પેરિસમાં ઐતિહાસિક નૌકા પરેડ સાથે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન
- સીન નદીનો જળમાર્ગ અને સ્મારકો અભૂતપૂર્વ રોશનીથી ઝગમગી ઉઠયા
- લેડી ગાગા અને ડીઓને ૩ લાખ પ્રેક્ષકોના દિલ જીત્યા : તરૂણ તાહિલિયાનીએ ડિઝાઇન કરેલા ત્રિરંગા થીમ સાથેના ડ્રેસ પહેરી ભારતીય ખેલાડીઓએ પરેડમાં ભાગ લીધો
- ૧૦૦થી વધુ બોટ દ્વારા ૨૦૬ દેશના ખેલાડીઓની ૬ કિલોમિટરના જળમાર્ગ પર પરેડ
- ૪૫૦૦૦ પોલીસ દળની સિક્યોરિટી : જીલ બાઇડેન સહિત વિશ્વના નેતાઓની ઉપસ્થિતિ
પેરિસ: પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવને અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલ ઉદ્ધાટન સમારંભ દ્વારા ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીની તમામ સમર કે વિન્ટર ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમમાં થતો હોય છે પણ પેરિસ ઇતિહાસનું પ્રથમ એવું યજમાન બન્યું કે જ્યાં ઉદ્ઘાટન સમારંભ પેરિસની સંસ્કૃતિની હાર્દ મનાતી સીન નદીના વહેણમાં બોટ સાથેની પરેડ દ્વારા યોજાયો હતો. ઉદ્ધાટનનું આ જ આકર્ષણ હતું.
સીન નદીના ૬ કિલોમીટર વહેણમાં વારાફરતી બોટ પસાર થતી હતી અને તે બોટમાં આલ્ફાબેટ પ્રમાણે જે તે દેશની ટીમ અને ઓફિસિયલને સ્થાન અપાયું હતું. તેઓ ૬ કિલોમીટર જળમાર્ગ પુરો કરે ત્યારે ૪૫ મિનિટ જેટલો સમય લાગતો હતો.
આ સમગ્ર જળમાર્ગની બહાર નદી કિનારે (રીવરફ્રન્ટ) સ્ટેડિયમની જેમ જુદા જુદા બ્લોકમાં પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા હતી અને આવા ત્રણેક લાખ પ્રેક્ષકો સાથે પાસ્ટની ટીમનું અભિવાદન ઝીલતા હતા.
ચાર કલાકના આ ઉદ્ધાટન કાર્યક્રમમાં ૧૦૦થી વધુ બોટનો ઉપયોગ કરાયો હતો.
વિશ્વના ૨૦૬ દેશોના ખેલાડીઓને પરેડ કરાવવા ૬ કિલોમીટર જળમાર્ગમાં ૧૦૦ બોટનો બે રાઉન્ડથી વધુ થયા હતા. શબ્દથી વર્ણવી ન શકાય અને ''જોઈએ તો જ માની શકાય'' તે કહેવત જેવો ચકાચૌંધ કરી મુકતો નજારો હતો. કેમકે ઉદ્ધાટનના પ્રારંભના બે કલાક સૂર્યપ્રકાશ હતો અને તે પછીના બે કલાક સૂર્યાસ્ત અને તે પછી અંધકારમાં રોશનીનો ઝગમગાટ સર્જતો સમય હતો.
સીન નદી પરથી બોટ પસાર થાય અને ત્યાંનો ઝગમગાટ તો બીજી તરફ રીવરફ્રન્ટ પરની પ્રેક્ષકદીર્ધામાં પણ લાઇટિંગ નયનરમ્ય હતું. આ સમગ્ર છ કિલોમીટર વિસ્તારમાં જગવિખ્યાત લુવ્ર મ્યુઝિયમ, નોટ્રે ડામે ચર્ચ અને એફીલ ટાવર સહિત ઐતિહાસિક સ્મારકો અને સ્થાપત્યો આવેલા છે. આ તમામ પર અલગ અલગ રોશની હતી. બોટની સવારીની શરૂઆત ઓસ્ટેર્લિત્ઝ બ્રીજથી શરૂ થઈ હતી અને તે ઉપરોક્ત સ્મારકો પાસેથી પસાર થતી. કેટલાંક અન્ડરબ્રિજ અને ગેટવેઝ પણ જળમાર્ગમાં આવતા હતા. પોન્ટ ડેસ આર્ટ અને પોસ્ટ નેઉફ જેવા લેન્ડમાર્જ પણ આવરી લેવામાં આવ્યા હતા.
સ્વાભાવિક છે કે તમામ પ્રેક્ષકોને સંતોષકારક રીતે પરેડ અને રંગારંગ કાર્યક્રમ જોઈ શકે આ માટે ૮૦ જેટલાં જાયન્ટ સ્ક્રીન શહેરમાં અને રીવરફ્રન્ટ પર રખાયા હતા. ફ્રાંસની સંસ્કૃતિ અને ઇતિહાસની થીમ મુખ્ય હોય તેમ આઇટમ અને પ્રસ્તુતિ જોતા લાગે. અયાના ગ્રાન્ડે, લેડી ગાગા, સેલીન ડીઓન અને અયા નાકામુરાનું પર્ફોરમન્સ મુખ્ય આકર્ષણ હતું. ફ્રાંસની જાણીતી અભિનેત્રી લેટિટિયા કાસ્ટા અને જર્નાલિસ્ટ મોહમદ બોઉહાફરતીએ ટોર્ચ રીલે સાથે ઉદ્ધાટનમાં માન મેળવ્યું હતું.
ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ અને ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે કર્યું હતું. જ્યારે ભારતીય કાફલાના ચીફ ડી મિશન શુટર ગગન નારંગ રહ્યા હતા.
ભારતના પુરૂષ ખેલાડીઓએ પરેડમાં કુર્તા બંડી જ્યારે મહિલા ખેલાડીઓએ ભારતનો ત્રિરંગાની પ્રિન્ટ અને ઇકાત પ્રિન્ટ, બનારસી બ્રોકાડેની સાડી પહેરી હતી. ભારતના ખેલાડીઓના ડ્રેસ તરૂણ તાહિલિયાનીએ ડિઝાઇન કર્યા હતા બંનેના ડ્રેસનો મુખ્ય રંગ સફેદ હતો.
૮૦ દેશોના વડા કે તેના પ્રતિનિધિઓ, યુનો, આઈ ઓસી સહિત વૈશ્વિક સંસ્થાઓના ડેલિગેશને પણ હાજરી આપી હતી. બાઇડનના પત્ની જીલ બાઇડન, યુકેના પ્રમુખ સ્ટાર્મેર, જર્મન ચાન્સલર સ્કોલ્ઝ, ઇટાલીના પ્રમુખ મટ્ટારેલા જેવા અગ્રણીઓ હાજર હતા. અમેરિકન રેપર લા બોર્ન સ્નુપ પાસે મશાલ સૌથી છેલ્લે આવી હતી તેણે ઓલિમ્પિક જ્યોત પ્રગટાવી હતી.
૪૫૦૦૦ જેટલા પોલીસને સિક્યોરિટી માટે ઉદ્ધાટન સમારંભમાં રખાયા હતા. આ ઉપરાંત તે વિસ્તારમાં નો ફલાય ઝોન જાહેર કરાયો હતો.
ફ્રાંસના થિયેટર ડાયરેક્ટર અને એક્ટર થોમસ જોલીએ પેરિસની આ સમારંભનું નિર્દેશન સંભાળ્યું હતું.