પેરિસમાં ઓલિમ્પિક્સના ભવ્ય ઉદ્ઘાટન પહેલાં જ રેલ-નેટવર્કમાં ભાંગફોડ કરાઈ
- હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક ખોરવાતા 8 લાખ લોકો અટવાયા
- અનેક ટ્રેનો રદ કરાઈ, એટલાંટિક, નોર્ધન અને ઇસ્ટર્ન લાઈન્સના રિપેરિંગમાં બે-ત્રણ દિવસ લાગશે : સીએનસીએફ
- વિદેશી તાકતોની દખલગીરીની આશંકાએ 1,000 લોકોને ઓલિમ્પિક્સ ગેમ્સમાં પ્રવેશતા રોકાયા
પેરિસ : પેરિસમાં ઓલિમ્પિક્સ રમતોત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે સમગ્ર દુનિયા શુક્રવારે પહેલી વખત સીન નદીમાં ઓલિમ્પિક્સના ભવ્ય ઉદ્ધાટન સમારંભના આયોજનની રાહ જોઈ રહી હતી. આવા સમયે ગુરુવારે મોડી રાતે કેટલાક તત્વોએ ફ્રાન્સના સૌથી મોટા હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક પર ભાંગફોડ અને આગજની કરતાં ફ્રાન્સના અન્ય ભાગો તેમજ યુરોપમાંથી પેરિસ સુધી આઠ લાખથી વધુ લોકોનો પ્રવાસ ખોરવાઈ ગયો હતો અને તેઓ વિવિધ સ્ટેશનો પર રઝળી પડયા હતા. બીજીબાજુ ઓલિમ્પિક્સના ઉદ્ધાટનના કલાકો પહેલાં જ અનેક ખેલાડીઓ પણ રસ્તામાં અટવાઈ પડયા હતા. સરકારે આ હુમલાને ગુનાઈત કૃત્ય ગણાવ્યું છે.
પેરીસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભના કેટલાક કલાકો પહેલાં જ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ કરવાની દુર્ભાવનાથી ફ્રાન્સના સૌથી મોટા હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક પર ગુરુવારે રાત્રે હુમલો કરાયો હતો. ફ્રાન્સની રેલવે કંપની સીએનસીએફે શુક્રવારે કહ્યું કે, આગલી રાત્રે એકી સાથે કેટલીયે ટ્રેનો ઉપર હુમલા થતાં એટલાંટિક, નોર્ધન અને ઇસ્ટર્ન લાઈન્સ પર અનેક હુમલા કરાયા હતા. આ હુમલાના કારણે આ રૂટ પરની ટ્રેનો રદ કરવી પડી હતી. હવે ટીજીવી નેટવર્કને રીપેર કરવામાં બે-ત્રણ દિવસ નીકળી જશે. ફ્રાન્સમાં વીક એન્ડની રજાના કારણે લાખો લોકો ઓલિમ્પિક્સના ઉદ્ધાટન સમારંભમાં ભાગ લેવા પેરિસ પહોંચી રહ્યા હતા તેવા સમયે આ ભાંગફોડથી ૮ લાખથી વધુ લોકો વિવિધ સ્ટેશનો પર અટવાયા હતા. ટ્રેનો રદ થવાના કારણે હવે તેમણે તેમના શિડયુલમાં ફેરફાર કરવો પડયો છે.
ફ્રાંસના યાતાયાત મંત્રી પેટ્રિક બર્ગીટ્રેએ ઓલિમ્પિક્સ રમતોત્સવની ઉદ્ધાટન વિધિપૂર્વે જ ફ્રાંસના હાઇસ્પીડ રેલ નેટવર્ક ટીજીવી નેટવર્ક ઉપર થયેલા આ હુમલા ભયંકર હતા. તેની રેલ-ટ્રાફિક ઉપર ઘણી ગંભીર અસર થઈ છે. અમારી સિસ્ટમને નુકસાન પહોંચાડવા માટે જ અનેક સ્થળો પર રેલવે ટ્રેક પર આગ લગાવાઈ અને હુમલા કરાયા હતા.
આ સપ્તાહની શરૂઆતમાં ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મેનિને કહ્યું કે, વિદેશી તાકતોની દખલગીરીની આશંકાએ ૧,૦૦૦ જેટલા લોકોને ઓલિમ્પિક્સ ગેમ્સમાં પ્રવેશતા રોકવામાં આવ્યા છે. તેમણે રશિયાનું પીઠબળ ધરાવતા તત્વો તરફથી ભાંગફોડ થવાની વારંવાર આશંકા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે નોંધ્યું હતું કે, અન્ય દેશોમાંથી પણ આવી ધમકીઓ મળી છે. જોકે, તેમણે આદેશોનું નામ લેવાનું ટાળ્યું હતું. ઉપરાંત જે લોકોને ગેમ્સમાં પ્રવેશતા અટકાવાયા છે તેમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓ અથવા ડાબેરી અથવા જમણેરી પાંખના રાજકીય કટ્ટરવાદીઓ અથવા ગુનાઈત રેકોર્ડ ધરાવતા હોય તેવા લોકોનો પણ સમાવેશ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ફ્રાન્સના વડાપ્રધાન ગેબ્રિએલ અટ્ટલે કહ્યું કે, ગુપ્તચર સર્વિસીસે રેલવે નેટવર્ક પર હુમલાના કાવતરાંખોરોની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલો ખૂબ જ તૈયારીપૂર્વક અને સંકલનકારી હતો. ઓલિમ્પિક્સની પૂર્વ સંધ્યાએ આ કૃત્યનો સ્પષ્ટ અર્થ છે કે તેઓ હાઈ-સ્પીડ રેલવે નેટવર્કને ખોરવવા માગે છે.
આ ઓલિમ્પિક ગેઇમ્સમાં ૭,૫૦૦ હરીફો ભાગ લેવાના છે, તેઓ સીન નદીના ચાર માઇલના પટમાં ૮૫ બોટ દ્વારા માર્ચ પાસ્ટ કરવાના છે. આ ઓલિમ્પિક્સ જોવા ઘણા વીઆઈપીઝ આવવાના છે. આશરે ૩ લાખ જેટલા પ્રેક્ષકો તે ઓલિમ્પિક્સ માણવાના છે.