ક્રિકેટ કે ફૂટબોલ નહી કચરો વિણવાનો વિશ્વકપ, 21 દેશોની ટીમોએ લીધો હતો ભાગ
બ્રિટીશ ટીમે ૫૭.૨૭ કિલોગ્રામ કચરો એકઠો કરીને ચેમ્પીયનશીપ જીતી
૪૭ જેટલી લીગ સ્પર્ધા જાપાનના મોટા ૬ રાજયોમાં યોજાઇ હતી.
ટોકયો,9 નવેમ્બર,2023,શનિવાર
ફૂટબોલ હોય કે ક્રિકેટ દરેક રમતની એક વિશ્વસ્પર્ધા હોય છે, વિશ્વસ્પર્ધામાં દરેક ટીમ ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરે છે પરંતુ ગત નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન જાપાન ખાતે રસ્તા પર પડેલો કચરો ઉપાડી લેવાનો વિશ્વકપ યોજાયો હતો, જેને જાપાનમાં સ્પોગોમી વર્લ્ડકપ કહેવામાં આવે છે. જાપાનમાં આ ગેમની શરુઆત વર્ષ ૨૦૦૮માં થઇ હતી. ૪૭ જેટલી લીગ સ્પર્ધા જાપાનના મોટા ૬ રાજયોમાં યોજાઇ હતી. જયારે ટોકયોના શિબુયામાં પ્રથમવાર જ વિશ્વકપ યોજાયો હતો. આ વિશ્વકપ સ્પર્ધાના આયોજન અને દેખરેખમાં જાપાનની એક આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન રસ લે છે.
કચરો ઉપાડી લેવાની સ્પર્ધામાં કુલ ૨૧ દેશોએ ભાગ લીધો હતો જેનો ખિતાબ બ્રિટને જીત્યો હતો. દરિયાપારથી બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલની ટીમો પણ ભાગ લેવા આવી હતી. દરેક ટીમમાં ૩ ખેલાડીનો સમાવેશ થતો હતો. સ્પર્ધા નિયમ મુજબ ૧ કલાક સુધી ચાલી હતી જેમાં કચરો છુટો પાડવાના સમયનો પણ સમાવેશ થતો હતો. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં જાપાનનું કલ્ચર ઘણું આગળ છે પરંતુ તેમ નહી થઇ શકવા માટે આપણે જવાબદાર છીએ.
જાપાની કલ્ચર સ્વચ્છતા અને જાગૃતિ માટે જાણીતું છે આથી જાપાનની ટીમ જીતવા માટે હોટ ફેવરિટ હતી પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે બ્રિટીશ ટીમ ધ નોર્થ વિલ રાઇઝ અગેને ૫૭.૨૭ કિલોગ્રામ કચરો એકઠો કરીને ચેમ્પીયનશીપ જીતી હતી જયારે જાપાનની ટીમ બીજા ક્રમે સ્થાન મેળવીને રનર અપ બની હતી. ટીમવર્ક,વ્યુહ રચના અને રણનીતિના આધારે કોઇ પણ ટીમ જીતી શકે છે. આ ચેમ્પિયનશીપનો હેતું લોકોને સ્વચ્છતા અને પર્યાવરણ માટે જાગૃત કરવાનો હતો. સામાન્ય રીતે આવી સ્પર્ધાની કલ્પના કરવી મુશ્કેલ હોય છે પરંતુ જાપાનીઓ સુઘડ અને સ્વચ્છતાના ખૂબ આગ્રહી હોય છે. આથી જાપાનમાં આવી સ્પર્ધા યોજાવી સ્વભાવિક છે.