માણસની જેમ વિચારતું ગૂગલનું એઆઈ ટૂલ જેમીની

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
માણસની જેમ વિચારતું ગૂગલનું એઆઈ ટૂલ જેમીની 1 - image


- ડેવલપર્સ કોંગ્રેસ ઈવેન્ટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની જાહેરાત 

- પર્સનલ આસિસ્ટન્ટનું કામ કરશે

- એઆઈ ટૂલ જેમીની અલ્ટ્રા, પ્રો અને નેનો એમ ત્રણ મોડેલમાં સર્વિસ આપશે, એન્ડ્રોઈડ ફોનમાં ઓફલાઈન પણ ચાલશે : ટૂંક સમયમાં ગૂગલની બધી જ પ્રોડક્ટમાં જોવા મળશે

- એઆઈ ટૂલ માહિતી આપવા પૂરતું સીમિત નથી, ટેકસ્ટ, કોડ, ઓડીયો, વિડીયોને સમજીને માણસની જેમ ઓપરેટ કરશે : ગૂગલે એના કામનો એક વિડીયો રીલિઝ કર્યો 

વૉશિંગ્ટન : ગૂગલે સૌથી બુદ્ધિશાળી ગણાતા એઆઈ ટૂલ જેમીનીને લોંચ કરીને એઆઈની સ્પર્ધાને નવી ઊંચાઈ આપી છે. ગૂગલના દાવા પ્રમાણે આ એઆઈ ટૂલ અત્યાર સુધીના બધા જ એઆઈ મોડેલથી વધુ પાવરફૂલ અને સટિક છે. અલગ અલગ ડિવાઈસ અને પ્લેટફોર્મ્સને ધ્યાનમાં રાખીને ત્રણ મોડેલમાં આ ટૂલ લોંચ કર્યા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટેકનોલોજીમાં આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. એ એઆઈ ટૂલ માત્ર માહિતી જ નહીં આપે. એનાથી આગળ એ કેટલાય કામ કરી શકે છે. માણસના પર્સનલ આસિસ્ટન્ટની ભૂમિકા ભજવી શકે એટલી ક્ષમતા એમાં છે. માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે એઆઈમાં સર્વોપરી થવાની જે દોડ ચાલે છે તે જેમીનીના લોંચિંગ પછી વધુ રસપ્રદ બની જશે. માઈક્રોસોફ્ટના ફંડિંગથી ઓપનએઆઈએ બનાવેલા ચેટબોટ ચેટજીપીટીને આ એઆઈ ટૂલ ભારે ટક્કર આપશે.

ગૂગલે આ એઆઈ સર્વિસના ત્રણ મોડેલ લોંચ કર્યા છે. જેમીની અલ્ટ્રાનું મોડેસ મર્યાદિત યુઝર્સ માટે લોંચ કરાયું છે. એ પછીનું જેમીની પ્રો બાર્ડમાં લોંચ થયું છે. બાર્ડની વેબસાઈટમાં જઈને એકાઉન્ટ્સ ઓપન કર્યા બાદ યુઝર્સ એનો લાભ લઈ શકશે. ત્રીજા મોડેલને જેમીની નેનો નામ અપાયું છે. એ એન્ડ્રોઈડ વર્જન છે અને અત્યારે ગૂગલ પિક્સેલ-૮ પ્રો યુઝર્સ માટે લોંચ થયું છે. પણ ટૂંક સમયમાં બધા જ એન્ડ્રોઈડ યુઝર્સ આ ટૂલની સર્વિસ ઓફલાઈન પણ લઈ શકશે.

ગૂગલના દાવા પ્રમાણે અત્યારે બધા જ એઆઈ ટૂલ્સમાં આ સૌથી બુદ્ધિશાળી ટૂલ છે. એક અર્થમાં બહુ ગાજેલા ચેટબોટ ચેટજીપીટીથી પણ આ ટૂલ આગળનું વિચારે છે એવું ગૂગલના સંશોધકો કહે છે. ચેટબોટ માહિતી આપે છે, પણ આ જેમીની ટેકસ્ટ, કોડ, ઓડિયો, વિડીયોને બરાબર સમજી શકે છે એક માણસનું દિમાગ આ બધી બાબતોમાં જે રીતે રિએક્ટ કરે એવી રીતે આ ટૂલ રિએક્ટ કરે છે. એની સાબિતી માટે ગૂગલે જેમીનીનો એક વિડીયો પણ લોંચ કર્યો હતો. જેમીનીની સર્વિસ ગૂગલની બધી જ પ્રોડક્ટ સાથે જોડી દેવાશે. એટલે કે ગૂગલ ક્રોમથી લઈને જીમેઈલ, બાર્ડ, ગૂગલ સર્ચ એન્જિન સહિત મોટાભાગની પ્રોડક્ટમાં આવતા વર્ષથી આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલનો લાભ મળશે. ગૂગલના કહેવા પ્રમાણે આ એઆઈ ટૂલ રોજિંદી લાઈફમાં માણસના પર્સનલ આસિસ્ટન્ટની ગરજ સારશે. તેને એપ્લિકેશનની રીતે ડિઝાઈન કરાયું છે. લેંગ્વેજ મોડેલ લામડા અને પામ-૨નું આ ખૂબ જ એડવાન્સ વર્જન છે અને ટેકનિકલ શબ્દોમાં તેને મલ્ટિમોડેલ લાર્જ લેંગ્વેજ મોડેલ્સ પણ કહેવાય છે. અત્યારે માત્ર અંગ્રેજી ભાષામાં એની સુવિધા મળશે, પણ પછી બાર્ડની જેમ ૪૫-૫૦ ભાષામાં એની સર્વિસ શરૂ કરાશે.

