ગ્રીનલેન્ડમાં બરફ નીચે જેકપોટ છુપાયેલું છે, ટ્રમ્પ એને જ પામવા આકુળ-વ્યાકૂળ
Greenland: ગ્રીનલેન્ડને અમેરિકા ખરીદવા માગે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી તેમાં રુચિ બતાવી રહ્યા છે. આખરે ગ્રીનલેન્ડમાં એવો તો કેવો ખજાનો છુપાયેલો છે કે અમેરિકા તેને મળવવા માટે આકુળ-વ્યાકૂળ છે. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ દુર્લભ પૃથ્વી ખનિજો અને ગ્રીનલેન્ડમાં રુચિ દાખવી હતી. ગ્રીનલેન્ડ ખરીદવાનું સૂચન કરનારા ટ્રમ્પ પહેલા અમેરિકી પ્રમુખ નથી. આ વિચાર સૌપ્રથમ 1860ના દાયકામાં અમેરિકાના 17મા પ્રમુખ એન્ડ્રુ જ્હોનસોન દ્વારા મૂકવામાં આવ્યો હતો. હવે ફરી એકવખત ગ્રીનલેન્ડ ચર્ચામાં છે.
ગ્રીનલેન્ડમાં બરફ નીચે યુરેનિયમનો ભંડાર
21 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ગ્રીનલેન્ડ ટાપુની વસતી માત્ર 57 હજાર છે. અનેક પ્રકારની સ્વાયત્તતા ધરાવતા ગ્રીનલેન્ડનું અર્થતંત્ર ડેનિશ સબસિડી પર આધારિત છે અને તે કિંગડમ ઓફ ડેનમાર્કનો હિસ્સો છે. આ ટાપુનો 80 ટકા ભાગ કાયમ માટે વિપુલ પ્રમાણમાં બરફથી ઢંકાયેલો રહે છે. ગ્રીનલેન્ડમાં બરફ નીચે યુરેનિયમનો ભંડાર છે. 2021માં ગ્રીનલેન્ડ સરકારે તેના ખોદકામ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 2023ના સર્વે પ્રમાણે યુરોપિયન યુનિયન દ્વારા જે 34 ખનિજોને આવશ્યક કાચા માલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તેમાંથી 25 ખનિજો ગ્રીનલેન્ડમાં મળી આવે છે.
આ પણ વાંચો: અમેરિકા હવે કેનેડાની પાછળ પડ્યું... એક મોટા સંગઠનમાંથી તગેડી મૂકવાનો પ્રસ્તાવ રજૂ
વિશ્વના 25 ટકા જેટલા દુર્લભ પૃથ્વી તત્વો ગ્રીનલેન્ડમાં
અહીં બેટરી માટે ઉપયોગી ઝીંક, હીરા અને લિથિયમ અને ન્યૂક્લિયર ટેકનોલોજી માટે યુરેનિયમ પણ છે. મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર અને જિયોલોજિસ્ટ એડમ સિમોને જણાવ્યું હતું કે વિશ્વના 25 ટકા જેટલા દુર્લભ પૃથ્વી તત્વો ગ્રીનલેન્ડમાં હોઈ શકે છે. આ સામગ્રી 15 લાખ ટન હોઈ શકે છે. અહીં તાંબુ, ગ્રેફાઈટ, નિયોબિયમ, ટાઈટેનિયમ, હીરા અને રોડિયમના મોટા ભંડાર તો છે જ પરંતુ આ સાથે જ દુર્લભ પૃથ્વી ખનિજોના નોંધપાત્ર ભંડાર પણ છે. અહીં મળી આવતા નિયોડીમિયમ અને પ્રસોડીમિયમમાં ખાસ ચુંબકીય ગુણધર્મો છે જે તેમને ઇલેક્ટ્રિક વાહનો અને પવન ઉર્જા ઉત્પાદન માટે જરૂરી ટર્બાઇનના ઉત્પાદનમાં ઉપયોગી બને છે. આનાથી સરકારને અબજો ડોલરનો ફાયદો થઈ શકે છે. પરંતુ, અહીંના લોકોને લાગે છે કે અહીં આટલું બધું ખોદકામ કરવાથી ખરાબ પરિણામો આવી શકે છે. બીજી તરફ અમેરિકા તેને ખરીદવા માટે આકુળ-વ્યાકૂળ છે.