ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી જય શ્રી રામના નામની જ ગૂંજ
- સિડનીના કેટલાય મંદિરોમાં રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ
- અમેરિકામાં ઠેર-ઠેર ભગવાન રામના નામના મોટા બિલબોર્ડ લગાડાયા: ગાડીઓમાં રેલી કાઢવામાં આવી
- બ્રિટનના મંદિરો પણ રામમય બન્યા, રામમંદિરની ધ્વજા, રામવાળા ચિત્રોએ વિદેશમાં પણ ધૂમ મચાવી
નવી દિલ્હી : ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ફક્ત ભારતમાં જ નહીં દેશવિદેશમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધીના લોકોમાં જાણે આનંદની હેલી હતી. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેરને ભારતીયોએ ભગવાન શ્રીરામની મોટી ઇમેજથી રોશન કર્યો છે. અમેરિકામાં આ પ્રાણપ્રતિષ્ઠાને લઈને લગભગ બે ડઝન શહેરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન રામના મોટા-મોટા બિલબોર્ડ લગાવાયા છે.
અમેરિકામાં વોશિંગ્ટન ડીસી, લોસ એન્જલ્સ અને સાનફ્રાન્સિસ્કોમાં કાર્યક્રમ તે સમયે યોજાયો હતો જ્યારે ભારતમાં રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થયો હતો.
ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક, ન્યુજર્સી અને જ્યોર્જિયા સહિત બીજા રાજ્યોમાં મોટા-મોટા બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એરિઝોના અને મિસૌરી જેવા રાજ્ય પણ આ મહોત્સવમાં સામેલ થવા તૈયાર છે.
અમેરિકામાં કેલિફોર્નિયાના બે એરિયામાં ૧,૧૦૦થી વધુ લોકોએ રામમંદિરના ચિત્રવાળા ભગવા ઝંડા સાથે વિશાળ કાર રેલી કાઢી. આ રેલી સનીવેલના વોર્મ સ્પ્રિંગથી બીઆરટીસ સ્ટેશનથી ગોલ્ડન ગેટ સુધી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત શનિવારે સાંજે ભવ્ય ટેસ્લા કાર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર રેલીએ ૧૦૦ કિ.મી.નું અંતર કાપ્યું હતું.આ ઉપરાંત લોસ એન્જલ્સમાં પણ હજાર લોકોની કાર રેલી નીકળી હતી.
મોરેશિયસમાં ભારતીયોએ મંદિરમાં દીપ પ્રગટાવ્યા હતા અને રામાયણનો પાઠનું પઠન કર્યુ હતું. મોદી સરકારે હિંદુ ઓફિસરો માટે બે કલાકની વિશેષ રજા આપી છે.
પ્રાણપ્રતિષ્ઠાના દિવસે યુકેમાં પણ જસ્દસ્ત ઉત્સવનું વાતાવરણ છે. અહેવાલ મુજબ બ્રિટનમાં લગભગ ૨૫૦ હિંદુ મંદિર છે. લંડનમાં ભારતીયોએ કાર રેલી પણ કાઢી.
રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઓસ્ટ્રેલિયામાં પણ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે પણ કેટલાય મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમા પ્રવાસી ભારતીયોએ કાર રેલી કાઢી હતી. તેમા ૧૦૦થી વધુ ભારતીયો જોવા મળ્યા હતા.