પ્રેમમાં પાગલ રાજકુમારે રાજા-રાણીને મારી હતી ગોળી: અંતિમ હિન્દુ રાષ્ટ્ર નેપાળમાં રાજાશાહીનો અંત કેવી રીતે થયો?
What is the history of monarchy in Nepal? : ભારત કરતાં પણ વધુ હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળમાં ફરી રાજાશાહીની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. રાજશાહીની સાથે સાથે નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ પણ તેજ થઈ છે. નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રના સ્વાગતમાં આવેલી ભીડ નારા લગાવી રહી હતી કે- નારાયણહિટી ખાલી કરો, અમારા રાજા આવી રહ્યા છે. ( નારાયણહિટી નેપાળનું રોયલ પેલેસ છે. )
નેપાળમાં લોકશાહી આવ્યા બાદથી જ જ્ઞાનેન્દ્ર શાહ જાહેર જગ્યાઓ પર ભાગ્યે જ જોવા મળતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરી સક્રિય થઈ ગયા છે. બીજી તરફ કહેવાઈ રહ્યું છે કે નેપાળની પ્રજા વર્તમાન સરકારથી નિરાશ એવામાં રાજાશાહીનું સમર્થન કરતાં લોકોને સારી તક મળી છે.
નેપાળમાં યોગી આદિત્યનાથના પોસ્ટર, સત્તા પક્ષે ઉઠાવ્યા સવાલ
નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સ્વાગતમાં આવેલી ભીડમાં એક યુવક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પોસ્ટર લઈને ઊભો હતો. જે બાદ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળની કેન્દ્રીય સમિતિના સદસ્ય વિષ્ણુ રિજાલે કહ્યું હતું, કે 'આ 1950નો સમય નથી જ્યારે ભારતીય દૂતાવાસમાં શરણ લેવા દિલ્હી પહોંચેલા ત્રિભુવન શાહને ભારતે ફરી રાજગાદી પર બેસાડ્યા હતા. સારું રહેશે કે જનઆંદોલન બાદ રાજગાદીથી બેદખલ કરાયેલા જ્ઞાનેન્દ્ર ફરી રાજગાદી માટે લાળ ન ટપકાવે.'
વિષ્ણુ રિજાલે વધુમાં કહ્યું હતું, કે 'જે યોગીની તસવીર સાથે દેખાવો કરાઈ રહ્યા છે તે યોગીએ જ્ઞાનેન્દ્રને કુંભમાં સામેલ થવા માટે પણ બોલાવ્યા નહોતા જેમાં 50 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી. જ્ઞાનેન્દ્ર ખુદને હિન્દુ હૃદય સમ્રાટ ગણાવે છે છતાં તેમની સાથે આવો વ્યવહાર કર્યો. જ્ઞાનેન્દ્ર રાજા બનવા માટે વિદેશીઓની દલાલી કરી રહ્યા છે.'
રાજાશાહીના પક્ષમાં છે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી
નેપાળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી રાજાશાહી માટે જ્ઞાનેન્દ્રનું સમર્થન કરી રહી છે. RPPના સિનિયર ઉપાધ્યક્ષ રવીન્દ્ર મિશ્રએ કહ્યું છે, કે 'લાખોની ભીડમાં કોણ કોની તસવીર લઈને આવ્યું તે અમે સુનિશ્ચિત કરી શકીએ નહીં. માત્ર એક જ વ્યક્તિ યોગી આદિત્યનાથની તસવીર લઈને આવ્યો હતો જે ખુદને કટ્ટર હિન્દુ ગણાવે છે. અમે શાંતિપૂર્ણ રીતે રસ્તા પર ઉતર્યા, ક્યાંય કોઈ હિંસા નથી થઈ. સરકાર અમારા આંદોલનથી ડરી ગઈ છે. લોકોનો સરકારથી મોહભંગ થઈ રહ્યો છે અને રાજાશાહીનું સમર્થન કરી રહ્યા છે.'
નેપાળમાં 2008માં આવી લોકશાહી
નેપાળમાં વર્ષ 2008માં 239 વર્ષ જૂની રાજાશાહી ખતમ કરીને લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા 17 વર્ષની લોકશાહીમાં નેપાળમાં 11 વખત સરકાર બદલાઈ.
નેપાળમાં રાજાશાહીનો ઇતિહાસ- શાપની પ્રચલિત કથા
નેપાળમાં એક કથા ખૂબ જ પ્રચલિત છે, કહેવાય છે કે આજથી આશરે 300 વર્ષ પહેલા નેપાળના ગોકખય જિલ્લામાં એક રાજકુમારનો સામનો વૃદ્ધ સંત સાથે થયો. રાજકુમારે સંતનું પરંપરા અનુસાર અભિવાદન કર્યું અને મહાત્માએ તેમની પાસે દહીંના વાટકાની માંગ કરી. રાજકુમાર ભાગીને મહેલે પહોંચ્યો અને દહીંનો વાટકો લઈ પાછો જંગલમાં આવ્યો. સંત બધું દહીં ગટગટાવી ગયા. થોડીવાર રોકાયા અને ફરી તે જ વાટકામાં બધુ દહીં ઊલટી કરીને ભેગું કર્યું અને રાજકુમારને કહ્યું- હવે આ દહીં તું પી જા. રાજકુમાર ગુસ્સે ભરાયો અને દહીંનો વાટકો જમીન પર પાડી દીધો. જે બાદ સંતે શ્રાપ આપતા કહ્યું કે- આ ભૂભાગ પર તારા વંશનું શાસન તેટલી જ પેઢી સુધી રહેશે જેટલી પગની આંગળીઓ દહીંમાં છે. 11મો નરેશ અંતિમ હશે.
