દુનિયાના આ ખતરનાક બ્રીજ, જેના પરથી પસાર થવું એક મોટું સાહસ
બ્રીજ જેટલી ઉંચાઇ પર તેટલું જ તેનું નિર્માણ કામ અઘરું બને છે
પાકિસ્તાનના હુસૈની હેંગિગ બ્રીજ પરથી પસાર થવું સૌથી જોખમી
ન્યૂયોર્ક, 9 નવેમ્બર,2023, શનિવાર
પ્રાચીન સમયથી બ્રીજનો ઉપયોગ નદી કે દરિયો પાર કરવા તથા એક પહાડથી બીજા પહાડ પર જવા માટે થતો રહયો છે. કેટલાક દેશોમાં કુદરતી અવરોધો ઉપરાંત સાહસ અને મનોરંજન માટે પણ બ્રીજ જાણીતા છે. બ્રીજ જેટલી ઉંચાઇ પર તેટલું જ તેનું નિર્માણ કામ અઘરું બને છે. દુનિયાના કેટલાક પ્રખ્યાત અને ભયજનક બ્રીજમાં ઓસ્ટ્રલિયાનો ડેચનવાંડ કલેસ્ટસ્ટિંગ બ્રીજ ગણાય છે. ચીનના મિકાંગ નદીના વાયર બ્રીજ અને પાકિસ્તાનના હુસૈની હેંગિગ બ્રીજ પરથી પસાર થવું સૌથી જોખમી ગણાય છે.
(૧) ડ્રેચનવાંડ કલેસ્ટસ્ટિગ બ્રીજ -
ઓસ્ટ્રેલિયા, ૧૧૭૬ મીટર ઉંચા પર્વત પર તૈયાર કરવામાં આવેલો દુનિયાના ખતરનાક બ્રીજ માંનો એક છે. આટલી ઉંચાઇએ બે પહાડોને જોડતા પૂલ પર પહોંચવું એ કોઇ સાહસિકનું જ કામ છે. એક પહાડથી બીજા પહાડ પર જવા માટે આ બ્રીજ જ એક માત્ર વિકલ્પ છે. સીધી પર્વત હારમાળા ચઢીને જીવ જોખમમાં નાખીને કેટલાક સાહસ માટે જવાનું પસંદ કરે છે. નવાઇની વાત તો એ છે કે મોંડસી સેન્ટ લોરેજ ખાતે આ બ્રીજ પરથી એક સાથે માત્ર એક જ વ્યકિત પસાર થઇ શકે છે. લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા પૂલ પર સુરક્ષાની કોઇ જ સગવડ નથી.
(૨) મિકાંગ નદી વાયર બ્રીજ,ચીન-
મિકાંગ નદીના બે કિનારાને પાર કરવા માટે બે વાયર લગાડવામાં આવ્યા છે. આ એટલા જોખમી છે કે તેને પાર કરવાની જૂજ લોકો હિંમત કરી શકયા છે. કિનારાના બંને છેડાને જોડવા માટે બે વાયર જ લગાડવામાં આવ્યા છે તેમ છતાં તેને વાયરબ્રીજ કહેવામાં આવે છે. માછીમારી માટે આવતા કેટલાક સ્થાનિક લોકો માટે કેબલ પકડીને જવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી. બ્રીજ પરથી પસાર થવું ખૂબજ તણાવ અને સંઘર્ષથી ભરેલું છે. આજીવિકા માટે જોખમ ખેડવું એ મજબૂરી છે. મિકાંગ નદી પરનો આ બ્રીજ જોખમની દ્વષ્ટીએ ખૂબજ ચર્ચાસ્પદ છે.
