દરેક સ્પર્ધા પહેલાં વજન કરવાનો વર્લ્ડ રેસલિંગનો નવો નિયમ વિનેશને નડી ગયો?

સ્પર્ધાના દિવસે સ્પર્ધકે વજન અને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
દરેક સ્પર્ધા પહેલાં વજન કરવાનો વર્લ્ડ  રેસલિંગનો નવો નિયમ વિનેશને નડી ગયો? 1 - image


નવી દિલ્હી,૭ ઑગસ્ટ ૨૦૨૪, બુધવાર 

મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં ૧૦૦ ગ્રામ વજન વધારે હોવાથી અયોગ્ય જાહેર કરવામાં આવતા ભારતના કરોડો રમતપ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિનેશ મહિલાઓની ૫૦ કિલોગ્રામ વર્ગની ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ માટે અમેરિકાની કુસ્તીબાજ સાથે ટકરાવાની હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર વિનેશનું વજન ૫૦ કિલોગ્રામ સુધી ઘટાડવા માટે ભારતીય ટીમે સમય માંગ્યો હતો પરંતુ સમય આપવાના બદલે કુસ્તી મુકાબલા માટે ગેરલાયક ઠરાવવામાં આવી હતી. કોઈ ખેલાડી ડ્રગ્સના સેવન કે અન્ય કારણોસર ગેરલાયક ઠરતા હોય છે પરંતુ વજનની ઘટના ખૂબ જ ઓછી બને છે. કુસ્તી સ્પર્ધાને વજનના હિસાબે વર્ગીકૃત કરવમાં આવે છે. રેસલિંગ અને બૉકસિંગમાં વજન જોવામાં આવે છે. દરેક ખેલાડીને કોઈ પણ એક વજનની સ્પર્ધામાં જ ભાગ લેવાની તક મળે છે. 

દરેક સ્પર્ધા પહેલાં વજન કરવાનો વર્લ્ડ  રેસલિંગનો નવો નિયમ વિનેશને નડી ગયો? 2 - image

નિષ્ણાતોનું માનવું છે કે રેસલિંગની સ્પર્ધાના પ્રથમ દિવસે સવારે મેડિકલ ટેસ્ટ અને વજન કરવામાં આવે છે. કોઈ સંક્રમણ બીમારી, સ્કીનનો રોગ વગેરે પણ જોવામાં આવે છે. દરેક રેસલરને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. ત્યાં સુધી કે ખેલાડીઓના નખ વધેલા હોય તો તે પણ કાપવા પડે છે. આ પ્રક્રિયા લગભગ અડધો કલાક સુધી ચાલે છે. જે કુસ્તી ખેલાડીઓ ફાઇનલ રમતા હોય છે તેમને આગળના દિવસે વજન અને મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

રેસલિંગ જેવી સ્પર્ધાઓમાં વજન બાબતે બાંધછોડ કરાતી નથી 

નિયમ અનુસાર વજન કરવાની જવાબદારી નિયુક્ત કરવામાં આવેલા રેફરીની હોય છે. જો કોઈ રેસલર વજનની પ્રક્રિયા પૂરી ના કરેતો તેને ગેરલાયક ઠરાવવામાં આવે છે. કુસ્તી જેવી સ્પર્ધાઓમાં વજનને એટલુ મહત્ત્વ આપવામાં આવે છે કે આ બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. અયોગ્ય ખેલાડીના સ્થાને સેમીફાઇનલમાં હારેલા ખેલાડીને આગળની સ્પર્ધા રમવાનો મોકો આપવામાં આવે છે. ઓલિમ્પિક જેવી સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓ વજન ઓછું કરતાં હોય છે જેને વેઇટ કટિંગ કહેવામાં આવે છે. જેની શરુઆત ખેલાડીઓ સ્પર્ધાની જરુરિયાત અનુસાર થોડાંક સપ્તાહ પહેલાં શરુ કરતાં હોય છે. 

માણસના શરીરનું વજન રોજ બદલાતું રહે છે 

દરેક સ્પર્ધા પહેલાં વજન કરવાનો વર્લ્ડ  રેસલિંગનો નવો નિયમ વિનેશને નડી ગયો? 3 - image

ટુર્નામેન્ટ શરુ થાય તે પહેલાં વજન કરવામાં આવતું હતું પરંતુ ૨૦૧૭માં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના નિયમો બદલાઈ ગયા છે. હવે દરેક સ્પર્ધા પહેલા વજન કરાવવું પડે છે. આથી વજનના હિસાબે સ્પર્ધાના પરિણામ પર કોઈ ખેલાડીને અન્યાય થાય નહીં. એવું માનવામાં આવે છે કે માણસના શરીરનું વજન બદલાતું રહે છે. ઘણી વાર તો માત્ર એક દિવસમાં જ વધઘટ થાય છે. આથી દરેક મેચ પહેલા વજન કરવાનો નિયમ આવ્યો હતો. વિનેશને વજન અંગેના બદલાયેલા આ નિયમો જ નડી ગયા હતા.

૨૦૧૬માં ૪૮ કિલો કેટેગરી માટે વિનેશે વજન ઉતારવું પડ્યું હતું.

વિનેશ ફોગાટને ઓલિમ્પિક ૨૦૧૬માં ૪૮ કિલો કેટેગરી માટે વજન ઉતારવું પડ્યું હતું. વિનેશ ૪૮ કિલો કેટેગરીમાં રમવામાં સફળ રહી હતી પરંતુ ઈજાના લીધે સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. ટોક્યોે ઓલિમ્પિકમાં ૫૩ કિલો કેટગરીમાં વિનેશે ભાગ લીધો હતો પરંતુ ક્વાટર ફાઇનલમાં હારી ગઈ હતી. પહેલા પણ વજનના પડકારનો તેને સામનો કરવો પડયો છે.



Google NewsGoogle News