બાંગ્લાદેશમાં શેખ હસીના સામે સામૂહિક હત્યાના કેસ માટે રવિવારે પણ કોર્ટ ખુલી
- પૂર્વ પીએમ સામે હત્યાઓ સહિતના કુલ ૧૧ કેસ,
- શેખ હસીનાના તાનાશાહીવાળા શાસનમાં દેશની તમામ સંસ્થાઓનો નાશ કરાયો, ટૂંક સમયમાં ચૂંટણી યોજીશું ઃ યુનુસ
ઢાકા: બાંગ્લાદેશમાં જનતાના બળવા બાદ શેખ હસીના વડાપ્રધાનના પદેથી રાજીનામુ આપીને ભારત આવ્યાને બે સપ્તાહ થઇ ગયા છે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સામે ગંભીર ગુનાના કેસો ચલાવવાનું શરૂ થઇ ગયું છે. રવિવારે પણ બાંગ્લાદેશની કોર્ટો શેખ હસીના સામેના કેસો માટે ખુલવા લાગી છે. ૧૮મીએ બાંગ્લાદેશની કોર્ટમાં શેખ હસીના સામે ૨૦૧૩ના સામૂહિક હત્યાકાંડનો કેસ દાખલ કરાયો છે. જેમાં હસીના ઉપરાંત અન્ય ૩૩ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ બળવા બાદ શેખ હસીના સામે ૧૧ કેસો દાખલ કરાયા છે. જેમાં આઠ તો માત્ર હત્યાના છે.
બાંગ્લાદેશ પીપલ્સ પાર્ટી (બીપીપી)ના ચેરમેન બાબુલ સરદર ચખરીએ ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ઝકી-અલ-ફરાબીની કોર્ટમાં શેખ હસીનાની સામે આ કેસ દાખલ કરાવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૩માં હેફાઝત-એ-ઇસ્લામ દ્વારા આયોજીત રેલી પર ગોળીબારમાં અનેકની હત્યા કરાઇ હોવાનો આરોપ શેખ હસીના અન્યો સામે લગાવવામાં આવ્યો છે. અરજીને ધ્યાનમાં લઇને કોર્ટે બાદમાં આ મામલે આદેશ જારી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.
શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત ભાગી આવ્યા તે બાદ બાંગ્લાદેશની કમાન વચગાળાની સરકાર સંભાળી રહી છે અને તેના વડા તરીકે નોબેલ વિજેતા મોહમ્મહ યુનુસને બનાવવામાં આવ્યા છે.
મોહમ્મદ યુનુસે શેખ હસીના પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે શેખ હસીનાએ બાંગ્લાદેશની તમામ સંસ્થાઓનો નાશ કર્યો છે. સત્તામાં રહેવા માટે શેખ હસીનાએ આ બધુ કર્યું હતું. યુનુસે દાવો કર્યો હતો કે અમારી વચગાળાની સરકારનો સમયગાળો પૂર્ણ થતા જ અમે દેશમાં ચૂંટણી યોજીશું. યુનુસે ઢાકામાં વિદેશી રાજદૂતોની સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે શેખ હસીનાની ઘાતકી તાનાશાહીમાં સાવ બરબાદ કરી દેવાયેલા દેશની કમાન મને સોંપવામાં આવી છે. લોકોના મતદાનનો અધિકાર છીનવીને ચૂંટણી યોજાઇ હતી, રાજકીય સમર્થન સાથે બેંકોને લૂટવામાં આવી.
અમારી સરકાર તમામ દેશોની સાથે મિત્રતા જાળવી રાખશે.
રોહિંગ્યાઓના મુદ્દે વાત કરતા મોહમ્મહ યુનુસે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં શરણ લીધી છે તે તમામ રોહિંગ્યાને અમારી સરકાર સમર્થન આપવાનું શરૂ રાખશે. રોહિંગ્યાનું મૂળ વતન મ્યાંમાર છે. દરમિયાન બાંગ્લાદેશમાં એક મહિનાથી હિંસા ચાલી રહી હતી, શેખ હસીનાના રાજીનામા અને દેશમાંથી ભાગી જવા બાદ હાલ શાંતિ સ્થાપિત થઇ રહી છે, હિંસા દરમિયાન ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા, અને તમામ શાળા કોલેજો બંધ રખાઇ હતી જે હવે ધીરે ધીરે ખુલવા લાગી છે. રવિવારે દેશની તમામ શાળાઓ અને કોલેજોને ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મોહમ્મહ યુનુસના આદેશ બાદ આ પગલુ ભરવામાં આવ્યું હતું.