અમેરિકામાં હિન્દુઓ પર થતા હુમલા અને મંદિરોમાં થતી તોડફોડ અંગે સાંસદોએ પત્ર લખી FBI પાસે જવાબ માગ્યો
- કેલિફોર્નિયામાં સ્વામીનારાયણ મંદિર પર હુમલો થયો હતો
- 2024ના પ્રારંભમાં જ કેલિફોર્નિયામાં શેરાવાળી મંદિર પર ખાલીસ્તાન સમર્થક નારા લખાયા હતા : શિવ-દુર્ગા મંદિરમાં ચોરી થઇ હતી
વોશિંગ્ટન : અમેરિકામાં હિન્દુઓ ઉપર હુમલા વધી રહ્યા છે, સાથે મંદિરોમાં તોડફોડ વધી રહી છે. આથી ત્યાં વસતા હિન્દુ-સમાજમાં ચિંતા ફેલાઈ રહી છે. અમેરિકાના પાંચ સાંસદોએ ન્યાય વિભાગ અને સંઘીય તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશન એફબીઆઈને પત્રો લખી જણાવ્યું છે કે આ વર્ષે પણ દેશમાં હિન્દુઓ વિરૂદ્ધ ધૃણા આધારિત અપરાધો તેમજ મંદિરોમાં થતી તોડફોડની કેટલી ઘટનાઓ બની તે જણાવો. આ સાંસદોમાં રાજા કૃષ્ણમૂર્તિ, રૉ ખન્ના, શ્રી થાણેદાર, પ્રમીલા જયપાલ અને સમી બેરા સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ના પ્રારંભથી જ કેલિફોર્નિયામાં શેરાવાલી મંદિરની બહાર દિવાલો પર ખાલીસ્તાન સમર્થક નારા લખવામાં આવ્યા હતા. તેના થોડા દિવસો પૂર્વે શિવદુર્ગા મંદિરમાં ચોરીની ઘટના બની હતી. જ્યારે કેલિફોર્નિયામાં આવેલાં સ્વામીનારાયણ મંદિર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ભારત વંશીય સાંસદોએ તે પત્રમાં લખ્યું હતું કે હિન્દુ સમુદાય આ પક્ષપાંત પૂર્ણ અપરાધોમાં કાનૂની કાર્યવાહી અંગે ચિંતિત છે, વ્યથિત પણ છે તેમના મનમાં પ્રશ્ન જાગે છે કે શું કાનૂન નીચે સર્વેને સમાન સલામતી મળે તે માટે આ સંઘીય તપાસ સંસ્થા (એફ.બી.આઈ.) યોગ્ય રીતે કામ કરી રહી છે ? વાસ્તવમાં જે કૈ બની રહ્યું છે તે અટકાવવાની તેમની ઇચ્છા અંગે પ્રશ્નો ઉપસ્થિત થાય તે સહજ છે.