાર જીત મેળવી હતી.