બાંગ્લાદેશ કટોકટીમાં વિદેશનો હાથ હોવાની પૂરી સંભાવના : બાંગ્લાદેશ સ્થિત પૂર્વ રાજદૂત વીણા શિક્રી
- પાકિસ્તાન અને ચીન બંને તે રમખાણોમાં સંડોવાયેલા છે
- રમખાણકારોએ ઇન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર, બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકામાં વ્યાપક તોડફોડ કરી
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં રમખાણો સમવાનું નામ નથી લેતાં તેવે વખતે બાંગ્લાદેશમાં પૂર્વ રાજદૂત તરીકે રહેલા વીણા શિક્રીએ ગઇકાલે (સોમવારે) સાંજે જણાવ્યું હતું કે, આ રમખાણો ભારત માટે ચિંતાજનક છે. બાંગ્લાદેશ સાથે આપણે ૪૦૦૦ કી.મી. લાંબી સરહદ ધરાવીએ છીએ. તે રમખાણો આપણને પણ સ્પર્શે. તે ન થાય તે માટે બીએસએફને તાકીદ કરી જ દેવી પડશે.
તેઓએ કહ્યું કવોટા દૂર કરવાના નામે ત્યાં રમખાણો શરૂ થઈ ગયા. મૂળભૂત રીતે શરૂ થયેલા આ આંદોલનમાં વિદ્યાર્થીઓ હતા. પરંતુ તેમાં પછીથી અન્ય નાગરિકો તુર્તજ જોડાયા. વાસ્તવમાં તે પાછળ પ્રતિબંધિત જૂથ જમાત-એ-ઇસ્લામી જ છે. આ જુથને પાકિસ્તાન સાથે સીધો સંપર્ક છે તે સર્વવિદિત છે.
પાકિસ્તાન સાથે તેનું પાલક રાષ્ટ્ર ચીન પણ ભળેલું છે, તે થોડા સમય પૂર્વે શેખ હસીનાએ લીધેલી ચીનની મુલાકાત સમયે બહાર પડી ગયું છે. શેખ હસીના જ્યારે ચીન ગયા ત્યારે, તેઓને યોગ્ય રાજકીય આવકાર પણ અપાયો ન હતો. તેમજ ચીનના પ્રમુખ શી-જીનપિંગ સાથે એક થી એક મંત્રણા માટે હસીનાએ મુકેલો પ્રસ્તાવ પણ સ્વીકારાયો ન હતો.
આ રમખાણકારોએ ઢાકા સ્થિત ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર અને બંગબંધુ શેખ મુજબીર રહેમાન સ્મૃતિ મ્યુઝિયમમાં પણ વ્યાપક તોડફોડ કરી હતી.
બાંગ્લાદેશના લશ્કરી વડાએ બોલાવેલી સર્વપક્ષીય પરિષદમાં શેખ મુજબીર રહેમાને સ્થાપેલી અને શેખ હસીનાની આવામી લીગના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
બાંગ્લાદેશના લશ્કરના વડા ચીન તરફી વલણ રાખે છે તે સર્વવિદિત છે. કહેવાય છે કે તેઓએ જ આ તોફાનો પાછળ મુખ્ય ભૂમિકા ભજવી હતી.