POKના લોકો પાકિસ્તાની સેનાના અત્યાચારોથી કંટાળી ગયા છે, ભારતમાં ફરી ભળી જવા માંગે છે
Image Source: Wikipedia
લંડન, તા. 16. ફેબ્રુઆરી. 2024 શુક્રવાર
એક તરફ ભારતમાં જમ્મુ અને કાશ્મીરના લોકો સરકારની યોજનાઓના કારણે વિકાસ કરી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાને આઝાદી બાદ પચાવી પાડેલા કાશ્મીરના હિસ્સામાં લોકોની દયાજનક હાલત છે.પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાનની સેના અને સરકારના અત્યાચારોથી કંટાળી ગયેલા લોકો હવે ભારત સાથે જોડાઈ જવા માટેની માંગણી વધારે ઉગ્ર બનાવી રહ્યા છે.
પાકિસ્તાનની સેના તરફથી જાનના જોખમનો સામનો કરી રહેલા પીઓકેના આગેવાન અ્ને હવે બ્રિટનમાં શરણાર્થી તરીકે રહેતા અજમદ અયુબ મિર્ઝાએ કહ્યુ હતુ કે, મને રોજ પીઓકેમાંથી સેંકડો લોકોના ફોન આવે છે અને આ લોકો મને પૂછે છે કે, ક્યાં સુધી આપણે પાકિસ્તાનની સેનાના અત્યાચારો સહન કરતા રહીશું.પીઓકેના લોકો પોતાને ભારતના રહેવાસી માની રહ્યા છે અને હવે ભારતમાં ભળવા માંગે છે.
મિર્ઝાના કહેવા પ્રમાણે પાકિસ્તાની સરકાર પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવે છે પણ અહીં રહેતા લોકોની હાલત ગુલામો કરતા પણ ખરાબ છે.આઝાદીના નામે દાયકાઓથી પાકિસ્તાની સેના અહીંના લોકો પર અત્યાચાર ગુજારી રહી છે અને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે સ્થાનિક લોકોનો ઉપયોગ કરી રહી છે.જોકે લોકોને હવે ખબર પડવા માંડી છે કે, પાકિસ્તાન પોતે જ જ્યારે બરબાદીની કગાર પર છે તો કાશ્મીરનુ શું ભલુ કરી શકશે....હવે કાશ્મીરમાં ધર્મના નામે પાકિસ્તાને જે ઝેર ફેલાવ્યુ હતુ તેની અસર પણ ખતમ થવા માંડી છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, પીઓકેમાં તમામ સંસાધનો પર પાકિસ્તાની સેના તેમજ સરકારનો કબ્જો છે અને અહીંયા લોકોને બે ટાઈમ ખાવાના પણ ફાંફા છે.આ સંજોગોમાં લોકો ભારત સાથે જોડાઈ જવા માટેની માંગણી બુલંદ કરી રહ્યા છે.