માન્યતા છે કે તે સંત બીજું કોઈ નહીં પણ બાબા ગોરખનાથ હતા. તે જ ગોરખનાથ જે નેપાળના ગોરખા સામ્રાજ્યના સંરક્ષક મન્યા છે, અને રાજકુમારનું નામ હતું આધુનિક નેપાળના સંસ્થાપક સમ્રાટ પૃથ્વી નારાયણ શાહ.
લોકોમાં પ્રચલિત આ કથા ત્યારે ફરી ચર્ચામાં આવી જ્યારે વર્ષ 2001માં એક ઝનૂની પ્રિન્સના કારણે નેપાળનું રાજમહેલ લોહીથી લથપથ થઈ ગયું.
નેપાળમાં લોકો રાજાને વિષ્ણુનો અવતાર માનતા
પૃથ્વી નારાયણ શાહે નેપાળના ગોરખા જિલ્લાથી પોતાના રાજવંશની શરુઆત કરી હતી. 10 પેઢીઓ બાદ 31મી જાન્યુઆરી, 1972ના રોજ વીરેન્દ્ર વીર વિક્રમ શાહ નેપાળના નરેશ બન્યા. 1990ના સમયમાં નેપાળ અશાંતિના સમયથી પસાર થઈ રહ્યું હતું. સમગ્ર દેશમાં માઓવાદી આંદોલનો શરુ થઈ ગયા હતા જે રાજાશાહીનો સખત વિરોધ કરી રહ્યા હતા. નેપાળમાં તો રાજાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવતા હતા પણ ગરીબી અને બેરોજગારીના કારણે અસંતોષ એવો ફેલાયો કે રાજાશાહીને ઉખાડી ફેંકવાની માંગ તેજ થઈ ગઈ.
નેપાળના રાજા વીરેન્દ્ર વીર વિક્રમ શાહ સામે આંદોલન એક મોટો પડકાર હતો ત્યાં પ્રિન્સ દીપેન્દ્રને બળવો કર્યો. દીપેન્દ્ર દેવયાની રાણા નામની એક યુવતીને પ્રેમ કરતો હતો પરંતુ મહારાણી અને દીપેન્દ્રના દાદીને તે પસંદ નહોતી.
1 જૂન, 2001: રક્તરંજીત થયું નેપાળનું રાજ સિંહાસન
નેપાળના નારાયણહિટી પેલેસમાં એક પાર્ટીનું આયોજન કરાયું હતું. પ્રિન્સ દીપેન્દ્ર નશામાં ધૂત હતો. તે એટલો બધો નશામાં હતો કે સરખી રીતે ઊભો પણ નહોતો રહી શકતો. જે બાદ દીપેન્દ્રના નાના ભાઈ નિરાજન અને પારસ તેને રૂમમાં લઈ ગયા.
નારાયણહિટીમાં કાળનો તાંડવ, ત્રણ-ચાર મિનિટમાં રાજવંશનો અંત
થોડીવાર પછી દીપેન્દ્ર આર્મીની વરદી સાથે આવ્યો અને તેના બંને હાથમાં હથિયાર હતા. દીપેન્દ્રના એક હાથમાં જર્મન સબ-મશીન ગણ જ્યારે બીજા હાથમાં રાઇફલ હતી. દીપેન્દ્રએ સૌથી પહેલા નેપાળના રાજા અને તેના પિતા વીરેન્દ્ર વિક્રમ શાહ પર ગોળીઓનો વરસાદ કર્યો. રાજાને બચાવવા માટે આવેલા એક સંબંધીને પણ દીપેન્દ્રએ ગોળી મારી. દીપેન્દ્રએ સગી મા અને મહારાણી ઐશ્વર્યા તથા નાના ભાઈ નિરાજનને પણ ગોળી મારી. થોડીવાર પછી દીપેન્દ્રએ ખુદને પણ ગોળી મારી લીધી.
ચાર દિવસમાં નેપાળમાં ત્રણ વખત રાજા બદલાયા
રાતના સવા નવ વાગ્યે હોસ્પિટલમાં રાજ પરિવારના મૃતદેહો પહોંચવા લાગ્યા. મહારાજા વીરેન્દ્ર, મહારાણી ઐશ્વર્યા, પ્રિન્સ નિરાજન, રાજકુમારી શ્રુતિને મૃત જાહેર કરાયા. રાજ પરિવારના અન્ય પાંચ સદસ્યોએ પણ જીવ ગુમાવ્યા. પ્રિન્સ દીપેન્દ્ર તે સમયે તો બચી જ ગયો હતો, તેથી બીજી જૂને તેને નવો રાજા બનાવવામાં આવ્યો. જોકે ચોથી જૂને તેને મૃત જાહેર કરાયો. જે બાદ મહારાજા વીરેન્દ્રના નાના ભાઈ જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહને નેપાળના નવા રાજા જાહેર કરાયા.
હત્યાકાંડ પર કેટલાક સવાલો પણ ઉઠે છે
જોકે આ ઘટનાને લઈને ઘણા લોકો સવાલ પણ ઉઠાવે છે. સૌથી મોટો સવાલ તો એ થાય છે કે મહારાજાની સુરક્ષામાં આટલી મોટી ચૂક થાય કઈ રીતે? મહારાજાના નાના ભાઈ જ્ઞાનેન્દ્ર પાર્ટીમાં હાજર કેમ નહોતા? દીપેન્દ્ર મોટા ભાગના કામ જમણા હાથથી કરતો હતો તો ખુદને ગોળી ડાબા હાથથી કેમ મારી? રાજ પરિવારના આટલા સદસ્યોના મોત બાદ પણ તપાસ માત્ર બે જ સપ્તાહ સુધી ચાલી અને ફોરેન્સિક એનાલિસિસ પણ કરાયું નહીં.
શાપ સાચો પડ્યો?
2001 બાદ નેપાળમાં માઓવાદી આંદોલન ધીમે ધીમે મજબૂત થતું ગયું અને મહારાજા જ્ઞાનેન્દ્રએ 2008માં રાજગાદી છોડી અને નારાયણહિટી મહેલ પણ ખાલી કર્યો.
નેપાળમાં રાજાશાહીના પતનની પટકથા:
1768: ગોરખાના રાજા પૃથ્વી નારાયણ શાહે નેપાળનું એકીકરણ કરી શાહ વંશની સ્થાપના કરી
1846: જંગ બહાદુર રાણાને હટાવી રાણા શાસનની શરુઆત થઈ, જેમા વડાપ્રધાનનું પદ વંશાનુગત હટ્યું જ્યારે રાજાનું પદ માત્ર પ્રતીકાત્મક પ્રમુખ તરીકેનું રહી ગયું, આ વ્યવસ્થા 104 વર્ષ સુધી ચાલી
1951: લોકશાહીના આંદોલન બાદ રાણા શાસનનું અંત આવ્યું, રાજા ત્રિભુવને દેશની સત્તા પોતાના હાથમાં લીધી
1955: રાજા મહેન્દ્રએ સત્તા સંભાળી, 1959માં નેપાળમાં નવું બંધારણ લાગ્યું પડ્યું, દેશમાં ચૂંટણી થઈ અને નેપાળી કોંગ્રેસને બહુમતી મળી. જોકે એક વર્ષ બાદ જ રાજા મહેન્દ્રએ સરકાર બરખાસ્ત કરી અને તમામ રાજકીય પક્ષો પર પ્રતિબંધ લગાવ્યો.
1980નો દાયકો: નેપાળમાં ફરી બહુપક્ષીય લોકતંત્રની માંગ સાથેનું આંદોલન ઊભું થયું
1990: વિવિધ આંદોલનો સામે રાજા વીરેન્દ્રએ નમતું મૂક્યું અને નેપાળમાં નવું બંધારણ લાગુ કરાયું અને બહુપક્ષીય લોકતંત્ર સ્વીકારાયું
1996: નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીએ રાજાશાહી વિરુદ્ધ સશસ્ત્ર બળવો શરુ કર્યો જેણે ધીમે ધીમે ગૃહયુદ્ધનું રૂપ લઈ લીધું, 13 હજારથી વધુ લોકોના મોત થયા.
2001: રાજ પરિવાર હત્યાકાંડમાં રાજા અને રાજકુમારના મોત બાદ જ્ઞાનેન્દ્રએ સિંહાસન સંભાળ્યું
2005: રાજા જ્ઞાનેન્દ્રએ સરકારને બરખાસ્ત કરી દેશમાં કટોકટી જાહેર કરી, લોકોના અધિકારો છીનવી લેવાયા
2006: દ્વિતીય જનઆંદોલન બાદ જ્ઞાનેન્દ્રએ સત્તા છોડવી પડી અને લોકશાહીનો ઉદય થયો, નેપાળ સરકાર અને માઓવાદી બળવાખોરો વચ્ચે શાંતિ સમજૂતી થઈ અને ગૃહયુદ્ધનો અંત આવ્યો
2007: વચગાળાની સરકારમાં માઓવાદીઓને સામેલ કરાયા
2008: બંધારણ સભાની ચૂંટણીમાં માઓવાદી સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યા. 28 મે 2008માં રોજ બંધારણ સભાએ સર્વ સંમતિથી નેપાળને પ્રજાસત્તાક જાહેર કર્યો અને આખરે 240 વર્ષની રાજાશાહીનો અંત આવ્યો