ઈઝરાયલ વિરુદ્ધ ઈરાન, દુનિયાના દેશો બે છાવણીમાં વહેંચાવા માંડ્યા, વૈશ્વિક સમીકરણો બદલાશે

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ વિરુદ્ધ ઈરાન, દુનિયાના દેશો બે છાવણીમાં વહેંચાવા માંડ્યા, વૈશ્વિક સમીકરણો બદલાશે 1 - image


Israel and Iran war: ઈઝરાયલે ઈરાનની સીરિયા સ્થિત કોન્સ્યુલેટ પર કરેલી એર સ્ટ્રાઈક બાદ ઈરાને ઈઝરાયલ પર 200 જેટલી મિસાઈલો અને ડ્રોન લોન્ચ કર્યા બાદ વધુ એક યુદ્ધ ભડકી ઉઠે તેવા સંજોગો સર્જાયા છે.

આ સંઘર્ષમાં અન્ય દેશો અત્યારથી જ બે છાવણીમાં વહેંચાઈ ગયા છે અને તેમાં બીજા દેશો પણ પોતપોતાના હિતને ધ્યાનમાં રાખીને ઈરાન અથવા ઈઝરાયલનું સમર્થન કરી શકે છે. આમ વૈશ્વિક મોરચે સમીકરણો બદલાઈ રહ્યા છે.

અત્યારના સંજોગો પ્રમાણે જોવામાં આવે તો ઘણાં દેશો ઈઝરાયલની મદદ કરવાનુ એલાન કરી ચૂક્યા છે તો ઘણાંં દેશો ઈરાનની પડખે છે. ઈઝરાયલને સાથ આપનારા દેશોની વાત કરવામાં આવે તો અમેરિકા અને બ્રિટન ઈરાનના હુમલાને વખોડી ચૂક્યા છે. આ બંને દેશો ઈઝરાયલની સાથે પહેલા પણ રહ્યા છે અને હજી પણ રહેશે. બીજી તરફ મુસ્લિમ દેશ જોર્ડને ઈઝરાયલનો સાથ આપ્યો છે. 

એવું કહેવાય છે કે, ઈઝરાયલ તરફ લોન્ચ કરાયેલી ઘણી મિસાઈલો અને ડ્રોન જોર્ડનની એરફોર્સે તોડી પાડવામાં મદદ કરી હતી. ફ્રાંસ પણ ઈઝરાયલની જોડે છે અને નેતાન્યાહૂ આ તમામ દેશોનો આભાર માની ચૂક્યા છે. બીજી તરફ ઈરાનને અત્યાર સુધીમાં લેબેનોન, સીરિયા અને યમનની મદદ મળી ચુકી છે. આ દેશોએ ઈરાનને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવા દીધો છે. ઈરાનના આ દેશોમાં મિલિટર બેઝ પણ છે. જ્યાંથી મિસાઈલો લોન્ચ કરવામાં આવી છે.

આ ઉપરાંત  લેબેનોન, સીરિયા અને યમને પણ પોતાની મિસાઈલો ઈરાનની સાથે ઈઝરાયલ પર લોન્ચ કરી હતી. જ્યારે સાઉદી અરબ, તુર્કી અને ઈજિપ્તે અમેરિકાને પોતાના એરબેઝનો ઉપયોગ કરવા દીધો નથી. જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો વિવાદ વધારે ભડકશે તો દુનિયાના તમામ મોટા દેશો પણ પોતાનુ વલણ સ્પષ્ટ કરશે. આ પૈકી ઘણાં મુસ્લિમ દેશો ઈરાનને સમર્થન આપી શકે છે તો બીજા દેશો ઈઝરાયલની પેરવી કરી શકે છે.

રશિયા, ચીન, ભારત જેવા મોટા દેશોનું આ મામલામાં કયા પ્રકારનું વલણ રહેશે તે પણ આગામી દિવસોમાં ખબર પડશે.


Google NewsGoogle News