કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
- ટ્રુડો સરકાર અસ્થાયી વર્ક પરમિટ આપવામાં સખ્તાઈ વર્તતા
- આગામી વર્ષે સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ સહિત પચાસ લાખ અસ્થાયી વર્ક પરમિટ સમાપ્ત થશે
ટોરન્ટો : કેનેડામાં રહેતા સાત લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે છે. કેનેડાની ટ્રુડો સરકારના એક જ નિર્ણયથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. ટ્રુડો સરકાર પ્રવાસીઓ બાબતે સખ્તાઈથી વર્તી રહી છે. આગામી વર્ષે પચાસ લાખ અસ્થાયી પરમિટ સમાપ્ત થઈ રહી છે જેમાંથી સાત લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. સરકારના કડક વલણથી આ વિદ્યાર્થીઓને ફરી પરમિટ મેળવવામાં સમસ્યા ઊભી થઈ શકે છે.
કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટ સમાપ્ત થતા મોટાભાગના વિદેશી પ્રવાસીઓ કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરએ આ સપ્તાહની શરૂઆતમાં જ આ જાણકારી આપી હતી.
અસ્થાયી વર્ક પરમિટ સામાન્યપણે નવ મહિનાથી લઈને ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. આ વર્ક પરમિટથી ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી છાત્રોને કેનેડામાં કાયમી નિવાસની અરજી કરવા માટે જરૂરી અનુભવ મેળવવાની તક મળે છે. કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓના મતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં નિવાસ માટેની અરજી કરી રહ્યા છે જે બાબત ચિંતાજનક છે. આથી આવી અરજીઓની સખ્તાઈપૂર્વક ચકાસણી કરવામાં આવશે અને બોગસ અરજદારોને કાઢી મુકવામાં આવશે.
ઈમિગ્રેશમ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે તમામ અસ્થાયી પ્રવાસીઓએ દેશ છોડવાની જરૂર નહિ પડે, પણ કેટલાકને નવી પરમિટ અથવા પોસ્ટગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડા પ્રવાસી વિભાગના આંકડા અનુસાર મે ૨૦૨૩ના અંત સુધી દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. એમાંથી લગભગ ચાર લાખ પાસે ૨૦૨૩ના અંત સુધી પોસ્ટગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી. પણ કેનેડા હવે આ પરમિટ આપવામાં સખ્તાઈ વર્તી રહ્યું છે અને ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં ૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો. હવે ટ્રુડો સરકારે ૨૦૨૫માં એમાં વધુ દસ ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવી છે.
જો કે ટ્રુડો સરકારની આ યોજનાનો તેમના જ દેશમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. કન્ઝરવેટીવ નેતા પિયરે પોલીવરે વડા પ્રધાન ટ્રુડોની નીતિઓની ભારે આલોચના કરતા કહ્યું કે દેશના અસ્થાયી નિવાસીઓ માટે અનિશ્ચિતતા ઊભી થઈ છે અને દેશને એનાથી કોઈ લાભ નથી થઈ રહ્યો.