નવે. 24માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે અત્યારે તો રીપબ્લિકન, ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી આગળ છે
- ટ્રમ્પે સોમવારે આયોવા, કૉક્સમાં ભારે મોટી જીત મેળવી છે, તેણે તેમના હરીફો, રૉન ડીસેંટિસ અને નિક્કી હેલીથી ઘણા વધુ મત મેળવ્યા છે
વૉશિંગ્ટન : સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. આ સામે રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકેની રેસ શરૂ થઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી જીતનો દાવો કરી રહ્યાં છે. ઉમેદવારીની રેસ શરૂ થતાં જ ટ્રમ્પને ભારે જીત મળી છે. આયોવા કોકસમાં તેઓ ભારે બહુમતિથી વિજયી થયા છે.
ફલોરિડાના ગર્વનર રૉન ડીસેન્ટીસ અને પ્રમુખ પદ માટેની રેસમાં એકમાત્ર મહિલા અને યુ.એન.નાં પૂર્વ રાજદૂત નિક્કી હેલી બંને કરતાં ટ્રમ્પ આગળ છે. વાસ્તવમાં ડીસેન્ટીસ અને હેલી એકબીજાને ટક્કર મારે છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગને (સીનીયર) દ્વારા જેમ ગોડ બ્લેસ અમેરિકાનું સૂત્ર વહેતું કરાયું હતું. તેમ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટનું સૂત્ર વહેતું મુકી અમેરિકનોને પોતાની તરફ ખેંચ્યાં છે.
નિરીક્ષકો તેમ પણ કહે છે કે ૮૧ વર્ષ પૂરાં કરવામાં આવેલા જો બાઇડેન ડેમોક્રેટની સુષ્ટુ સુષ્ટુ વાતો અને ઢીલી નીતિ મોટાભાગના અમેરિકોને રૂચે તેમ જ નથી. તેઓ અમેરિકા ફર્સ્ટ તરફ ઝૂકે છે.
આયોવા-કૉક્સ માટે મતદાતાઓએ ૧૫૦૦થી વધુ સ્કૂલો, ચર્ચો અને સામુદાયિક કેન્દ્રોમાં મતદાન કર્યું હતું. તેમાં ટ્રમ્પને ભારે જીત મળી હતી.
વિવિધ પ્રી-પોલ-સર્વે અત્યારથી જ જણાવે છે કે, ટ્રમ્પ ઉપર કરાતા અનેકવિધ કેસોને લીધે ટ્રમ્પની પ્રતિષ્ઠા ઘટી નથી. પરંતુ તેથી તેઓ પ્રત્યે જનતાની સહાનુભૂતિ વધી છે. જનતા માને છે કે આ કેષો માત્ર ટ્રમ્પને મૂંઝવવા માટે જ બાયડેન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
નિરીક્ષકો તેમ પણ કહે છે કે ૨૪નું વર્ષ વિશ્વસ્તરે મહત્ત્વનું બનશે. રશિયા, ચીન, અમેરિકા અને ભારતની ચૂંટણીઓ મહત્ત્વની બનશે. રશિયા, ચીનમાં પરિણામો નિશ્ચિત છે. ત્યાં તો વર્તમાન પ્રમુખો જ ચૂંટાઈ આવશે તે કહેવાની જરૂર પણ નથી. ભારતમાં અયોધ્યા રામ-મંદિર રચી નરેન્દ્ર મોદીએ તમામ વિપક્ષોને ઠેકાણે પાડી દીધા છે. તેઓએ મુખ્ય વિપક્ષ કોંગ્રેસનાં નેતાઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પક્ષના સભ્યોને હાજર નહીં રહેવાનું કહી પોતાના પગ ઉપર જ કુહાડો માર્યો છે. નરેન્દ્ર મોદી અને ભાજપ ચોવીસની ચૂંટણીમાં હવે મેદાન મારી જ જશે તે નિશ્ચિત છે. પણ અમેરિકામાં જો ટ્રમ્પ વિજયી થશે તો બે લોખંડી નેતાઓ મોદી અને ટ્રમ્પ વિશ્વ રાજકારણને નવો જ વળાંક આપી દેશે તે નિશ્ચિત છે.
છેલ્લા સમાચાર પ્રમાણે વિવેક રામાસ્વામી પક્ષની રેસમાંથી નીકળી ગયા છે. ભારતીય વંશના આ સબળ નેતાએ ટ્રમ્પને પુષ્ટિ આપતાં અને નિક્કી હેલી પાછળ રહી જતાં અમેરિકામાં વસતા ભારતીયો ટ્રમ્પ તરફ વળશે તે સહજ છે.
આ સાથે તે ભૂલવું ન જોઈએ કે ઉ.કોરિયાનો ઉન ગમે ત્યારે ગમે તે પગલું ભરી શકે તેમ છે. યુક્રેનનો ચરૂ ઉકળે છે. પરંતુ સૌથી વધુ ખતરનાક ગાઝા યુદ્ધની પાઉડર કેગ છે. તે જ વ્યાપક યુદ્ધનો ભડાકો કરે તેવી ભીતિ નિરીક્ષકોને સતાવે છે. તો પૂર્વમાં તાઈવાન સમુદ્રધૂનિમાં પણ વમળો જાગી રહ્યાં છે.