ડોગ 4000 ડોલર ગળી જતાં દંપત્તિએ ડોક્ટર પાસે દોડવું પડયું
- અમેરિકાના પેન્સિલ્વેનિયાનો વિચિત્ર કિસ્સો
- ડોક્ટરે પેટ સાફ કરવાની દવા આપતા લગભગ 80 ટકા જેવી રકમ પરત મળી
ન્યુયોર્ક : વિશ્વભરમાં કોરોના મહામારી બાદ પેટ્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. એક સર્વે મુજબ, અમેરિકામાં લગભગ ૬૦ ટકા જેટલા લોકો પેટ્સ રાખે છે. આ દરમિયાન અમેરિકામાંથી પેટ ડોગનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાળતુ ડોગ નોટ ગળી જતા માલિક મુશ્કેલીમાં મુકાયો હતો.
એક રિપોર્ટ મુજબ, અમેરિકાના પેંસિલ્વેનિયાના રહેવાસી ક્લેટન અને કેરી લો નામના દંપત્તિના ઘરમાંથી અચાનક ૪૦૦૦ ડોલર એટલે કે, લગભગ રૂપિયા ૩.૫૦ લાખ ખોવાઈ ગયા હતાં. દંપત્તિએ ઘરમાં તપાસ કરતા માલૂમ પડયું કે, તેમનો પેટ ડોગ ડોલર ખાઈ ગયો છે.
હેબતાઈ ગયેલા પતિ-પત્ની તાત્કાલિક ડોગને લઈને ડોક્ટર પાસે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે બેંકમાં ફોન કરીને ડોલર મામલે જાણકારી મેળવી હતી. બેંકના કર્મચારીના જણાવ્યા અનુસાર, ડોલરના સિરિયલ નંબર મળતા તેને બેંકમાં જમા કરાવી શકાય છે.
ડોક્ટરે પતિ-પત્નીની ફરિયાદ સાંભળીને ડોગને પેટ સાફ કરવાની દવા આપી હતી. જે બાદ દંપત્તિએ ડોલરને સાફ કર્યા હતાં. મળતી માહિતી મુજબ, તેમને લગભગ રૂ. ૨.૯૫ લાખના નોટ મળ્યા હતાં.