કેનેડામાં વિઝા લેનારા ભારતીય સ્ટુડન્ટસની સંખ્યા ઘટી, નિજજર હત્યાકાંડ પછી વણસેલા સંબંધો જવાબદાર
૨૦૨૨ના ચોથા કવાટરમાં ૧૦૮૯૪૦ વીઝા બહાર પાડવામાં આવ્યા હતા
આજ ગાળામાં વર્ષ ૨૦૨૩માં માત્ર ૧૪૯૧૦ વીઝા આપવામાં આવ્યા
નવી દિલ્હી,18 જાન્યુઆરી,2024,ગુરુવાર
છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડા અભ્યાસ માટે જવાનો ભારતીય યુવાઓમાં ક્રેઝ જોવા મળે છે. કેનેડા એજયુકેશન હબ તરીકે પણ ઉભર્યુ છે પરંતુ ગત વર્ષ કેનેડામાં ભારતીયોને ઓછા વિઝા આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૨ના ચોથા કવાટરમાં ૧૦૮૯૪૦ વીઝા બહાર પાડવામાં આવ્યા હતા જયારે આજ ગાળામાં વર્ષ ૨૦૨૩માં માત્ર ૧૪૯૧૦ વીઝા આપવામાં આવ્યા હતા.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ પાસે એવા પુરતા પુરાવા છે કે કેનેડાઇ નાગરિક હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની ભૂમિકા હોઇ શકે છે. તે પછી બંને દેશોના સંબંધો વણસી ગયા હતા. ગત જૂન મહિનામાં કેનેડામાં એક ગુરુદ્વારા પાસેના પાર્કિગમાં બે અજાણ્યા યુવકોએ ગોળી મારીને હત્યા કરી હતી. કેનેડામાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆરઆઇ)એ નિજજર વિરુધ આતંકી હુમલાના ષડયંત્રની ચાર્જશીટ દાખલ કરી હતી.
નિજજર ગુરુ નાનક શિખ ગુરુદ્વારા સાહિબનો પ્રમુખ હતો. ઉપરાંત તે કેનેડામાં ચાલતા ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ)નો ચીફ હતો. ભારતની વાત કરીએ તો નિજજર ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હતો.જેના પર ભારતે ૧૦ લાખનું ઇનામ જાહેર કર્યુ હતું. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા. બંને દેશોના સંબંધોમાં પણ ખટાશ આવી ગઇ હતી. ભારતે કેનેડાના કેટલાક ડિપ્લોમેટસને દેશ છોડી દેવા જણાવ્યું હતું જેમાંના કેટલાક વીઝા બહાર પાડનારા કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો.
બંને દેશોએ અરસ પરસ કાર્યવાહી કરી હતી જેમાં કેનેડાના ૪૧ અધિકારીઓનો સમાવેશ થતો હતો. ત્યાર પછી સ્ટુડન્ટસ વિઝા ખૂબજ ઓછા ઇશ્યુ થયા એવું રોઇટરના એક અહેવાલમાં જાણવા મળે છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આવનારા નજીકના ભવિષ્યમાં સ્થિતિમાં કોઇ સુધારો થાય તેમ જણાતું નથી. સંબંધોમાં જોવા મળેલા તણાવની અસર સ્ટુડન્ટસની સંખ્યા પર જોવા મળી શકે છે.
ભારતમાંથી આવતી અરજીઓની સંખ્યાઓનો નિકાસ કરવાની ક્ષમતા ઘટી છે. કેનેડાઇ સંસ્થાનોમાં રહીને અભ્યાસ માટે સુવિધાઓની ખામીના લીધે સ્ટુડન્ટસ હવે બીજા વિકલ્પો વિચારવા લાગ્યા છે. હાલમા ંકેનેડામાં અભ્યાસ કરતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસમાં ભારતીયોની સંખ્યા વધારે છે. ૨૦૨૨માં કુલ સ્ટુડન્ટ વિઝા બહાર પડયા હતા તેમાં ૨૨૫૮૩૫ ભારતીયો હતા. જે કુલ વિઝા બહાર પડયા તેના ૪૧ ટકા જેટલા હતા. છેલ્લા ૧ વર્ષમાં ૪ ટકા જેટલો ઘટાડો થયો છે તેમ છતાં કેનેડામાં સૌથી વધુ ભારતીય સ્ટુડન્ટસ અભ્યાસ કરી રહયા છે જે દુનિયાના કોઇ પણ દેશ કરતા વધારે છે.