દિલ્હીમાં છેલ્લા ૩૭ દિવસથી તાપમાન સતત ૪૦ ડિગ્રી, મેઘરાજની ધમાકેદાર એન્ટ્રીની આશ
મોટા ભાગના વિસ્તારોમાં રાત્રીનું તાપમાન ૩૩ ડિગ્રી આસપાસ રહે છે
. દિલ્હી મહાનગરપાલિકાએ લોકોને ગરમીથી સાવધાન રહેવાની સૂચના આપી
નવી દિલ્હી,૧૯ જૂન, ૨૦૨૪,બુધવાર
રાજધાની દિલ્હીમાં લોકો વરસાદની રાહ જોઇ રહયા છે. તાપમાનનો પારો ઉંચો રહેવાથી પરેશાન જોવા મળે છે. શિયાળા દરમિયાન ધૃમ્મસના પ્રદૂષણ રહેતા દિલ્હી શહેરમાં ઉનાળા દરમિયાન આકરી ગરમીનો અનુભવ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં છેલ્લા ૩૭ દિવસથી તાપમાન ૪૦ ડિગ્રી જેટલું ઉંચું રહયું છે. પાલમ અને આયાનગર વિસ્તારમાં ૪૪.૭ ડિગ્રી ગરમી રહી હતી. મોન્સૂનની એન્ટ્રી થવાની બાકી છે ત્યારે દિલ્હી જ નહી સમગ્ર ઉત્તર ભારત ગરમીમાં શેકાઇ રહયું છે.
દિલ્હીની વાત કરીએ તો પ્રિતમપુરા વિસ્તારમાં ૪૫.૧ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ સ્થળ રહયું હતું. જયારે પૂસા વિસ્તારમાં રાત્રી દરમિયાનનું લધુત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી જે સૌથી વધુ રહયું હતું. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં રાત્રીનું તાપમાન ૩૩ ડિગ્રી આસપાસ હતું. હવામાન વિભાગે વરસાદ અને પવન ફુંકાવાની આગાહી કરી છે તે જોતા તાપમાનનો પારો ઘટે તેવી શકયતા છે. જો કે ત્યાર બાદ પણ દિલ્હીવાસીઓએ આવનારા કેટલાક દિવસો સુધી ઉંચા તાપમાનને સહન કરવું પડશે. દિલ્હી મહાનગરપાલિકાએ લોકોને ગરમીથી સાવધાન રહેવાની સૂચના આપી છે.