રોબોટે માણસને સિમલા મિર્ચનું બોક્સ સમજી મોતને ઘાટ ઉતાર્યો
- સાઉથ કોરીયામાં રોબોટ ફેલ્યોરનો ચર્ચાસ્પદ કિસ્સો
- ટેકનિકલ ખામીના લીધે રોબોટ માનવી અને બોક્સ વચ્ચેનો ભેદ પારખવામાં નિષ્ફળ રહેતા દુર્ઘટના સર્જાઈ
સિઓલ : સાઉથ કોરીયામાં એક રોબોટ માણસ અને બોક્સ વચ્ચે તફાવત ન પારખી શકતા કર્મચારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં વ્યક્તિનો ચહેરો અને તેની છાતી ખરાબ રીેતે કચડાઈ ગઈ હતી. માનવામાં આવે છે કે રોબોટની ટેકનિકમાં ખરાબી આવી ગઈ હતી, તેના લીધે તેણે વ્યક્તિને સિમલા મિર્ચનું બોક્સ સમજી લીધો. આ ઘટના બની ત્યારે વ્યક્તિ રોબોટનું ટેકનિકલ પરીક્ષણ કર્રી રહ્યો હતો.
દક્ષિણ કોરિયાના દયોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ દક્ષિણ કોરિયામાં એક વ્યક્તિને રોબોટે ખરાબ રીતે કચડીને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક વ્યક્તિ ૪૦ વર્ષનો રોબોટિક્સ કંપનીનો કર્મચારી હતો. તે વ્યક્તિ દક્ષિણ ગ્યોંગસાંગ વિસ્તારમાં કૃષિ ઉપજના વિતરણ કેન્દ્રમાં રોબોટના સેન્સર ચેક કરી રહ્યો હતો.
અહેવાલ છે કે રોબોટ વ્યક્તિ અને બોક્સ વચ્ચેનો ભેદ કરી ન શક્યો. તેના પગલે તેણે તે વ્યક્તિના ઉપલા અને નીચલા હિસ્સાને અલગ કરવાનો પ્રયત્ન કર્યો. આ ઘટનામાં વ્યક્તિનો ચહેરો અને છાતી ખરાબ રીતે કચડાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આ રોબોટ સિમલા મિર્ચ ભરેલા બોક્સ ઉઠાવી રહ્યો હતો. આ દરમિયાન તેનામાં ખરાબી આવી હતી અને તેણે સામે ઉભેલા વ્યક્તિને પણ બોક્સ જ સમજી લીધો. અહેવાલમાં જણાવ્યું હતું ક ઇજાગ્રસ્ત કર્મચારીને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું.
રોબોટના હાથે માનવીને ખતમ કરવાનોઆ કંઈ પહેલો જ કિસ્સો નથી. ૨૦૧૫માં જર્મનીમાં કાર બનાવતી કંપની ફોક્સવેગનમાં પણ રોબોટે કર્મચારીને મેટલની પ્લેટ સમજીને તેને દબાવીને મારી નાખ્યો. તેમા પણ ટેકનિકલ ખામી જ કારણભૂત હતી. આ વર્ષે અગાઉ ૫૦ વર્ષીય સાઉથ કોરીયન નાગરિકને ઓટોમોબાઇલ કંપનીમાં કામ કરતા વખતે રોબોટ મશીનમાં ફસાયા પછી ગંભીર ઇજા થઈ હતી.