નવાઝની PML-N અને બિલાવલની PPP વચ્ચેના સત્તા વહેંચણીનો પાંચમો રાઉન્ડ પણ અનિર્ણિત રહ્યો
- દેશ અરાજકતા, અંધાધૂંધી તરફ જઇ રહ્યો છે : કાકર
- ફેબ્રુઆરીની 8મીએ સમવાયતંત્રી સંસદનાં પરિણામો જાહેર થયાં તે પછી ૧૧ દિવસ વીતી ગયા છતાં સરકાર રચવાનું ઠેકાણું પડતું નથી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદ ચૂંટણીમાં ખંડિત પરિણામો આવ્યા પછી ૧૧ દિવસ વીતી ગયા છતાં હજી સરકાર રચવાનું ઠેકાણું પડતું નથી, સત્તા વહેંચણી અંગે પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ) અને બિલાવલ ભૂટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચે સત્તાની વહેંચણી માટે યોજાયેલી મંત્રણાઓનો આજેપાંચમો રાઉન્ડ પૂરો થયો. છતાં કોઈ નિર્ણય લઇ શકાયો નથી. આથી હવે, આવતીકાલ બુધવારે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે મંત્રણાઓ યોજાવાની છે, પરંતુ નિરીક્ષકો તેમાં પણ કોઈ નિશ્ચિત પરિણામ આવે તે વિષે આશંકા સેવે છે.
ઉલ્લેખનીય છે કે આ મંત્રણાઓ શરૂ થઇ તે પછી બીજા જ દિવસે પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન અન્વર ઉલ હક્ક કાકરે આક્રોશ ઠાલવતાં તા. ૧૭મીએ જ જણાવી દીધું હતું કે 'દેશ અરાજકતા અને અંધાધૂંધી તરફ ઢસડાઈ રહ્યો છે.'
આશ્ચર્ય તો તે વાતનું છે કે, આ મંત્રણાઓશરૂ થઇ અને તેનો પહેલો જ રાઉન્ડ શરૂ થયો ત્યારે પીએમએલએનના નેતા આઝમ નઝીર તરારે આ મંત્રણા રચનાત્મક દિશામાં આગળ વધી રહી છે તેમ જણાવ્યું હતું. તરારને ટાંકતાં, જીઓ ન્યૂઝે જણાવ્યું હતું કે પીપીપીને કેબિનેટમાં લેવા અંગે કેટલાક નિર્ણયો લેવાઈ પણ ગયા છે.
તે સર્વવિદિત છે કે પાકિસ્તાની સમવાયતંત્રી ચૂંટણીમાં મોટા પાયે ગોલમાલ થઇ હોવાના અને વિશેષત: પરિણામોની જાહેરાતમાં પણ ગોલ માલ થઇ હોવાના આક્ષેપો થયા હતા, બીજી તરફ મતદાન સંપન્ન થયા પછી અગિયાર અગિયાર દિવસ વીતી ગયા પછીયે સરકાર રચવામાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
ખેદજનક તો તે છે કે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈને ગેરકાયદે જાહેર કરાયા પછી તે પાર્ટીના પૂર્વ સભ્યો અપક્ષ તરીકે ઉભા રહ્યા હતા અને તેઓએ સૌથી વધુ (૯૨) બેઠકો મેળવી હતી. પરંતુ તેમને સત્તા પર આવવાથી રોકવા પીએમએલએન અને પીપીપીએ ગઠબંધન સાધવા નિર્ણય કર્યો. પરંતુ પીપીપીના કેટલા સભ્યોને કેબિનેટમાં લેવા અને તેઓને કયાં ખાતાં આપવા તે વિષેની મડાગાંઠ ઉકેલી શકાઈ નથી, અને તે પણ મંત્રણામા પાંચ પાંચ દોર થયા પછી હવે આવતીકાલ બુધવારે છઠ્ઠો દોર યોજાવાનો છે. નિરીક્ષકો કહે છે જુઓ અને રાહ જુઓ, ૬ઠ્ઠો દોર પણ અનિર્ણિત રહેવા સંભવ છે. કાકરની ભવિષ્ય વાણી યાદ કરો.