ઈઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ વકર્યું મધ્ય-પૂર્વના માથે ઝળુંબતું મોત

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
ઈઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ વકર્યું મધ્ય-પૂર્વના માથે ઝળુંબતું મોત 1 - image


- હમાસના વડા હાનિયા, કમાન્ડર ફુઆદ શુકરની હત્યાનો બદલો લેવા ઈરાન-હિઝબુલ્લાહના એલાનથી ભારેલો અગ્નિ

- ઈઝરાયેલનો ૧૦૦ ફાઈટર જેટથી હુમલો જવાબમાં હિઝબુલ્લાહે ૩૨૦ કત્યુશા રોકેટ છોડયા, ૪૮ કલાક માટે હાઈએલર્ટ, નાગરિકો પર પ્રતિબંધો, લેબેનોનનો સમુદ્ર કિનારો સીલ

- ઈઝરાયેલના સૈનિકોએ ગાઝાની મસ્જિદમાં કુરાન સળગાવતા ભડકો, હમાસે મુસ્લિમ દેશોની મદદ માગી

- હિઝબુલ્લાહ પાસે ૧.૫૦ લાખથી વધુ રોકેટ-મિસાઈલો, જે ઈઝરાયેલના કોઈપણ ખુણા પર ત્રાટકવા સક્ષમ

જેરુસલેમ : ઈરાન અને આતંકી સંગઢન હિઝબુલ્લાહે આખરે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધની હાકલ કરી નાંખી છે. હિઝબુલ્લાહે તેના કમાન્ડર ફુઆદ શુકરની હત્યાનો બદલો લેવાની હાકલ કરતાં જ ઈઝરાયેલે અગાઉથી જ આક્રમક વલણ અપનાવી  રવિવારે વહેલી સવારે ૧૦૦ વધુ ફાઈટર વિમાનો સાથે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાના ૪૦થી વધુ સ્થળો પર બોમ્બ વર્ષા કરી હતી. આ હુમલાના જવાબમાં હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલ પર ડ્રોનથી એક સાથે ૩૨૦થી વધુ કત્યુશા રોકેટનો મારો કર્યો હતો. આ હુમલા પછી ઈઝરાયેલે હાઈએલર્ટ જાહેર કરી નાગરિકો પર આકરા પ્રતિબંધો મૂકી દીધા છે. હવે આગામી ૪૮ કલાક ઘણા જ મહત્વના હોવાનું માનવામાં આવે છે. હિઝબુલ્લાહના હુમલા પછી વડાપ્રધાન નેતન્યાહુએ પણ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

ઈઝરાયેલની દક્ષિણે હમાસ સાથેનું યુદ્ધ હવે ઉત્તર તરફ ફંટાયું છે. હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુકરની હત્યા પછી બંને વચ્ચે ઘર્ષણ વધવાની આશંકા હતી, જે આખરે સાચી પડી છે. હિઝબુલ્લાહ ફુઆદ શુકરની હત્યાનો બદલો લેવા માટે ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. એવા સમયે જ ઈઝરાયેલે રવિવારે વહેલી સવારે લેબેનોનની દક્ષિણમાં હિઝબુલ્લાહના સ્થળો પર હવાઈ હુમલો કર્યો હતો.  

હિઝબુલ્લાહે આ હુમલાના વળતા જવાબમાં ઉત્તરીય ઈઝરાયેલમાં ૧૧ મિલિટ્રી સ્થળો, આયરન ડોમ, આઈડીએફના ત્રણ બેઝ, ગોલાન હાઈટ્સમાં બે બેઝ, ત્રણ બેરેક અને અન્ય સ્થળોને નિશાન બનાવતા ૩૨૦થી વધુ કત્યુશા રોકેટનો મારો કર્યો હતો. આ હુમલાની જવાબદારી લેતાં હિઝબુલ્લાહે કહ્યું કે તેણે સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરની હત્યાના જવાબમાં આ હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે દાવો કર્યો કે, તેના હુમલાનો પહેલો તબક્કો સંપૂર્ણપણે સફળ રહ્યો છે.

હિઝબુલ્લાહના આ હુમલા પછી ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોઆવ ગૈલેન્ટે આગામી ૪૮ કલાક માટે ઈમર્જન્સીની જાહેરાત કરી છે અને ઉત્તરીય ઈઝરાયેલમાં નાગરિકો પર અનેક પ્રકારના પ્રતિબંધો મુકી દીધા છે. લેબેનોનની સરહદના સમુદ્રી કિનારાને પણ સીલ કરી દીધો છે. બીજીબાજુ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાજધાની તેલ અવીવમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ મુજબ નેતન્યાહુએ આ રિપોર્ટમાં કહ્યું, અમે પોતાના દેશનું રક્ષણ કરવા, ઉત્તરના રહેવાસીઓને સુરક્ષિત તેમના ઘરોમાં પાછા મોકલવાના દરેક પ્રયત્નો કરીશું. જે લોકો અમને નુકસાન પહોંચાડશે અમે તેમને ભયાનક નુકસાન પહોંચાડી ખતમ કરી નાંખીશું.

ઈઝરાયેલના સૈન્ય આઈડીએફે જણાવ્યું કે, તેમને માહિતી મળી છે કે હિઝબુલ્લાહ ઈઝરાયેલના ક્ષેત્રમાં મિસાઈલ અને રોકેટ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમને હુમલા કરતા રોકવા અમે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ૪૦થી વધુ સ્થળો પર હવાઈ હુમલો કર્યો છે. લેબેનોન સાથે વધી રહેલા ઘર્ષણ વચ્ચે ઈઝરાયેલે નાગરિકો પર નવા આકરા પ્રતિબંધો લગાવ્યા હતા. 

