Get The App

ઓનલાઈન ગેમ રમતી વખતે ફાઈટર જેટના સિક્રેટ લીક થઈ ગયા, ઈટાલી સરકાર મુશ્કેલીમાં મુકાઈ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ઓનલાઈન ગેમ રમતી વખતે ફાઈટર જેટના સિક્રેટ લીક થઈ ગયા, ઈટાલી સરકાર મુશ્કેલીમાં મુકાઈ 1 - image


Secret Leaked On Online Gaming War Thunder:  ઓનલાઈન ગેમિંગનું કલ્ચર આખા વિશ્વમાં ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં મિલિટરી કોમ્બેટ ગેમ્સનો ખૂબ જ ક્રેઝ છે. આ ગેમિંગની લત ક્યારેક મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આવું જ કંઈક એક ગેમર સાથે થયું જેણે ગેમ રમતાં રમતાં ફાઈટર વિમાનોના સિક્રેટ લીક કરી દીધા જે દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 

વોર થંડર રમતી વખતે થઈ દલીલ

લોકપ્રિય ઓનલાઈન ગેમ વોર થંડર રમતી વખતે ખેલાડીઓ યુરોપિયન ફાઈટર જેટ યુરોફાઈટર ટાયફૂનની ક્ષમતાઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ચેટનું ફોકસ યુરોફાઈટર ટાયફૂનની કેપ્ટર રડાર સિસ્ટમની સ્કેનિંગ ક્ષમતાઓ પર હતું. આ ફાઈટર વિમાનોને તાજેતરમાં જ ગેમમાં ઉમેરવામાં આવ્યું છે. આ મુદ્દે ચર્ચા થતાં-થતાં તે દલીલમાં ફેરવાઈ ગઈ અને થોડા સમય પછી મામલો સંપૂર્ણપણે ભડકી ગયો. ત્યારબાદ ભડકી ગયેલા ગેમરે પોતાની વાત સાબિત કરવા માટે લશ્કરી દસ્તાવેજ પોસ્ટ કરી દીધો. સિક્રેટ દસ્તાવેજ લીક થતા જ મામલો ઈટાલી સરકાર સુધી પહોંચી ગયો.

ઈટાલી સરકારમાં ખળભળાટ મચી ગયો

ઈટાલિયન સંરક્ષણ મંત્રાલયે તરત જ આ ફાઈલને ગેમિંગ પ્લેટફોર્મ પરથી હટાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા. જે ફાઈલ અપલોડ કરવામાં આવી હતી તે સેના સાથે સંબંધિત હતી. ત્યારબાદ ગેમિંગ પ્લેટફોર્મના એડમિનિસ્ટ્રેટર્સ દ્વારા દસ્તાવેજને ટૂંક જ સમયમાં હટાવી દેવામાં આવ્યા અને યુઝરની પ્રોફાઈલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. યુઝર્સને કથિત રીતે સિસ્ટમ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, તેને એક એલર્ટ મોકલ્યું હતું કે, તે વર્ગીકૃત સામગ્રી છે પરંતુ યુઝર્સે તેને અવગણીને આગળ વધવાનો નિર્ણય કર્યો.

શું છે યુરોફાઈટર?

યુરોફાઈટર ટાયફૂન એક ટ્વિન-એન્જિન, સુપરસોનિક, કેનાર્ડ ડેલ્ટા વિંગ, મલ્ટી-રોલ ફાઈટર જેટ છે. તેનું હેડક્વાર્ટર જર્મનીમાં છે અને તેને યુકે, જર્મની, ઈટાલી અને સ્પેન અને તેની પ્રમુખ એરોસ્પેસ અને સંરક્ષણ કંપનીઓ એરબસ, BAE સિસ્ટમ્સ અને લિયોનાર્ડો સાથે મળીને એક યુરોપિયન બહુરાષ્ટ્રીય સંઘ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એક અહેવાલ પ્રમાણે ઘટના બાદ ઈટાલિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, 'અમે માહિતીના તમામ અનધિકૃત ખુલાસાઓને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. ઘટનાની સમીક્ષા કરવામાં આવશે અને, જો યોગ્ય હોય તો તપાસ શરૂ કરવામાં આવશે અને પુનરાવૃત્તિને રોકવા માટે ઉપાય કરવામાં આવશે. અમે લીક થયેલા દસ્તાવેજો પર ટિપ્પણી નહીં કરીશું.'

આ પણ વાંચો: 2024માં ગુજરાત સરકારને લાગ્યું કૌભાંડ-કાંડનું કલંક, ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર

વોર થંડર ગેમ શું છે?

વોર થંડર એક ઓનલાઇન, ફ્રી-ટુ-પ્લે, રિયલ-ટાઈમ, મલ્ટિપ્લેયર કોમ્બેટ અને સ્ટ્રેટજી ગેમ છે. તે વાસ્તવિક લશ્કરી પ્લેટફોર્મ અને વાહનોના એનિમેટેડ વર્ઝનનો ઉપયોગ કરે છે. તેનું 2013માં ગેજિન એન્ટરટેઈનમેન્ટ દ્વારા વિકસિત કરાયું હતું. ત્યારથી તે વર્ષોથી વિકસાવાઈ રહી છે. 


Google NewsGoogle News