પેરિસ ઓલિમ્પિકનું રંગારંગ સમારંભ અને રોશનીના ઝળહળાટ સાથે સમાપન

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
પેરિસ ઓલિમ્પિકનું રંગારંગ સમારંભ અને રોશનીના ઝળહળાટ સાથે સમાપન 1 - image


- ઓલિમ્પિકનો ફ્લેગ 2028ના યજમાન લોસ એંજલસને સોંપવામાં આવ્યો

- ભારત એક રજત,પાંચ બ્રોન્ઝ સાથે છ મેડલ જીતીને ૭૧મા ક્રમે

પેરિસ: પેરિસમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલાં ૩૩માં ઓલિમ્પિક રમતોત્સવનું આખરે રંગારંગ સમારંભ અને રોશનીના ઝળહળાટ તેમજ વિશ્વભરના ખેલાડીઓએ એક સાથે આવીને રજૂ કરેલી એકતાના ભાવનાની સાથે આખરે સમાપન થયું હતુ. ફ્રાન્સના વિખ્યાત સ્ટેડ ડી ફ્રાન્સમાં ૮૦ હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં યોજાયેલા સમારંભમાં ફ્રાન્સના કલાકારોએ મંત્રમુગ્ધ કરી દેતું પર્ફોર્મન્સ આપ્યું જ હતુ. તેની સાથે સાથે વર્ષ ૨૦૨૮ના ઓલિમ્પિકના યજમાન લોસ એંજલસના આયોજકોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી. 

ફેશનની રાજધાની તરીકેની ઓળખ ધરાવતા પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિકનું સમાપન સમારંભને પણ આર્ટિસ્ટિક ડાયરેક્ટર થોમસ જોલીએ યાદગાર બનાવી દીધો હતો. સમાપનમાં ૧૦૦થી વધુ ડાન્સરોની સાથે સાથે સર્કસના કલાકારો તેમજ અન્ય પર્ફોર્મર્સે ભાગ લીધો હતો. સ્ટેડિયમમાં ગીત-સંગીતની ધૂનો અને કલાકારોના રંગબેરંગી પોશાકને કારણે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતુ. વિશ્વબંધુત્વની ભાવના સાથે યોજાતા ઓલિમ્પિકમાં પરંપરા પ્રમાણે તમામ દેશના ખેલાડીઓ એકસાથે જોવા મળ્યા હતા. પેરિસમાં છેલ્લા ૧૬ દિવસથી ઝળહળતા ઓલિમ્પિકના અગ્નિકૂંડને શમાવી દેવામાં આવ્યો હતો અને ઓલિમ્પિક ફ્લેગને ઉતારીને ૨૦૨૮ના યજમાન લોંસ એંજલસના મેયરને સોંપવામાં આવ્યો હતો. ફ્રાન્સના ફોનિક્સ અને એર્સ બેન્ડે પણ સમાપનમાં પર્ફોર્મન્સ આપ્યું હતુ. અમેરિકાના સેલિબ્રિટીસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

વૈશ્વિક રમતોત્સવમાં ચીન અને અમેરિકાએ તેનું પ્રભુત્વ જાળવી રાખતાં ફરી વખત સૌથી વધુ મેડલ જીતનારા બે દેશો તરીકે ટોચના બે સ્થાન પર કબજો જમાવ્યો હતો. ભારત આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી શક્યું નહતુ, પણ એક રજત અને પાંચ બ્રોન્ઝ સાથે કુલ છ મેડલ જીતીને ૭૧માં ક્રમે રહેવામાં સફળ રહ્યું હતુ. 


Google NewsGoogle News