ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ તીવ્ર બની રહ્યું છે હવે પછી શું થશે તેની ચિંતા સૌને કોરી રહી છે
- બેમાંથી કોઈ ઢીલું મૂકવા તૈયાર નથી
- આં.રા.ના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસ અત્યંત ચિંતાગ્રસ્ત ડગલે ડગલે તીવ્રતા વધે છે તે અતિ હતાશાજનક સ્થિતિ છે
નવી દિલ્હી : એક તરફ ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે. હુતી આક્રમણ કરે છે. ઈરાનનાં મિસાઇલ્સના હુમલા થઈ રહ્યા છે, તેવામાં ઈઝરાયલે ઈરાન ઉપર પ્રચંડ એર- સ્ટ્રાઇક કરી તેના પરમાણુ સંસ્થાનો નાશ કરવા શપથ લીધા છે. વિશ્વની સૌથી પ્રબળ લશ્કરી અને આર્થિક તાકાત અમેરિકાનું તેને પૂરૃં પીઠબળ છે. આ સાથે હવે ઈઝરાયલ-ઈરાન યુદ્ધ તીવ્ર બનતું જાય છે. હવે પછી શું થશે તેની ચિંતા સૌ કોઈને કોરી રહી છે. ભીતિ સ્પષ્ટ છે કે આ યુદ્ધ વધુ અને વધુ પ્રદેશોને અને વધુ દેશોને પણ આવરી લેશે. બેમાંથી એક પણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી.
બીજી તરફ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને સલાહ આપી છે કે, 'આડા-અવળા પ્રહારો કરવાને બદલે સીધા જ ઈરાનની પરમાણુ વ્યવસ્થા ઉપર તૂટી પડો.'
આ પરિસ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસ અત્યંત ચિંતાગ્રસ્ત બન્યા છે.
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે ઈરાનના મિસાઇલ હુમલાને વખોડી કાઢતાં કહ્યું છે કે, 'ઈરાને ભયંકર ભૂલ કરી છે. આજે રાત્રે તેણે કરેલા હુમલાનો વળતો કઠોર જવાબ આપવામાં આવશે, તેને તેની કિંમત ચૂકવવી પડશે.'
પેરિસ સ્થિત થિન્ક-ટેન્ક 'જીન-જૌરિસા ફાઉન્ડેશન'ના મિડલ-ઈસ્ટ-એક્સપર્ટ ડેવિડ કૈફાએ કહ્યું હતું કે, 'ઈઝરાયલ પાસે ઈરાનના હુમલાનો વળતો જવાબ આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ રહ્યો ન હતો. કારણ કે, યુદ્ધનો વ્યાપ અને ટાર્ગેટસ બંને સંવેદનશીલ યુદ્ધ છાવણીઓ સહિત બદલાઈ ગયા છે.'
ઈરાને આ બીજી વખત સીધો હુમલો કર્યો છે. આ પહેલાં એપ્રિલમાં તેના દ્વારા આશરે ૩૦૦ ડ્રોન તથા મિસાઇલ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેવા વળતા જવાબમાં ઈઝરાયલે કરેલા પ્રચંડ હવાઈ હુમલાને લીધે તેની (ઈરાનની) એર ડીફેન્સ સીસ્ટીમનાં રડાર તૂટી ગયા હતા.
આ વખતના ઈરાનના હુમલાનો ઈઝરાયલ તેથી પણ વધુ પ્રચંડ જવાબ આપશે તેમ વિશ્લેષકોનું માનવું છે.
જોકે તેલ અવિવ સ્થિત 'ઈન્સ્ટીટયુટ ફોર નેશનલ સિક્યુરીટી સ્ટડીઝ' (આઈએનએસએસ)ના ઈરાન સ્પેશ્યાલિસ્ટ ડેની સાઇટ્રિનોવિઝ જણાવે છે કે, અત્યારે ઈઝરાયલમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હોવાથી તે વળતો પ્રહાર કરવાનું યોગ્ય નહીં માને, પરંતુ તે પછી તે માટે વધુ સમય નહીં બગાડે.
ઈઝરાયલના અધિકારીઓ માને છે કે, ઈરાનને વળતો ફટકો મારવા માટેની આ શ્રેષ્ઠ તક છે.
ઈરાનના પરમાણુ સંસ્થાનો ઉપર જ સીધો હુમલો કરવાની સૌથી પહેલી સલાહ ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન નેફતાલી બેન્નેટે આપી હતી. જોકે ઈરાને તેના સાયકલોટ્રોન્સ તો ભૂગર્ભમાં ઘણે ઊંડે રાખ્યાં હોવાનું કહેવાય છે.
બીજી તરફ અમેરિકાના પ્રમુખ જો બાયડેને ઈઝરાયલને સંયમપૂર્વક વર્તવા અનુરોધ કર્યો છે. પરંતુ ઈઝરાયલે બાયડેનની સલાહને પણ અનેક વખત અવગણી છે.
હવે શું થશે ? તેની ચિંતા વિશ્વને કોરી રહી છે.