Get The App

US President Eletion: 77 વર્ષની ઉંમરે 91 કેસ, કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે બીજા ઉમેદવારોને ધૂળ ચટાડી

અમેરિકન પ્રમુખ રાષ્ટ્રપતિ જો બાઈડેનની લોકપ્રિયતામાં ઘટાડો!

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
US President Eletion: 77 વર્ષની ઉંમરે 91 કેસ, કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે બીજા ઉમેદવારોને ધૂળ ચટાડી 1 - image


US President Eletion: અમેરિકન પ્રમુખની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો રસ્તા પરની છેલ્લી છેલ્લી અડચણ નીકળી ગઈ છે. નિક્કી હેલીએ પ્રચાર બંધ કર્યા પછી ટ્રમ્પ વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. હેલી 'સુપર ટ્યુઝડે' પર અમેરિકાના 15 રાજ્યોની પાર્ટી પ્રાઈમરીમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. ટ્રમ્પની 77 વર્ષની ઉંમર અને તેમના પર 91 ગંભીર કેસો છતાં કાયદાકીય ટીમ અને પ્રચાર ટીમે તેમને ઉમેદવાર બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. આ જોતા નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં જો બાઈડેન સામે ટ્રમ્પ જ ઉમેદવાર હશે તેવું જોવા મળી રહ્યું છે.

શું નિક્કી હેલી ટ્રમ્પને સમર્થન આપશે?

ટ્રમ્પ શા માટે? સૌપ્રથમ નિક્કી હેલીનું અંતિમ નિવેદન વાંચવું જરૂરી છે જેમાં તેમણે કહ્યું કે, 'પ્રચારને રોકવાનો સમય આવી ગયો છે. હું ઈચ્છું છું કે અમેરિકનનો અવાજ સંભળાય, મેં આ જ કર્યું છે. મને કોઈ અફસોસ નથી. હું જે બાબતોમાં વિશ્વાસ કરું છું તેના માટે હું ક્યારેય મારો અવાજ ઉઠાવવાનું બંધ કરીશ નહીં.' જો કે, હેલીએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે તે ટ્રમ્પને સમર્થન આપશે કે નહીં? હેલીની નજીકના લોકોના મત અલગ છે. કેટલાક માને છે કે ટ્રમ્પને સમર્થન આપવું તેમના માટે યોગ્ય રહેશે. કારણ કે તેઓ એક ટીમ તરીકે જોવા મળશે. કારણ કે પાર્ટીમાં તેમને પસંદ ન કરતા લોકોની કમી નથી.

2024ની રેસમાં ટ્રમ્પ સામે કોણ હતા?

 77 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પની સામે રિપબ્લિકન પાર્ટીના ઘણાં ચહેરા હતા. મુખ્ય નામોની વાત કરીએ તો રોન ડેસેન્સિટ અને વિવેક રામાસ્વામી પણ રેસમાં હતા. બધા એક પછી એક ખસી ગયા અને ટ્રમ્પને પોતાનું સમર્થન આપ્યું. ટ્રમ્પે આયોવા, ન્યૂ હેમ્પશાયર, નેવાદા, ઈડાહો, સાઉથ કેરોલિના, મિશિગન અને મિસૌરીમાં મોટી જીત નોંધાવી હતી. તેઓ રિપબ્લિકન પાર્ટીમાં નોમિનેશનની રેસમાં સૌથી આગળ રહ્યા. 15મી જાન્યુઆરીએ ટ્રમ્પે આયોવામાં રિપબ્લિકન પાર્ટીના પહેલા કોકસ વોટિંગમાં જીત મેળવી હતી. તેમને કોકસમાં 51% મત મળ્યા, જ્યારે રોન ડીસેન્સિટ 21% મત સાથે બીજા સ્થાને રહ્યા હતા.

અમેરિકામાં ટ્રમ્પને લઈને ભારે ચર્ચા

અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર,  કેટલાક નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પે પાણીની જેમ પૈસા ખર્ચ્યા. તેમની પાર્ટીમાંથી અન્ય કોઈ ઉમેદવાર મની પાવર અને જનસંપર્કની દ્રષ્ટિએ એટલો મજબૂત નથી કે ટ્રમ્પને ટક્કર આપી શકે. કેટલાક બિઝનેસમેન હતા અને કેટલાકને અન્ય મજબૂરીઓ હતી. તેથી એક પછી એક બધા દૂર જવા લાગ્યા અને ટ્રમ્પનો રસ્તો સાફ થઈ ગયો.

અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકન પ્રમુખ રાષ્ટ્રપતિ જો બાઈડેનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. એક સર્વે રિપોર્ટ અનુસાર, 48 ટકા લોકોએ ટ્રમ્પનું સમર્થન કર્યું. 23 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમને બાઈડેનની ઉમેદવારીથી કોઈ સમસ્યા નથી. જ્યારે 26 ટકા લોકોએ કહ્યું કે તેઓ બાઈડેનના કામથી અસંતુષ્ટ છે, પરંતુ ગુસ્સે નથી.

કોકસ શું છે?

અમેરિકામાં બે મુખ્ય પક્ષો છે, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન અમેરિકન પ્રમુખની ચૂંટણી પહેલા બંને દેશના દરેક રાજ્યમાં પક્ષના ઉમેદવારોને પસંદ કરવા માટે આંતર-પક્ષીય મતદાન કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને કોકસ કહેવામાં આવે છે. તમામ રાજ્યોના મતદાન બાદ જ બંને પક્ષોના રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષ દ્વારા મતદાનમાં વિજેતા ઉમેદવારને પ્રમુખ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

બીજી ટર્મને લઈને વાતાવરણ કેવું છે?

અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેઓ જીતશે તો બીજો કાર્યકાળ તેમના પ્રથમ કાર્યકાળ કરતા પણ વધુ તોફાની હશે. લોકતંત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરનાર અને 2020ની ચૂંટણીમાં જીત છીનવી લેનાર અને દેશની સ્વતંત્રતા અને ભાગ્યને જોખમમાં મૂકનાર વ્યક્તિનું પરત આવવું ચોંકાવનારું છે. દેશદ્રોહ જેવા અપરાધિક કેસનો સામનો કરી રહેલા ટ્રમ્પ વિરુદ્ધ લગભગ 91 કેસ છે. ચૂંટણીની રેસમાં તેમનું અવિશ્વસનીય પરત ફરવું અમેરિકન ઈતિહાસની સૌથી કમનસીબ ચૂંટણી તરફ ઈશારો કરે છે. જોકે, ટ્રમ્પના વિરોધીઓનું માનવું છે કે લોકતંત્ર  પ્રત્યે ટ્રમ્પના તિરસ્કારના રેકોર્ડનો અર્થ એ છે કે દેશને ભવિષ્યમાં ગંભીર પડકારોનો સામનો કરવો પડી શકે છે.


Google NewsGoogle News