Get The App

સ્વીડનમાં કુરાન બાળવા મુદ્દે ઈરાકમાં સ્વીડિશ દુતાવાસને સળગાવાયું

Updated: Jul 21st, 2023


Google NewsGoogle News
સ્વીડનમાં કુરાન બાળવા મુદ્દે ઈરાકમાં સ્વીડિશ દુતાવાસને સળગાવાયું 1 - image


- બકરી ઈદના દિવસે સલવાને જ સ્ટોકહોમમાં કુરાન બાળ્યું હતું

- ઈરાકી શરણાર્થી સલવાન મોમિકાને સ્વીડનની સરકારે  ફરીથી કુરાન બાળવાની પરવાનગી આપતા વિવાદ વધ્યો

બગદાદ : બકરી ઈદના દિવસે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં ઈરાકી શરણાર્થી સલવાન મોમિકાએ કુરાનને આગ લગાવીને વિવાદ સર્જ્યો હતો. એ સલવાનને ફરીથી કુરાનમાં આગ લગાવવાની સ્ટોકહોમ પોલીસે પરવાનગી આપતા વિવાદ વકર્યો છે. ઈરાકના બગદાદમાં સ્વીડનના દૂતાવાસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા હતા અને દૂતાવાસને આગ લગાવી દીધી હતી.બગદાદમાં સ્વીડન દૂતાવાસ સામે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઈરાકના શક્તિશાળી ધાર્મિક નેતા મુક્તદા અલ-સદરની તસવીરો અને ઝંડા સાથે મોટી સંખ્યામાં લોકો સ્વીડિશ દૂતાવાસમાં ધસી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ દૂતાવાસમાં તોડફોડ કરી હતી અને પરિસરને આગ લગાવી દીધી હતી. પ્રદર્શનકારીઓએ એવી માગણી કરી હતી કે સ્વીડનની સરકાર કુરાન બાળવાની  ઘટનાને તુરંત રોકે. ઈસ્લામમાં કુરાન પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. કુરાન સાથે આવું કૃત્ય થાય તે બિલકુલ અયોગ્ય છે.

આ ઘટના પાછળ સ્વીડનમાં ફરીથી કુરાન સળગાવવાની પરવાનગી મળી હોવાના અહેવાલો કારણભૂત હતા. ઈરાકના શરણાર્થી સલવાન મોમિકાએ બકરી ઈદના દિવસે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં ઈસ્લામમાં પવિત્ર કુરાનની નકલ સળગાવી હતી. તેનો દુનિયાભરના મુસ્લિમ દેશોમાં વિરોધ ઉઠયો હતો. યુએન સુધી એની ચર્ચા થઈ હતી અને ભારત સહિતના દેશોએ આ ઘટનાની ટીકા કરી હતી. ધાર્મિક ગ્રંથો, ધાર્મિક પ્રતીકોને સન્માન આપવાની હિમાયત થઈ હતી અને આવી ઘટના અટકાવવા સ્વીડનને તાકીદ કરાઈ હતી.

એ પછી ફરીથી સ્ટોકહોમ પોલીસે સલવાન મોમિકાને કુરાનની નકલ બાળવાની પરવાનગી આપી હોવાના અહેવાલો વહેતા થયા હતા. સ્ટોકહોમ પોલીસના નિવેદનમાં અગાઉ કહેવાયું હતું કે સ્ટોકહોમ સ્થિત ઈરાકના દૂતાવાસ સામે પ્રદર્શન કરવાની પ્રદર્શનકારીઓને પરવાનગી આપવામાં આવી છે. એ પછી સ્વીડનના સમાચાર માધ્યમોમાં એવો દાવો થયો હતો કે સલવાન ઈરાકના દૂતાવાસ સામે ઈરાકનો રાષ્ટ્રધ્વજ અને કુરાન બાળીને વિરોધ કરશે. તેના પગલે ઈરાનમાં ઘેરા પડઘા પડયા હતા. ઈરાકના વિદેશ મંત્રીએ સ્વીડનના દૂતાવાસમાં થયેલા હુમલાની ટીકા કરી હતી અને પ્રદર્શનકારીઓ સામે પગલાં લેવાશે એવું નિવેદન આપ્યું હતું. ઈરાકની સરકારે તપાસનો આદેશ પણ આપ્યો હતો.

સ્વીડનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે બગદાદમાં સ્વીડિશ દૂતાવાસમાં થયેલા હુમલામાં દૂતાવાસના અધિકારીઓ અને કર્મચારીઓને કોઈ ઈજા પહોંચી નથી. બધા કર્મચારીઓ સુરક્ષિત છે. જોકે, ઈરાક સરકારની ટીકા કરતા સ્વીડિશ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રાજદ્વારી મિશનોના અધિકારીઓ અને કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી ઈરાકની સરકારની છે. આ ઘટના બિલકુલ અયોગ્ય છે.


Google NewsGoogle News