હોમ ફ્રન્ટ કમાન્ડે કહ્યું સ્કૂલો અને ઓફિસો તો જ ખોલી શકાશે જો તેમની નજીકમાં આશ્રય સ્થળ હોય અને વહેલી તકે ત્યાં પહોંચી શકાય. લોકોના એકત્ર થવા પર પણ પ્રતિબંધ મૂકાયો. કોઈપણ ઈમારતમાં ૩૦૦થી વધુ લોકોના રહેવા પર તેમજ એક જ સ્થળ પર ૩૦થી વધુ લોકોના બહાર નિકળવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો. 

ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેનું યુદ્ધ વધુ વકરશે તો મધ્ય-પૂર્વમાં ભયાનક તારાજી સર્જાશે. હિઝબુલ્લાહ પાસે હજુ પણ ૧.૫૦ લાખથી વધુ રોકટે અને મિસાઈલોનો જથ્થો છે, જે ઈઝરાયેલના કોઈપણ ખૂણા પર ત્રાટકવા સક્ષમ હોવાનો રાજકીય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ૨૦૦૬માં યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જે લગભગ એક મહિનો ચાલ્યું હતું, જેમાં બંને દેશોમાં ભારે ખુવારી થઈ હતી. મોટાભાગના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે હમાસ કરતાં હિઝબુલ્લાહ સાથેનું યુદ્ધ ઈઝરાયેલ માટે ભયાનક સ્થિતિ ઊભી કરશે.

દરમિયાન ઈઝરાયેલના સૈનિકોએ ગાઝાની એક મસ્જિદમાં રખાયેલી કુરાનની નકલો સળગાવી દીધી હતી. હમાસે તેની ફરિયાદ આરબ અને મુસ્લિમ દેશોના સંગઠનોને કરી હતી. અલ ઝઝીરા અરબીએ ઈઝરાયેલના સૈનિકોના કેમેરામાંથી કુરાન સળગાવતા વીડિયોના ફૂટેજ જાહેર કર્યા છે. ચેનલે ખાન યુનિસમાં ઐતિહાસિક ગ્રાન્ડ મસ્જિદ પર બોમ્બમારો કરતા ઈઝરાયેલના ડ્રોનથી લેવાયેલો એક વીડિયો પણ જાહેર કર્યો છે. ગાઝા સરકાર મુજબ ઈઝરાયેલે ગાઝામાં ૬૧૦ મસ્જિદો અને ત્રણ ચર્ચોનો નાશ કર્યો છે.

- ઈઝરાયેલમાં ચૂંટણી યોજવા વિપક્ષની માગ

- હિઝબુલ્લાહના હુમલા વચ્ચે પીએમ નેતન્યાહુ વિરુદ્ધ નાગરિકો રસ્તા પર

- હમાસ અને ઈજિપ્ત, કતાર, યુએસ સાથે વાટાઘાટોમાં જોડાઈ સમજૂતી કરવા પીએમ નેતન્યાહુ પર દબાણ

તેલ અવીવ: ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહ સાથે પૂર્ણ સ્તરના યુદ્ધની ભીતિ સેવાઈ રહી છે તેવા સમયે ઈઝરાયેલમાં આંતરિક સ્તરે વિખવાદ શરૂ થઈ ગયો છે. લાખો લોકો શનિવારે નેતન્યાહુ વિરુદ્ધ દેખાવો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિપક્ષના નેતૃત્વમાં આંદોલનકારીઓ યુદ્ધ વચ્ચે ચૂંટણી યોજવાની માગ કરી રહ્યા છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં છેલ્લા ૧૦ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે ઈઝરાયેલના નાગરિકોનો વડાપ્રધાન નેતન્યાહુ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ઈઝરાયેલના નાગરિકો ગાઝા સહિત તેમની ધરતી પર થઈ રહેલી કત્લેઆમ માટે સીધી રીતે નેતન્યાહુને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમનું કહેવું છે કે નેતન્યાહુએ સમજદારી દર્શાવી હોત તો આટલું બધું નુકસાન થયું ના હોત.

ઈઝરાયેલના હજારો નાગરિકો ફરી એક વખત રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમણે ચૂંટણી યોજવાની માગણી કરી છે. હમાસ આતંકીઓ દ્વારા ૧૦ મહિના અગાઉ બંધક બનાવાયેલા લોકોના પરિવારોએ તેલ અવીવના બંધક ચાર રસ્તા પર સાપ્તાહિક રેલી યોજી હતી. આ રેલીમાં તેમણે છ બંધકોને બચાવવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની ટીકા કરી હતી. તેમના શબ કેટલાક દિવસ પહેલાં જ ગાઝામાંથી મળી આવ્યા છે. સરકાર વિરોધી દેખાવોમાં ધરપકડમાં લેવાયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરનારા એક જૂથે કહ્યું કે, યેરુશલેમમાં ત્રણ દેખાવકારોની ધરપકડ કરાઈ છે.

વિપક્ષના નેતા યાયર લેપિડે કહ્યું, નેતન્યાહુ કોઈ સમજૂતીને નિષ્ફળ કરી દે છે તો તેનો અર્થ એ છે કે તેઓ સીધી રીતે હમાસના નવા ચીફ યાહ્યા સિનવારની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે. વડાપ્રધાન મહોદય તમે પોતે કાહિરા જાવ, કોઈને ના મોકલશો. અત્યારે જ સમજૂતી કરી લો. હમાસનું એક પ્રતિનિધિ મંડલ મધ્યસ્થો ઈજિપ્ત, કતાર અને અમેરિકા સાથે વાટાઘાટો માટે કાહિરા પહોંચ્યું છે ત્યારે હવે ઈઝરાયેલ પર પણ વાતચીત કરવા દબાણ વધી રહ્યું છે.


Google NewsGoogle News