100 દિવસથી ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટેના સ્પેસએક્સ મિશનમાં સમસ્યા સર્જાઈ
Sunita Williams News | અટવાઈ પડેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પાછા લાવવાના હેતુથી શરૂ કરાયેલા સ્પેસએક્સના ક્રુ-૯ મિશનના સફળ પ્રક્ષેપણ પછી ફાલ્કન-૯ રોકેટના બીજા તબક્કા સાથે સમસ્યા સર્જાઈ હતી. બર્નઆઉટ પછીના તેના કાટમાળનો નિકાલ આયોજન મુજબ સમુદ્રમાં થયો હતો, પણ આ કાટમાળ અંદાજ કરતા નજીવો હોવાના કારણે નિર્ધારીત સ્થળથી બહાર પડયો હતો. નાસા અને સ્પેસએક્સએ ભાવિ લોન્ચ અગાઉ આ વિસંગતિની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
બે ક્રુ સભ્યો નાસાના નિક હેગ અને રોસ્કોમોસના એલેક્સેન્ડર ગોર્બુનોવ સાથે ફ્લોરિડાના કેપ કેનેવરલમાંથી લોન્ચ કરાયેલા ક્રુ-૯ મિશનમાં અટવાઈ ગયેલા વિલિયમ્સ અને વિલમોર માટે બે સીટ ખાલી રાખવામાં આવી છે જેમને ફેબુ્રઆરી ૨૦૨૫માં પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
અગાઉ આ મિશન ૨૪ સપ્ટેમ્બરે લોન્ચ થવાનું હતું પણ ખરાબ હવામાનને કારણે તેમાં વિલંબ થયો અને ૨૮ સપ્ટેમ્બરે લોન્ચ થયું. અગાઉ તેમાં ચાર અવકાશયાત્રી જનાર હતા પણ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પાછા લાવવા માત્ર બે જ અવકાશયાત્રીને મોકલવામાં આવ્યા છે.
બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં થ્રસ્ટરની ખામી અને હેલિયમ ગળતર જેવી સમસ્યા સર્જાઈ હોવાને કારણે વિલિયમ્સ અને વિલમોર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ૧૦૦થી વધુ દિવસોથી અટવાયા છે.
ફાલ્કન-૯માં સમસ્યા થઈ હોવા છતાં નાસા મિશનની એકંદર સફળતા માટે આશાવાદી છે. નાસાના ચીફ બિલ નેલ્સને અવકાશ સંશોધનના આ સમયગાળા વિશે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલની તપાસ ભવિષ્યના મિશન માટે સલામતી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.