શખ્સે એવી છીંક ખાધી કે આંતરડા બહાર આવી ગયા, ઓપરેશનના ઘા ખૂલી ગયા
દર્દી રિકવરીની ખૂશીમાં પત્ની સાથે એક રેસ્ટોરન્ટમાં ગયું હતું
અચાનક આવેલી જોરદાર છીંકથી હોસ્પીટલમાં દાખલ થવું પડયું
નવી દિલ્હી,૨૬ જૂન,૨૦૨૪,બુધવાર
છીંક એ શરીરની સામાન્ય પ્રતિક્રિયા છે પરંતુ અમેરિકાના ફલોરિડામાં રહેતા એક શખ્સે એવી ઝડપી છીંક ખાધી કે શરીરમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. આ અસમાન્ય ઘટના અંગેનું વિવરણ અમેરિકન જર્નલ ઓફ મેડિકલ કેસ રિપોર્ટસમાં પ્રકાશિત થયું છે. છીંક ખાનાર વ્યકિતને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવામાં આવ્યો હતો. છીંક ખાનાર વ્યકિત પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનેલો હતો.
આ ઘટનાના ૧૫ દિવસ પહેલા યૂરિનરી બ્લેડરને સિસ્ટેકટોમી પ્રક્રિયા હેઠળ બહાર કાઢવામાં આવ્યું હતું. સિસ્ટેકટોમીની સારવાર પછી વ્યકિત સાજો થઇ રહયો હતો.રિકવરીની ખૂશીમાં પત્ની સાથે એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ માટે ગયો હતો. બ્રેક ફાસ્ટ દરમિયાન અચાનક જ જોરદાર છીંક આવતા તરત જ ખાંસી ચાલું થઇ ગઇ હતી. પેટના નિચેના ભાગમાં જોયું તો ભીનાશ અને દર્દ મહેસુસ થતું હતું. તેના આંતરડા સર્જિકલ પાર્ટથી બહાર નિકળી ગયા હતા.
તેને ગભરાઇને શર્ટથી આંતરડાના ઉપસેલા ભાગને દબાવી દીધો હતો. હલી શકવાની સ્થિતિ ન હોવાથી એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં સારવાર લીધી હતી.ખૂબ મહેનત પછી ત્રણ સર્જન ડૉકટર્સે આંતરડાને પેટમાં નાખ્યા હતા. નાના આંતરડામાં કોઇ પણ પ્રકારની ઇજ્જાના નિશાન જોવા મળતા ન હતા.
ઘા ખૂલી જવા એક પ્રકારનું કોમ્પિલકેશન છે.આ ઘટના શરીરમાં ઓપરેશન પછી સાવધાનીપૂર્વક સંભાળ અને ઘા ભરાઇ જાય તે માટે બારિકીથી નિરીક્ષણ કરવાના મહત્વને ઉજાગર કરે છે. સંશોધકોનું ધ્યાન ગયું છે કે છીંક જેવી કુદરતી પ્રક્રિયાથી પણ આ પ્રકારની જટિલતા ઉભી થઇ શકે છે.