પેરિસમાં આજથી રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ
- સ્ટેડિયમની જગ્યાએ સીન નદીમાં બોટ પર ખેલાડીઓની માર્ચપાસ્ટ થશે
- ચાર કલાકના રંગારંગ સમારંભનો ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.00થી શરૂ થશે, પોપસિંગર ડીઓન અને લેડી ગાગા જમાવટ કરશે
- 206 દેશના 10,500 ખેલાડીઓ 329 મેડલ જીતવા માટે સ્પર્ધામાં ઉતરશે
પેરિસ : પેરિસમાં આવતીકાલથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થશે. ઑલિમ્પિક આયોજક સમિતિના કહેવા પ્રમાણે ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે. આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૦૦થી તેનો પ્રારંભ થશે અને તે ચાર કલાક જેટલો ચાલશે.
અત્યાર સુધીના તમામ ઉદ્ધાટન સમારંભ ઑલિમ્પિક સ્ટેડિયમમાં જ થતા હોય છે જ્યારે આ પહેલો રમતોત્સવ છે જેમાં ખેલાડીઓની માર્ચપાસ્ટ પેરિસની સીન નદીમાં ૮૦ જેટલી બોટ વારાફરતી પસાર કરાવીને થશે આ બોટમાં જે તે ભાગ લેનાર દેશના ખેલાડીઓ તેમના રાષ્ટ્રધ્વજ સાથે અભિવાદન ઝીલશે.
છ કિલોમીટર જેટલા નદીના વહેણમાં આ રીતે વારાફરતી બોટ પસાર થશે અને આટલા વિસ્તારમાં નદી કિનારે એટલે કે રીવર ફ્રન્ટ પર પ્રેક્ષકો આ ઉદ્ધાટન સમારંભને નિહાળવા માટે બેઠા હશે.
પેરિસને એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે આ છ કિલોમીટરના માર્ગમાં જ મ્યુઝિયમ, ચર્ચ અને વિશ્વ પ્રવાસીઓને આકર્ષતા સ્થાપત્યો અને સ્મારકો આવેલા છે તે બધામાં શિરમોર એફિલ ટાવર છે. આ તમામ સ્થળો પર પણ પ્રેક્ષકોના બ્લોક ખડા કરવામાં આવ્યા છે.
અંદાજે ૩ લાખ પ્રેક્ષકો નજર સામે કે પછી તે વિસ્તારમાં મુકવામાં આવેલા ૮૦ જેટલા જાયન્ટ સ્ક્રીન પર ઉદ્ધાટન સમારંભ માણશે ઉદ્ધાટન સમારંભના પ્રથમ બે કલાક સૂર્યપ્રકાશ રહેશે જ્યારે આખરી બે કલાક સૂર્યાસ્ત અને રાત્રિનો અદ્ભુત નજારો સર્જાશે. ઑલિમ્પિકની પૂર્ણાહુતિ ૧૧ ઑગસ્ટે થશે.૨૦૬ દેશના ૧૦,૫૦૦ ખેલાડીઓ ૩૨ રમતોના ૩૨૯ ઇવેન્ટસમાં મેડલ જીતવાનો જંગ ખેલશે.
ફ્રાંસના પ્રમુખ મેક્રો સહિત ૮૦ દેશના વડા કે તેમના પ્રતિનિધિ ઉદ્ધાટન સમારંભમાં હાજરી આપશે. લંડને ૧૯૦૮, ૧૯૪૦ અને ૨૦૧૨માં ઑલિમ્પિક યોજી હતી. પેરિસે ૧૯૦૦ અને ૧૯૨૪ એમ બેવખત ઑલિમ્પિકનું આ અગાઉ આયોજન કર્યું હતું. આમ લંડન પછી પેરિસ બીજું એવું શહેર બનશે કે જેમાં ત્રણ વખત ઑલિમ્પિક યોજાઈ હોય. પેરિસને આ ઑલિમ્પિક યોજવા માટે ૯ અબજ ડોલરનો ખર્ચ થશે.
ભારતના ૧૧૭ ખેલાડીઓ ૧૬ રમતોમાં ભાગ લેવાના છે. અમેરિકાએ ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬૩૫ મેડલમાંથી ૧૦૭૦ ગોલ્ડ મેડલ જીત્યા છે. સોવિયત યુનિયને ૨૦૪, જર્મનીએ ૯૩૨ અને ગ્રેટબ્રિટને ૯૫૦ મેડલ જીત્યા છે.
છેલ્લી ત્રણ ઓલિમ્પિકથી ચીન અમેરિકાને સ્પર્ધા પૂરી પાડી રહ્યું છે.
આ વખતે ઑલિમ્પિકમાં ૩૨૯ મેડલ જીતવા માટે સ્પર્ધા થશે. ટોકિયો ઑલિમ્પિકમાં યુએસએના ૩૯ અને ચીનના ૩૮ ગોલ્ડ મેડલ હતા.
ભારતે ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જે અત્યાર સુધીનો તેઓનો શ્રેષ્ઠ દેખાવ છે.
ઑલિમ્પિકના ઇતિહાસમાં ભારતે ટીમ ઇવેન્ટમાં હોકીમાં ૮ અને વ્યક્તિગત ઇવેન્ટમાં બે ગોલ્ડ એમ ૧૦ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર અને ૧૬ બ્રોન્ઝ જીત્યા છે. આમ ભારતે ઑલિમ્પિકના ઇતિહાસમાં ૩૫ જેટલા મેડલ જીત્યા છે. જોઈએ ભારત મેડલ જીતવામાં બે આંકડે પહોંચ છે કે કેમ ?