અમેરિકામાં 5મી વખત સાંસદ બન્યાં ભારતવંશી દિગ્ગજ, પંજાબ સાથે છે જબરદસ્ત કનેક્શન
Image: Facebook
US Presidential Election 2024 Result: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની સાથે સિનેટની 34 અને હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ (પ્રતિનિધિ સભા) ની 435 બેઠકો માટે પણ ચૂંટણી થઈ. પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં છ ભારતવંશીઓએ બાજી મારી, જેમાં એક નામ રો ખન્નાનું છે.
રો ખન્નાએ કેલિફોર્નિયાના 17માં ડિસ્ટ્રિક્ટથી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે પાંચમી વખત જીત નોંધાવી છે. રો ખન્નાના પરિવારના મૂળિયા જલંધર સાથે પણ જોડાયેલા રહ્યાં છે. તેમના નાના અમરનાથ વિદ્યાલંકર પહેલી લોકસભામાં 1952-57 સુધી જલંધરથી સાંસદ રહ્યા હતા.
ત્રીજી લોકસભામાં હોશિયારપુર બેઠક અને પાંચમી લોકસભામાં પણ ચંદીગઢથી સાંસદ રહ્યા હતા. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ તે 1957-62 સુધી ધારાસભ્ય બન્યા અને પ્રતાપ સિંહ કૈરોની સરકારમાં શિક્ષણ અને લેબર મંત્રી રહ્યા હતા.
વિદ્યાલંકર થોડો સમય જલંધરમાં રહ્યા હતા. તે બાદ ચંદીગઢ અને પછી દિલ્હી જતા રહ્યા હતા. જલંધરમાં તે પ્રતાપ બાગ પાસે રહેતા હતા. રો ખન્ના ભારત આવી ચૂક્યા છે પરંતુ તેમનું ક્યારેય જલંધર જવાનું થયું નહીં.
આ પણ વાંચો: ટ્રુડો સરકારની અવળચંડાઈ! ભારતીય દૂતાવાસના કાર્યક્રમને સુરક્ષા આપવા ઈનકાર, અનેક કેમ્પ રદ
અમરનાથ વિદ્યાલંકાર બે વખત જેલ ગયા હતા
અમરનાથ વિદ્યાલંકાર સ્વતંત્રતા આંદોલનનો ભાગ રહ્યા હતા. તેમણે સ્વતંત્રતા સેનાની લાલા લજપતરાયની સાથે આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યુ હતુ. તેઓ બે વખત જેલ પણ ગયા હતા. તેમણે ઘણા વર્ષ જેલમાં પસાર કર્યા હતા. તેમનો જન્મ પાકિસ્તાનના સરગોધા જિલ્લાના બેરા કસ્બામાં થયો હતો. આઝાદી બાદ તે ભારત આવ્યા.
પિતા કેમિકલ એન્જિનિયર અને માતા શિક્ષિકા હતા
રો ખન્નાના માતા-પિતા વર્ષ 1970માં અમેરિકા જતા રહ્યા હતા. તેમના પિતા કેમિકલ એન્જિનિયર હતા, જેમણે આઈઆઈટી અને પછી મિશિગન યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો. તેમની માતા શિક્ષિકા છે. રો ખન્નાનો જન્મ વર્ષ 1976માં અમેરિકાના ફિલાડેલફિયામાં થયો. પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. રો ખન્ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં વાણિજ્ય મંત્રાલયમાં નાયબ મંત્રીનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે.
સતત પાંચ વખત ચૂંટણી જીતી
આ પદ પર તેઓ ઓગસ્ટ 2009થી ઓગસ્ટ 2011 સુધી રહ્યા હતા. તેઓ પહેલી વખત વર્ષ 2016માં અમેરિકી કોંગ્રેસ માટે પસંદ કરવામાં આવ્યા. તે સમયે તેમણે સતત આઠ વખત ચૂંટણી જીતી ચૂકેલા માઈક હોંડાને હરાવ્યા હતા. અમેરિકામાં દર બે વર્ષ બાદ પ્રતિનિધિ સભાના સભ્યોની ચૂંટણી થાય છે. ખન્ના હવે સતત પાંચ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. આ વખતે તેમણે પોતાની પ્રતિદ્વંદી અનિતા ચેનને 43 હજાર મતના અંતરથી હરાવ્યા છે.