ઈઝરાયેલ-હમાસ યુદ્ધે કદી ન ભૂલાય તેવા ઘા માર્યા છે, ભૂખે મરતા ગાઝાના લોકોને લૂંટારા બનાવી દીધા છે
- પરિસ્થિતિ હજી પણ વધુ ગંભીર બનવાની આશંકા છે રમેશ રામસિંઘમ
- ગાઝાની ચોથા ભાગની વસ્તીથી વધુ લોકો ભૂખમરાની કગાર પર છે, ખાદ્ય સામગ્રી પહોંચાડતા ટ્રકો લૂંટવામાં આવે છે, ટ્રકો પર ગોળીબાર કરાય છે
યુનો : ગાઝામાં અત્યારે ખાવા-પીવાનાં સાંસાં પડી રહ્યાં છે. વાસ્તવિકતા તે છે કે ગાઝાની કુલ વસ્તીના ચોથા ભાગથી વધુ એટલે કે ૫,૭૬,૦૦૦ લોકોથી પણ વધુ લોકો ભૂખમરાની કગાર ઉપર છે. તેટલું જ નહીં પરંતુ ગાઝા પટ્ટીના અન્ય વિસ્તારોમાં પણ રહેલા લોકો ખાદ્યસામગ્રીની જરૂરત સામે ઝૂઝી રહ્યાં છે. આથી યુનો દ્વારા મોકલાતી ખાદ્ય સામગ્રીના ટ્રકો તેમના નિશ્ચિત સ્થળે પહોંચે તે પહેલાં જ માર્ગમાંથી જ ખાદ્ય સામગ્રીની લૂંટફાટ કરાઈ રહી છે. તેઓ ટ્રકને લૂંટવા માટે તેનાં ટાયર ઉપર ગોળીબાર કરી તેને સ્થગિત કરી દે છે.
સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સં.રા. માનવતાવાદી કાર્યાલય અને સં.રા. ખાદ્ય તેમજ કૃષિ સંગઠન (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન એફએઓ)ના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે યુદ્ધગ્રસ્ત ગાઝાની ૨૩ લાખની વસ્તી ખાદ્ય અસુરક્ષા સામે ઝઝૂમે છે. તેમાં ઉત્તર ગાઝામાં તો પરિસ્થિતિ અત્યંત ખરાબ છે.
ગાઝાની વર્તમાન સ્થિતિ વિષે યુનોની હ્યુમેનિયન એઈડના કોઓર્ડીનેટર રમેશ રામસિંઘમે યુનોની સલામતી સમિતિને જણાવ્યું હતું કે હજી પણ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે, ગાઝાની ચોથા ભાગની વસ્તી ભૂખમરાની કગાર પર પહોંચી ગઈ છે.
ઉત્તર ગાઝામાં બે વર્ષથી ઓછી વયનાં દર ૬માંથી ૧ બાળક કુપોષણનો શિકાર બન્યું છે. એફએઓના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડીરેક્ટર કાર્લ સ્કાઉએ કહ્યું હતું કે, ગાઝામાં રહેલાં બાળકોનું કુપોષણનું સ્તર દુનિયાના કોઈપણ ભાગમાં જોવા મળતાં કુપોષણનાં સ્તર કરતાંએ વધુ ગંભીર છે. જો સ્થિતિમાં બદલાવ નહીં આવે તો સમગ્ર ઉત્તર ગાઝા પટ્ટીમાં દુષ્કાળની સ્થિતિ વ્યાપી રહેશે.