વિશ્વમાં 1 ટકો ધનાઢયો 5.7 અબજ લોકો જેટલું કાર્બન ઉત્સર્જન કરે છે.
નોન પ્રોફિટ ફોરમની માહિતી મુજબ વિશ્વમાં 7.7 કરોડ લોકો અમીરની કેટેગરીમાં
દરેક નાગરિકની જળવાયુ પરિવર્તનનો સામનો કરવાની જવાબદારી એક સરખી
ન્યૂયોર્ક, 23 નવેમ્બર,2023 ,ગુરુવાર
એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી અમીર લોકો 5.7 અબજ લોકો જેટલું કાર્બન ઉત્સર્જન કરે છે. મતલબ કે ધનાઢય લોકો પર્યાવરણને સૌથી વધુ નુકસાન કરી રહયા છે. જળવાયુ પરિવર્તનનો સામનો કરવાની જવાબદારી એ લોકો ઉઠાવી રહયા છે જેઓ આ સમસ્યા માટે જવાબદાર નથી. અથવા તો ઓછા જવાબદાર છે.
એક આંતરરાષ્ટ્રીય નોન પ્રોફિટ ફોરમની માહિતી મુજબ વિશ્વમાં 7.7 કરોડ લોકો અમીરની કેટેગરીમાં આવે છે. વૈશ્વિક સ્તર પર એક ટકા અમીરો સામેલ કરવા માટે પરચેજિંગ પાવર પેરિટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં તેનો આંકડો 1.40 લાખ ડોલર જયારે કેન્યા માટે 40 હજાર ડોલર થાય છે. જોકે દેશોની અંદર પણ અસમાનતાની ખાઇ ખૂબજ પહોળી જોવા મળે છે. જેમ કે ફ્રાંસમાં એક ટકા અમીર લોકો એક વર્ષમાં જેટલું કાર્બન ઉત્સર્જન કરે છે તેટલો ગરીબોમાંથી 50 ટકા લોકો 10 વર્ષમાં કરે છે.
આ અહેવાલ માટે સ્ટોકહોમ એન્વાર્યમેન્ટ ઇન્સ્ટિયૂટના સંશોધનને પણ ટાંકવામાં આવ્યું છે. પૃથ્વી સૌ માનવીઓની છે. ભલે પૃથ્વી વિવિધ સમુદાયો અને દેશો વહેંચાયેલી હોય પરંતુ જળવાયુ પરિવર્તનની સમસ્યા કોઇ એક દેશની નથી. આથી દરેક પૃથ્વીવાસીઓની જવાબદારી એક સરખી છે તેમ છતાં અસમાનતાની ખાઇ જોવા મળે છે. સૌના સહિયારા પ્રયાસથી જ પૃથ્વીના પર્યાવરણનું રક્ષણ કરી શકાશે.