વધુ એક ચર્ચિત કંપની લિંક્ડઈન પર ડેટા પ્રાઈવસીના ભંગના આરોપ, ઈયુએ ફટકાર્યો 33.5 કરોડનો દંડ
EU action on Linked In News | યુરોપિયન યુનિયન રેગ્યુલેટર્સે ડેટા પ્રાઇવેસીના નિયમોના ભંગ બદલ લિંક્ડઇન પર ૩૩.૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. આયરલેન્ડના ડેટા પ્રોટેકશન કમિશને ે જાહેરાતના હેતુ માટે પર્સનલ ડેટાના ઉપયોગ કરવા બદલ માઇક્રોસોફ્ટની માલિકીની પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઇટને ઠપકો આપ્યો છે.
કમિશને કાયદેસરતા, નિષ્પક્ષતા અને પારદર્શકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડબલિન સ્થિત ડેટા પ્રોટેકશન કમિશન યુરોપિયન યુનિયનના ૨૭ દેશોમાં ડેટા પ્રાઇવેસી નિયમો પર નજર રાખે છે.
ડેટા પ્રોટેક્શન કમિશને જણાવ્યું છે કે તેણે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે લિંક્ડઇન પાસે ડેટા એક્ત્ર કરવાનો કોઇ કાયદેસર આધાર નથી જેથી તે ઓનલાઇન જાહેરાત માટે ગ્રાહકોને નિશાન બનાવી શકે.
કમિશનના જણાવ્યા અનુસાર આ બાબત પ્રાઇવેસી સાથે સંકળાયેલા નિયમ જનરલ ડેટા પ્રોટેકશન રૂલ્સ (જીડીપીઆર)નો ભંગ કરે છે. તેણે લિંક્ડઇનને આ નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.
ડેપ્યુટી કમિશનર ગ્રેહામ ડોલે એક નિવેદનમાં જણાવ્યું છે કે યોગ્ય કાયદાકીય આધાર વગર પર્સનલ ડેટાને પ્રોસેસ કરવો નિયમોનો ગંભીર ભંગ છે. આ અંગે લિંક્ડઇને જણાવ્યું છે કે અમારું માનવું છે કે અમે નિયમોનું પાલન કર્યુ છે આમ છતાં જાહેરાતની બાબતમાં પ્રવર્તમાન તમામ નિયમોનો અમલ થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયત્નો કરીશું.