મિત્ર દેશોનું સ્વાગત: ચીની જહાજને લઈને માલદીવની મુઈજ્જુ સરકારે ભારત પર સાધ્યુ નિશાન
- આ પ્રકારની ભાગીદારી માલદીવ અને પાર્ટનર દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે છે: માલદીવ
નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર
માલદીવ સરકારે એ વાતની પુષ્ટિ કરી છે કે, ચીનનું Xian Yang Hong 03 રિસર્ચ શિપ આગામી મહિનાની શરૂઆતમાં રાજધાની માલે પહોંચશે. પોતાના આ રિસર્ચ જહાજનો ચીન સૈન્ય ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરે છે અને હિંદ મહાસાગરમાં જહાજનો ઉપયોગ કરીને જાસૂસીનું કામ કરે છે. માલદીવની મોહમ્મદ મોઈજ્જુ સરકારે ભારત પર નિશાન સાધતા કહ્યું કે, માલદીવ મિત્ર દેશોના જહાજો માટે હંમેશાથી એક સ્વાગત કરનારો દેશ રહ્યો છે.
માલદીવ સરકારનું કહેવું છે કે, ચીની જહાજે માલેમાં રોકાઈને રોટેશન અને ઈંધણ ભરવાની મંજૂરી માંગી છે. સરકાર તરફથી સ્પષ્ટતા આપતા કહેવામાં આવ્યું છે કે, ચીની જહાજ માલદીવના સમુદ્રી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના રિસર્ચનું કામ નહીં કરશે.
ચીની જહાજના માલદીવમાં રોકાવાની પુષ્ટિ કરતા માલદીવે કહ્યું કે, માલદીવ હંમેશા મિત્ર દેશોના જહાજો માટે એક સ્વાગત યોગ્ય દેશ રહ્યો છે. અમે હંમેશાથી જ શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે બંદર પર આવતા નાગરિકો અને સૈન્ય બને જહાજોની યજમાની કરતા આવ્યા છીએ.
માલદીવ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, આ પ્રકારની ભાગીદારી માલદીવ અને પાર્ટનર દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે છે. તે મિત્ર દેશોના જહાજોને આવકારવાની વર્ષો જૂની પરંપરાને પણ પ્રદર્શિત કરે છે...'
મુઈજ્જુ સરકારે ચીન સમર્થક હોવાનો આપ્યો પુરાવો
માલદીવની સરકાર શરૂઆતથી જ ચીન સમર્થક રહી છે પરંતુ મુઈજ્જુ અનેક વખત એ કહી ચૂક્યા છે કે, તેઓ કોઈ દેશના સમર્થક નથી પરંતુ માલદીવના હિતના સમર્થક છે.
જોકે, મુઈજ્જુ સરકારના ચીની જહાજને માલેમાં રોકાવાની મંજૂરી આપતા નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, માલદીવ ભારત વિરુદ્ધ ચીન તરફ ઝૂકી રહ્યું છે.
ભારત માલદીવ વચ્ચે ચાલી રહ્યો છે તણાવ
ગત વર્ષે નવેમ્બર મહિનામાં મોહમ્મદ મોઈજ્જુ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદથી જ ભારત અને માલદીવના સબંધો તણાવપૂર્ણ સ્થિતિમાં છે. માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદથી મોહમ્મદ મુઈજ્જુ દ્વારા લેવામાં આવેલા તમામ પગલાઓ ભારત વિરુદ્ધ રહ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય સેનાની ટીકા કરી હતી તેમજ કહ્યું હતું કે, જો તેઓ જીતશે તો ભારતીય સેનાને દેશમાંથી હાંકી કાઢશે અને રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈજ્જુએ એવું જ કર્યું હતું.
ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ યાત્રાની તસવીરો અને વીડિયો પર પણ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. પીએમ મોદીની તસવીરો પર મોઈજ્જુ સરકારના ત્રણ નાયબ મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને એક પ્રવાસન સ્થળ તરીકે લક્ષદ્વીપને માલદીવ કરતા નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર થવા લાગ્યો હતો. વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખી મોઈજ્જુ સરકારે પોતાના નાયબ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.