સિંગાપુરને સતાવવા લાગ્યો કોરોનાની નવી લહેરનો ડર, ૭ દિવસમાં ૫૬૦૦૦ લોકોને સંક્રમણ

માત્ર એક જ સપ્તાહમાં કોરોનાના ૭૫ ટકા જેટલા કેસ વધ્યા

હોસ્પીટલમાં પથારીઓની સંખ્યા વધારાઇ, માસ્ક પહેરવાની સૂચના

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
સિંગાપુરને સતાવવા લાગ્યો કોરોનાની નવી લહેરનો ડર, ૭ દિવસમાં ૫૬૦૦૦ લોકોને સંક્રમણ 1 - image


સિંગાપુર,૧૬ નવેમ્બર,૨૦૨૩,શનિવાર 

કોરોનાવાયરસ અને તેનાથી થતી બીમારી કોવિડ-૧૯નું નામ પડતા જ ભલભલાને પરસેવો છુટી જાય છે. દુનિયામાં ભાગ્યેજ કોઇ એવો વિસ્તાર હતો જયાં કોરાનાનું સંક્રમણ ફેલાયું ન હતું. લાખોના મોતની સાથે કોરોના મહામારીએ જે આર્થિક અને સામાજિક નુકસાન કર્યુ તેમાંથી બહાર આવતા મહિનાઓ લાગ્યા હતા. ચીનના વુહના શહેરની વાયરોલોજી લેબોરેટરીએ દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સિંગાપુરમાં કોરોના વાયરસે માથું ઉચકયું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સિંગાપુરમાં છેલ્લા ૭ દિવસમાં ૫૬૦૦૦ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. સિંગાપુરના આરોગ્ય વિભાગે તો દેશમાં ફરી કોરોનાની એક નવી લહેર આવવાની શંકા વ્યકત કરી છે. સિંગાપુર આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાના વધતા જતા નવા કેસોએ નવેસરથી ચિંતા પ્રસરાવી છે. માત્ર એક જ સપ્તાહમાં કોરોનાના ૭૫ ટકા જેટલા કેસ વધ્યા છે. આથી હવે દરરોજ કોરોના અપડેટ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. સિંગાપુરમાં જે કોરોના વેરિએન્ટ જોવા મળે છે તેનું નામ જેએન -૧ છે.

સિંગાપુરને સતાવવા લાગ્યો કોરોનાની નવી લહેરનો ડર, ૭ દિવસમાં ૫૬૦૦૦ લોકોને સંક્રમણ 2 - image

જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિએન્ટ હાલતો ખતરનાક જણાતો નથી પરંતુ વધતા જતા સંક્રમણને જરાં પણ હળવાશથી લઇ શકાય નહી. સિંગાપુરની સરકારે ભીડવાળી જગ્યાએ જતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે સાથે જરુર પડે ત્યારે ઘરની બહાર ન નિકળવાની તથા કોરોનાના સામાન્ય લક્ષણ અનુભવાય કે તરત જ ડૉકટરનો સંપર્ક સાધવાની સૂચના આપવામાં આવી છે.

હોસ્પિટલમાં સંભવિત કોરાનાના દર્દીઓ માટે પથારીઓની સંખ્યા વધારવામાં આવી છે. દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશ સિંગાપુરમાં કોરાનાના વધતા જતા સંક્રમણથી દુનિયાને પણ સાવચેત થઇ ગઇ છે. ૨૦૨૦માં ચીનના વુહાનથી કોરોના વાયરસ જોત જોતામાં સમગ્ર દુનિયામાં ફેલાયો હતો.




Google NewsGoogle News