Get The App

ઈરાનના સિક્રેટ ન્યૂક્લિયર પ્રોગ્રામથી દુનિયાભરમાં ખળભળાટ, અમેરિકા-સાઉદીમાં હલચલ વધી

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
ઈરાનના સિક્રેટ ન્યૂક્લિયર પ્રોગ્રામથી દુનિયાભરમાં ખળભળાટ, અમેરિકા-સાઉદીમાં હલચલ વધી 1 - image


Iran's Secret Nuclear Program: અમેરિકા હાલમાં ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને બોખલાઈ ગયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ઘેરી રહ્યું છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી(IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ચેતવણી આપી છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ જ નજીક છે. 

ગ્રોસી હાલમાં ઈરાનના પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે, ઈરાન કોઈ પણ સમયે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ઈરાન પાસે કોઈ Jigsaw Puzzleની જેમ તમામ ટૂકડા છે અને તે કોઈ પણ સમયે આ ટૂકડાઓને જોડીને પરમાણુ બોમ્બ બનાવી શકે છે. 

તમને જણાવી દઈએ કે, જે રીતે Jigsaw Puzzleમાં ઘણા નાના-નાના ટૂકડાઓ જોડીને એક સંપૂર્ણ ચિત્ર અથવા ડિઝાઇન બનાવવામાં આવે છે. એવી જ રીતે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટેના તમામ ઘટકો છે અને તે ગમે ત્યારે તે ઘટકોને જોડીને પરમાણુ બોમ્બ બનાવી શકે છે.

ગ્રોસીએ કહ્યું કે, 'ઈરાનને હળવાશથી ન લઈ શકાય. 2015માં ઈરાન પરમાણુ કરાર તૂટ્યા બાદ ઈરાને ફરીથી પોતાના ન્યૂક્લિયર પ્રોગ્રામને ગતિ આપી છે.'

અમેરિકાથી લઈને સાઉદી અરેબિયા સુધી ખળભળાટ

ઈરાન લાંબા સમયથી પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમેરિકાની ધમકીઓ અને પ્રતિબંધોના કારણે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

જોકે, તેમણે કહ્યું કે IAEA ની ભાગીદારી વિના ઈરાન સાથેનો કોઈપણ પરમાણુ કરાર માત્ર કાગળના ટૂકડાની જેમ હશે. બીજી તરફ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે ઈરાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે ખતરો બની શકે છે. જો ઈરાન પરમાણુ હથિયાર વિકસાવે છે તો તે મિડિલ ઈસ્ટમાં હથિયારોની સ્પર્ધા શરુ કરી શકે છે કારણ કે અન્ય દેશો પણ પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સાઉદી અરેબિયાએ અનેક વખત ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કહી દીધું છે કે, જો ઈરાન પરમાણુ હથિયાર વિકસિત કરે છે તો સાઉદી અરેબિયા પણ પરમાણુ હથિયાર હાંસલ કરવાની દિશામાં પગલું ઉઠાવશે. 

આ પણ વાંચો: 'અમારા શત્રુ વિચારે છે કે...', પાકિસ્તાની સૈન્ય પ્રમુખે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કાશ્મીરનો રાગ આલાપ્યો

સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કહી ચૂક્યા છે કે, 'સાઉદી અરેબિયા પરમાણુ બોમ્બ હાંસલ કરવા નથી માગતું, પરંતુ જો ઈરાને પરમાણુ બોમ્બ વિકસિત કર્યો તો અમે નિશ્ચિત રૂપે ટૂંક સમયમાં કંઈક કરીશું.'

સાઉદી અરેબિયા ઈરાનના પરમાણુ કાર્યક્રમને માત્ર નાગરિક ઉપયોગ માટે જ નથી માનતું, પરંતુ તે એવું માને છે કે ઈરાનનું અંતિમ લક્ષ્ય પરમાણુ હથિયારો બનાવવાનો છે. સાઉદી અરેબિયાને ડર છે કે ઈરાનના પરમાણુ હથિયારથી આ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન ખોરવાઈ જશે, જેનાથી તે અને અન્ય ખાડી દેશો અસુરક્ષિત થઈ જશે. 

Tags :