૪૨ હજાર ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું એસ્ટ્રોનોમી મ્યુઝિયમ
આ ઇંડાકારનું મ્યુઝિયમમાં કયાંય પણ સીધી રેખા કે ખૂણા નથી.
આ ડિઝાઇન ખગોળથી પ્રેરિત વાસ્તુકળાના અવતાર સમાન છે
શાંઘાઇ, 18 એપ્રિલ,2023, મંગળવાર
ચીનના શાંઘાઇમાં વિશ્વનું સૌથી મોટું એસ્ટ્રોનોમી મ્યુઝિયમ આવેલું છે. ૪૨ હજાર ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ મ્યુઝિયમમાં ૭૮ ફૂટ લાંબુ સૌર દૂરબીન ગોઠવવામાં આવ્યું છે. ખગોળ વિજ્ઞાન સાથે સંકળાયેલા નિષ્ણાતો અને રસિયાઓને આ સ્થળનું ખૂબજ આકર્ષણ રહે છે. આ મ્યુઝિયમની ડિઝાઇન અમેરિકાની એક આર્કિટેકટચર કંપનીએ તૈયાર કરી છે.
આ ઇંડાકાર મ્યુઝિયમની સૌથી મોટી ખાસિયત એ છે કે કયાંય પણ સીધી રેખા કે ખૂણા નથી. આ એક પ્રકારનું જટિલ વક્રિય રેખા આકૃતિથી બનેલું છે. અંતરિક્ષમાં પણ કયાંય સીધી રેખા કે ખૂણા હોતા નથી આથી આ ડિઝાઇન ખગોળથી પ્રેરિત વાસ્તુકળાના અવતાર સમાન છે. ૨૦૧૪માં આ ડિઝાઇને આંતરરાષ્ટ્રીય સ્તરની આર્કેટેકટચર કમ્પિટિશન જીતી હતી. શાંઘાઇમાં આવનારા પ્રવાસીઓ માટે આ મ્યુઝિયમને ગત જુલાઇ મહિનામાં ખોલવામાં આવ્યું છે.
વિશ્વમાં પ્લેનેટોરિયમ તો અનેક છે પરંતુ આટલું વિશાળ એસ્ટ્રોનોમી મ્યુઝિયમ પ્રથમ વાર જ બન્યું છે. આકાશમાંથી જોતા મ્યુઝિયમ એસ્ટ્રોલેબ જેવા આકારનું દેખાય છે. મ્યુઝિયમમાં અંદર પ્રવેશ્યા પછી પ્રવાસીઓને બ્રહ્માંડમાં હોય તેવો અનુભવ થાય છે. જેમાં વિવિધ પ્રકારની ખગોળીય ઘટનાઓ દર્શાવવામાં આવી છે.આ એસ્ટ્રોનોમી મ્યુઝિયમમાં ૭૦ થી વધુ ઉલ્કાપિંડોના નમૂનાઓ છે. જેમાંથી કેટલાક મંગળ ગ્રહ, લઘુગ્રહ વેસ્તા અને ચંદ્રની ચટ્ટાનોમાંથી બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
૧૨૦થી વધુ ખગોળીય ઘટનાઓનું ડેમોસ્ટ્રેશન એસ્ટ્રોનોમીના જાણકારોનું ધ્યાન ખેંચે છે. પૃથ્વીની રોજની ભ્રમણ કક્ષા અને સૌર મંડળના ગ્રહોની ગતિને સેટ કરવામાં આવી છે. મ્યુઝિયમની ઇમારત ઓકયૂલસ એટલે કે આંખ જેવી આકૃતિ છે જે ઉંધા ગુંબજ અને ત્રણ ગોળાકાર આકૃતિઓમાં જણાય છે. ગોળાકાર આકૃતિમાં મુલાકાતીઓ ભારહિનતા (શુન્ય ગુરુત્વાકર્ષણ)નો અનુભવ કરે છે. સૂર્ય જયારે મધ્યાહને હોય ત્યારે પ્રકાશનું એક પૂર્ણ શુધ્ધ ચક્ર પ્રાપ્ત થાય છે જે ૧૪ મી સદીની સેન્ડ ટાઇમની યાદ અપાવે છે.