શક્તિશાળી દેશો આંતરરાષ્ટ્રીય કાયદા નહીં માને તો દુનિયા ખતરનાક બની જશે : ટ્રુડો
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાના પીએમનો ફરી જૂનો રાગ
ભારત સાથે ઘર્ષણ નથી ઈચ્છતા અને સંબંધોમાં કડવાશ લાવવા માગતા નથી પરંતુ અમે કાયદા મુજબ કામ કરીશું ઃ જસ્ટિન ટ્રુડો
ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે જૂનો રાગ આલાપતા ભારત સરકારને તેના માટે જવાબદાર ઠેરવી છે અને કહ્યું કેનેડાએ ક્યારેય મનમરજી મુજબના આરોપ નથી લગાવ્યા અને તે આજે પણ ભારત સાથે રચનાત્મકરૂપે કામ કરવા માગે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શક્તિશાળી દેશો જ કોઈ પરિણામની ચિંતા કર્યા વિના આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરશે તો દુનિયા ખતરનાક બની જશે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે સીધે-સીધો ભારત સરકાર પર કાયદા તોડીને કામ કરવાનો આરોપ મૂક્યો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર ભારત સાથે કોઈ ઘર્ષણ અથવા સંબંધોમાં કડવાશ લાવવા નથી માગતી પરંતુ ભારત સાથે મળીને કામ કરવા માગે છે.
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો બગડવા માટે ભારતને જવાબદાર ઠેરવતા ટ્રુડોએ ફરી ભારત પર વિયેના કન્વેન્શનનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, ભારતે વિયેના કન્વેન્શનનો ભંગ કરીને તેના ૪૧ રાજદ્વારીઓની રાજદ્વારી છૂટ મનમરજી મુજબ રદ કરી દીધી. ભારતના આ પ્રકારના વલણથી અમે ખૂબ જ નિરાશ થયા છીએ.
તેમણે ઉમેર્યું કે, તમે અમારા દૃષ્ટિકોણથી વિચારો. કોઈ દેશ એવો નિર્ણય લે કે અન્ય દેશના રાજદ્વારીઓ હવે સુરક્ષિત નથી તો તે આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ ખતરનાક અને વધુ ગંભીર બનાવે છે. તેમ છતાં અમે ભારત સાથે રચનાત્મક અને સકારાત્મકરૂપે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આગળ પણ તે ચાલુ રાખીશું. અમે હંમેશા કાયદાના શાસન માટે સ્પષ્ટરૂપે ઊભા રહીશું, કારણ કે આ જ કેનેડાની કામ કરવાની રીત છે.
નિજ્જરની હત્યાની તપાસ મુદ્દે ટ્રુડોએ ભારતનો હાથ હોવાના આરોપ ોઅંગે કહ્યું કે અમને કેનેડાના નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હોવાની વાત જાણવા મળી. અમારી પાસે એ માનવાના ગંભીર કારણ છે કે ભારત સરકારના એજન્ટ નિજ્જરની હત્યામાં સંડોવાયેલા હોઈ શકે છે. અમે આ અંગે ભારતને ફરિયાદ કરી અને આ કેસના મૂળ સુધી જવા માટે સહયોગ માગ્યો. પરંતુ ભારતે સહયોગ આપ્યો નહીં. અમે આ મુદ્દે અમેરિકા સહિત અમારા મિત્રો અને સહયોગીઓનો પણ સંપર્ક કર્યો હતો. ભારત તરફથી સકારાત્મક જવાબ ન મળવો તે નિરાશાજનક છે.