એઆઈના કારણે શિક્ષણની પદ્ધતિ અંગે ફેરવિચારણા જરૂરી : એક્સપર્ટ્સ

- મશીન અને માણસે સાથે કામ કરતા શીખવું પડશે  એઆઈનો દુરુપયોગ રોકવા પૉલિસી અનિવાર્ય

દોહામાં યોજાયેલી વર્લ્ડ ઈનોવેશન સમિટ ફોર એજ્યુકેશનમાં નિષ્ણાતોએ એઆઈના સંદર્ભમાં તારણો રજૂ કરતા કહ્યું હતું કે એઆઈ ટૂલના કારણે શિક્ષણ અને શીખવાની પદ્ધતિ સમૂળગી બદલાઈ રહી છે. પરિણામે હવે શિક્ષણની પદ્ધતિ અંગે ફેરવિચારણા કરવી જરૂરી બની ગઈ છે. હવે માત્ર માહિતીલક્ષી શિક્ષણથી કામ નહીં ચાલે. કારણ કે એવું શિક્ષણ તો એઆઈ ટૂલ્સ આપી દેશે. શીખવા માટે પણ એઆઈ ટૂલ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. તેના કારણે હવે ક્લાસરૂમના ભવિષ્ય અંગે અત્યારથી વિચારવું પડશે. માનવજાત ટેકનોલોજીના કારણે ઉત્ક્રાંતિના એવા મોડ પર આવીને ઉભી રહી ગઈ છે કે જ્યાંથી કેટલીય બાબતોની ફેરવિચારણા કરવી પડશે. શિક્ષણ મશીનરી પર આધારિત થઈ જશે. એટલે આપણું જીવન બદલાશે, આપણી કામ કરવાની પદ્ધતિ બદલાશે. આપણી વિચારવાની પદ્ધતિ પણ બદલાશે અને વળી, અનુભવો પણ નવા હશે. માનવ બનવાનો અર્થ શું છે? ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો? સારું શું અને ખરાબ શું? ટેકનોલોજીનો ઉપયોગ કેટલી માત્રામાં કરવો? એ બધી જ બાબતો નવી જનરેશનને શીખવવી પડશે. એઆઈનો સામનો કરવા ભવિષ્યની પેઢીને તૈયાર કરવી પડશે. ટેકનોલોજીનો દુરુપયોગ રોકવાના પગલાં ભરવા પડશે અને એ અંગેની પૉલિસી બનાવવી પડશે.

એઆઈ યુગમાં બે ભારતીયો સુંદર પિચાઈ, સત્યા નાડેલાની ચાવીરૂપ ભૂમિકા

૩૦મી નવેમ્બર-૨૦૨૨ના દિવસે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી. એ દિવસે માઈક્રોસોફ્ટના ફંડિંગથી ઓપનએઆઈ નામની કંપનીએ બનાવેલા ચેટબોટ ચેટજીપીટીને લોંચ કરાયા બાદ કૃત્રિમ બુદ્ધિમત્તાની ચર્ચા નવેસરથી શરૂ થઈ હતી. સર્ચ એન્જિન ગૂગલ સામે રાતોરાત નવો પડકાર સર્જાયો હતો. એક તબક્કે તો દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સ માનવા લાગ્યા હતા કે ગૂગલની મોનોપોલી ગણતરીના મહિનાઓમાં ભાંગીને ભૂક્કો થઈ જશે. પરંતુ ગૂગલે માર્ચ-૨૦૨૩માં એઆઈ ચેટબોટ બાર્ડને લોંચ કરીને એઆઈની ઐતિહાસિક સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. બાર્ડ પછી હવે જેમીનીના લોચિંગ બાદ સ્પર્ધા નવી ઊંચાઈએ પહોંચી છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે એઆઈની બેટલમાં બે ભારતીય મૂળના સીઈઓની ચાવીરૂપ ભૂમિકા છે. બંને આખી સ્પર્ધાના કેન્દ્રસ્થાને છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા ચેટજીપીટીના જોરે માઈક્રોસોફ્ટ બિંગને સફળ બનાવવા મથે છે. તેમણે ભારત સહિતના દેશોમાં ફરીને ચેટજીપીટીનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. તો બીજી તરફ ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ગૂગલની મોનોપોલી જાળવી રાખવા દિવસ-રાત એક કરી રહ્યાં છે. એઆઈની આ બેટલ ઈતિહાસમાં બે ભારતીય મૂળના ટેકનોક્રેટ માટેય જાણીતી થશે.


Google NewsGoogle News