રશિયા- યુક્રેન યુદ્ધમાં કોઇ વિજેતા બનશે નથી, રશિયાના ઉધોગપતિ ઓલેગ દેરીપાસ્કાનો દાવો
ઓલેગ દુનિયાની મોટી ગણાતી એલ્યુમિનિયમ કંપનીના સ્થાપક છે.
રશિયાએ હવે નવા આર્થિક ભાગીદારો શોધવાની જરુરીયાત છે
ટોક્યો,૮ ઓગસ્ટ,૨૦૨૪,ગુરુવાર
દુનિયાની સૌથી મોટી ગણાતી એલ્યુમિનિયમ કંપનીની સ્થાપના કરનારા રશિયન ઉધોગપતિ ઓલેગ દેરીપાસ્કાએ યુક્રેન રશિયા યુધ્ધમાં કોઇ વિજેતા નહી હોવાની ટીપ્પણી કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના પ્રશંસક ગણાતા ઓલેગે દેરીપાસ્કે જાપાનની મુલાકાત દરમિયાન વધુમાં જણાવ્યુ હતું કે આ (યુક્રેન - રશિયા) યુદ્ધ ઝડપથી સમાપ્ત થવું જોઇએ. રોજ સેંકડો લોકો મરી રહયા છે.
બંને પક્ષો તરફથી કોઇ જ પ્રગતિ દેખાતી નથી. આ એક એવું યુદ્ધ છે જેમાં કોઇ વિજેતા થશે નહી. જાપાનની સમાચાર સંસ્થા એનએચકેની વેબસાઇટમાં દર્શાવેલી માહિતી મુજબ રશિયન ઉધોગપતિએ આંતરરાષ્ટ્રીય વેપારની બેઠક માટે જાપાનની મુલાકાત દરમિયાન વાતચિત કરી હતી.
પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોથી જાપાન અને અન્ય સ્થળોએ રશિયન એલ્યુમિનિયમની નિકાસમાં ઘટાડો થયો છે. આ પ્રતિબંધો અત્યંત કઠોર અને ખૂબ દર્દ આપનારા છે. રશિયાએ હવે નવા આર્થિક ભાગીદારો શોધવાની જરુરીયાત છે. જો કે રશિયાના ખાનગી વ્યવસાયકારોએ તેમના નવા રસ્તાઓ શોધી પણ લીધા છે.
પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોથી રશિયા સરકારની નીતિમાં કોઇ જ પરિવર્તન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યુ ત્યારે દેરીપાસ્કાએ સોશિયલ મીડિયામાં શાંતિની અપીલ કરી હતી. શાંતિની અપીલ કરતા લખાણને પુતિન શાસસની આલોચના તરીકે લેવામાં આવ્યું હતું.