(૩) ઝાંગજિયાસી ગ્લાસ બ્રીજ, ચીન-
ચીનના ઝાંગજિયાસી પ્રાંતમાં કાચથી બનેલો આ બ્રીજ છે. ૮૦૦ ફૂટ ઉંચાઇ પર આવેલો આ જગ મશહૂર બ્રીજ થોડાક વર્ષો પહેલા તૈયાર થયો ત્યારે દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું. કાચની પારદર્શક સપાટી આરપાર નીચેની પહાડીઓ જોઇને લોકોને ડર લાગે છે. ૧૨૩૦ ફૂટ લંબાઇ ધરાવતા બ્રીજની અધ વચ્ચે પહોંચીને પડી જવાના કાલ્પનિક ભયથી કેટલાક લોકો ઉભા રહી જાય છે. આ બ્રીજની રચના એવી રીતે કરવામાં આવી છે એક ડગલું ભરવાથી કાચ તુટતો હોય તેવો અવાજ આવે છે. સાહસિક પ્રવાસીઓ બ્રીજ પરથી પસાર થઇને રોમાંચ અનૂભવે છે. આ પુલ પરથી પસાર થવા માટે ૧૪૦૦ રુપિયા ફી વસૂલવામાં આવે છે.
(૪) કેરિકએ રેડે રોપ બ્રીજ, ઉત્તરી આર્યલેન્ડ-
કેરિક એ રેડે રોપ બ્રીજ ઉત્તરી આર્યલેન્ડમાં બનેલો એક પ્રખ્યાત રોપ વે છે. ૨૦ મીટર લાંબો અને નીચે ચટ્ટાનોથી ૩૦ મીટર જેટલો ઉપર છે. આ બ્રીજ દુનિયા ભરમાં લાખો સંખ્યામાં પર્યટકોને આકર્ષે છે. આ બ્રીજને દેશના નેશનલ ટ્રસ્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. ૨૦૧૬માં રેકોર્ડતોડ ૪.૪૪ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ એવો બ્રીજ છે જેને પાર કરવા માટે કોઇ જ ફી વસૂલવામાં આવતી નથી.
(૫) હુસૈની હેંગિંગ બ્રીજ ,પાકિસ્તાન-
દુનિયાના સૌથી ખતરનાક પૂલમાં હુસૈની હેગિંગ બ્રીજની ગણતરી થાય છે. આ બ્રીજનું નિર્માણ હજુ પણ અધુરું છે. જોઇને જ એવું લાગે છે કે બ્રીજ પરથી પસાર થવું ખતરનાક છે. બે ગામને એક બીજા સાથે જોડવા માટે આ બ્રીજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રીજ ખૂબ જુનો થઇ ગયો છે. લોકોનું આવન જાવન હજુ પણ ચાલું જ રહયું છે. આ બ્રીજ પર બે ફૂટના અંતરે લાકડા ગોઠવવામાં આવે છે. પવન વધારે હોય ત્યારે બ્રીજ અસાધારણ રીતે હલવા લાગે છે. નીચે પાણીનો તેજ પ્રવાહ જતો હોય ત્યારે શરીરનું સમતોલન થોડું પણ ડગે ત્યારે ડર લાગે છે. એક વાર સમતોલન બગડે પછી સ્થિર થવાની તક ઓછી રહે છે. દર વર્ષે આ બ્રીજ પસાર કરવાના પ્રયાસમાં ૧૦ થી ૧૫ લોકોના મોત થાય છે.
(૬) ટ્રિફ્ટ બ્રીજ, સ્વિત્ઝર્લેન્ડ-
સ્વિત્ઝર્લેન્ડનો આ બ્રીજ ૫૬૦ ફૂટ લાંબો છે. એડવેન્ચર માટેના આ બ્રીજ પરથી કેટલાક સાહસિકો જ પસાર થઇ શકે છે. આ બ્રીજ ટ્રિફટ ગ્લેશિયર વિસ્તારમાં આવેલો છે. પૂલ સુધી પહોંચવા માટે મીરિંગનમાં એક કેબલ કારની મદદથી પહોંચી શકાય છે.