પાકિસ્તાનની સંસ્થાએ ભારતમાં 50 એમ્બ્યુલન્સ અને હેલ્થ વર્કર મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી
નવી દિલ્હી, તા. 24 એપ્રિલ, 2021, શનિવાર
ભારતમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણની પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ચર્ચા છે. દરમિયાન પાકિસ્તાન પીએમ ઈમરાનખાને કહ્યુ છે કે, ભારતમાં કોરોનાના દર્દીઓ જલ્દી સાજા થાય તે માટે હું પ્રાર્થના કરુ છું.
ઈમરાનખાને કહ્યુ હતુ કે, કોવિડ સામે લડી રહેલા ભારતના લોકોની અમે પડખે ઉભા છે. પાકિસ્તાનના પાડોશી દેશમાં અને દુનિયાભરમાં લોકો જલદી સાજા થાય તે માટે દુઆ કરુ છું. આપણે સાથે મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ પડશે.
દરમિયાન પાકિસ્તાનની સંસ્તા ઈધી વેલફેર ટ્રસ્ટે ભારતને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્રસ્ટના પ્રમુખ ફૈસલ ઈધીએ કહ્યુ હતુ કે, ભારતના લોકો સાથે અમારી સહાનુભૂતિ છે. ભારતના લોકોની મદદ માટે 50 એમ્બ્યુલન્સ અને સ્વાસ્થ્ય કર્મીઓ અમે મોકલવા માંગીએ છે. ઈધી વેલફેટ ટ્રસ્ટ પાકિસ્તાનની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકીની એક છે. જે ગરીબ લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનુ કામ પાકિસ્તાનમાં કરે છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર પણ સંખ્યાબંધ પાકિસ્તાનીઓ આ કપરા સમયમાં ભારત સાથે હોવાનુ કહી રહ્યા છે.