કેન્યાની સરકારે કેમ બનાવ્યો 10 લાખ 'ભારતીય' કાગડાઓને મારી નાંખવાનો પ્લાન?
Kenya Plans To Kill Indian Crows: કેન્યા સરકારે 6 મહિનામાં 10 લાખ ભારતીય કાગડા મારી નાખવાનો આદેશ કર્યો છે. કેન્યા વન્યજીવન સેવા (KWS)ના કહેવા મુજબ 'ઇન્ડિયન હાઉસ ક્રો' વિદેશી પક્ષી છે, જે ઘણાં દાયકાઓથી અહીં રહેતા લોકોનું ભોજન છીનવીને કે કોઈ બીજી રીતે હેરાન કરી રહ્યા છે.
કેન્યા વન્યજીવન સેવાએ 2024ના અંત સુધીમાં કેન્યાના દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા 10 લાખ કાગડા મારવાની જાહેરાત કરી છે. કાળા કાગડા મૂળભૂત રીતે ભારતીય પક્ષી છે, જે 1940ની આસપાસ પૂર્વી આફ્રિકાથી અહીં પહોચ્યા હતા. ત્યારથી તેમની સંખ્યા સતત વધી રહી છે. તેઓ આક્રમક પણ બનતા જાય છે. કેન્યા સરકારનું કેહવું છે કે આ વિદેશી કાગડાને લીધે પ્રાદેશિક પક્ષીઓની સંખ્યા પણ ખૂબ ઓછી થઇ ગઈ છે, જેમાં સ્કેલી બેબલર્સ, પાઈક ક્રોજ, માઉસ કલર્ડ સનબર્ડ, કોમન વેક્સિબિલ્સ અને પાણી પાસે રહેતા પક્ષીઓનો સમાવેશ થાય છે.
આ કાગડાની ખાસિયત શું?
કાગડા વિવિધ સ્થળે સિલોન, કોલંબો, ગ્રે નેકડ નામ પરથી પણ ઓળખાય છે. તેમની લંબાઈ 40 સેન્ટીમીટરની આસપાસ હોય છે. તેમનું માથું, ગળું અને છાતી કાળી અને ચમકદાર હોય છે. પાંખ, પૂછ અને પગ પણ કાળા રંગના હોય છે. જો કે વિસ્તાર મુજબ કાગડાના રંગમાં થોડા ફેરફાર હોઈ શકે છે.
સૌથી વધારે કાગડા ક્યાં વા મળે
આ કાગડા મુખ્યત્વે દક્ષિણ એશિયામાં જોવા મળે છે. તે મૂળભૂત રીતે નેપાળ, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદિવ્સ, દક્ષિણ મ્યાનમાર, દક્ષિણ થાઈલેન્ડ અને ઈરાનના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. ઈસ 1897ની આસપાસ તે જહાજો દ્વારા પૂર્વ આફ્રિકા (ઝાંઝીબારની આસપાસ) અને સુદાન બંદરના વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા. 1998માં આ કાગડા નેધરલેન્ડ પહોંચ્યાં અને ત્યાંથી આખા યુરોપમાં ફેલાયા. અમેરિકાના ફ્લોરિડામાં પણ કાગડા જોવા મળે છે. તેઓ મોટાભાગે ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી દરેક જગ્યાએ મનુષ્યોની આસપાસ રહે છે. સિંગાપુરમાં દરેક ચોરસ કિલોમીટરમાં 190 કાગડા હતા. ત્યાં પણ તેમની સંખ્યા ઘટે એવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
કાગડાઓથી કેન્યાને શું નુકશાન
કેન્યાના પક્ષી નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય કાગડાને લીધે કેન્યાના દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા સ્થાનીય પક્ષીઓની સંખ્યા ઘણી ઓછી થઇ ગઈ છે. ભારતીય કાગડા નાના પક્ષીઓના માળાને નાશ કરી દે છે અને તેમનાં ઈંડા અને બચ્ચાં ખાઈ જાય છે. આ સ્થિતિમાં જંગલમાં સ્થાનિક પક્ષીઓ ઓછા થઇ જાય છે. ત્યારે કીડા-મકોડા અને બીજા જીવજંતુઓ વધી જાય છે અને આખું વાતાવરણ બગડી જાય છે.
કાગડાના કારણે કેન્યાના અર્થતંત્રને નુકશાન
આ કાગડા અન્ય પક્ષીઓને જ નહી પરંતુ પ્રવાસન અને હોટેલ ઉદ્યોગને પણ નુકસાન પોહચાડી રહ્યા છે. આ બંને ઉદ્યોગો કેન્યાની વિદેશી આવક માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. દરિયાકાંઠા વિસ્તારોમાં આવેલી હોટલોમાં ભોજન સમયે પણ પ્રવાસીઓને તે હેરાન કરે છે. કેન્યાના સ્થાનિક મરઘા પાલકો તેનાંથી હેરાન છે કારણકે આ કાગડા રોજ મરઘીના 10-20 બચ્ચા ઉઠાવી જાય છે. આ કાગડા સમૂહમાં આવે છે અને મરઘા અને બતકોનું ધ્યાન ભટકાવે છે. ત્યારબાદ બીજા સમૂહના કાગડા બચ્ચા પર હમલો કરે છે. ખેડૂતો પણ તેનાથી હેરાન થાય છે.
કાગડાને કઈ રીતે મારવાનો પ્લાન છે
કેન્યાની સરકાર પહેલીવાર કાગડા નથી મારી રહી. 20 વર્ષ પહેલા કેન્યાએ આ જ રીતે કાગડાની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાગડા ખૂબ ચતુર હોય છે. તે હંમેશા માણશોની વસાહતની આસપાસ જ રહે છે, જેથી તેમની સંખ્યા ફરીથી વધી ગઈ છે. કેન્યા સરકારે કાગડા મારવા માટે હોટેલ માલિકો, કાગડાઓને મારવા માટેની વ્યવસ્થા કરનાર ડૉકટરો, જંગલ બચાવનારી સંસ્થાઓ સાથે મળીને યોજના તૈયાર કરી છે. કેન્યાની સરકારે હોટેલ માલિકોને કાગડાને મારવા માટેનું ઝેર આયાત કરવાની પણ મંજૂરી આપી છે. તેમનું કહેવું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા 10 લાખ કાગડાને મારવા માટે આ જ સૌથી કારગર ઉપાય છે. વન્યજીવ વિભાગ અન્ય ઉપાયો પણ વિચારી રહી છે, જેથી બીજા જાનવરો અને વાતાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય.