મહાન સંશોધક મુસાફર કોલંબસ યહૂદી હતા તેઓ ઈટાલિયન નહીં પરંતુ સ્પેનના વતની હતા
- DNA testમાં થયેલો આંચકાજનક ઘટસ્ફોટ
- સ્પેનનાં સેવિલ્લેનાં કેથેડ્રલ સ્થિત આ મહાન મુસાફરની કબરમાંના અસ્થિ પિંજરનાં અસ્થિનાં DNA test દ્વારા મળેલી સ્પષ્ટ માહિતી
- ભારત શોધવા નીકળેલા કોલંબસ કેરેબિયન ટાપુએ જઈ ચઢ્યાં
ગ્રેનેડા (સ્પેન) : ૧૫મી સદીમાં ભારત શોધવા નીકળેલા મહાન સંશોધક મુસાફર ક્રિસ્ટોફર કોલંબસે એટલાંટિક મહાસાગરમાં આવેલા કેરેબિયન સમુદ્રના ટાપુએ પહોંચી વિશ્વ ઈતિહાસ બદલી નાખ્યો. અમેરિકા ખંડોના સંશોધનનો માર્ગ ખોલી આપ્યો.
આ મહાન મુસાફર વિષે તાજેતરમાં સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટીના ફોરેન્સિક એક્ષપર્ટ જોસ એન્ટોનિયો લોરેન્તે અને ઈતિહાસકાર માર્સિયલ કેસ્ટ્રોએ સંયુક્ત રીતે હાથ ધરેલાં સંશોધન દ્વારા જણાવ્યું છે કે, આ મહાપુરૂષ સેફાર્ડિક-જયુ હતા. સંભવ તે છે કે તે સમયે યુરોપમાં યહૂદીઓ વિરૂદ્ધ જુવાળ ચાલી રહ્યો હોઈ, તેઓએ તેઓની ખરી ઓળખ છુપાવી હશે.
તેઓને સ્પેનના મહારાજા ફર્ડીનાન્ઝ અને મહારાણી ઈસાબેલે નાણાં અને વહાણોની અઢળક સહાય કરી હતી. પરંતુ આ રાજવી દંપતિ યહૂદીઓ અને મુસ્લીમોનું સખત વિરોધી હતું. તેથી જ કોલંબસે પોતાની સેફાર્ડિક-જયુ તરીકેની ઓળખ છુપાવી હશે તેમ ઉક્ત બંને વિદ્વાનોનું મંતવ્ય છે. તેઓ પોતાને ઈટાલીનાં જીનોઆના વતની તરીકે તે રાજવી દંપતિને ઓળખાણ આપી હશે.
આ માહિતી આપતાં બીબીસી જણાવે છે કે, વિજ્ઞાાનીઓના મતે કોલંબસ સંભવત: પશ્ચિમ યુરોપમાં જન્મ્યા હશે. તેઓનું જન્મ સ્થળ દક્ષિણ સ્પેનનાં બંદર વેલેન્શીયા હતું પરંતુ તેઓએ પોતાની યહુદી તરીકેની ઓળખ છુપાવી હતી, અને સંભવત: કેથોલિક બન્યા હતા, જેથી તે સમયે ચાલતા યહૂદી વિરોધી જુવાળમાંથી બચી શકે. આ સંશોધને તેમજ તેઓનાં સ્પેનનાં સેવિલ્લે કેથેડ્રલનાં વિસ્તારમાં દફન કરાયેલા મૃતદેહનાં હાડકાંના ડીએનએ ટેસ્ટ ઉપરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે તેઓ સેફર્ડિક જયુ હતા.
વાસ્તવમાં ૨૦૦૩થી કોલંબસ વિષે સંશોધન ચાલી રહ્યું હતું. જેના પરિણામો સ્પેનનાં પ્રસાર માધ્યમ આર. ટીવી ઈ.એ. શનિવારે તારીખ ૧૨મી ઓક્ટોબરે જાહેર કર્યાં હતાં. યોગાનુયોગ તે દિવસ સ્પેનના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે જ આ મહાન સંશોધક મુસાફર કેરેબિયન સમુદ્રના ટાપુએ પહોંચ્યા હતા.