જાણો, બ્રિટનમાં છેલ્લા બે વર્ષમાં ઉંદરની 25 ટકા વસ્તી વધવાનું કોરોના કનેકશન
બિલાડી જેવડા કદના ઉંદર ટોઇલેટ લાઇન દ્વારા ઘરમાં ઘૂસે છે
બ્રિટનમાં 15 કરોડથી વધુ ઉંદર પરેશાન કરી રહયા છે
લંડન,21 ફેબ્રુઆરી,2022,સોમવાર
ઉંદર દુનિયામાં પાકતા અનાજ અને ખાધ વસ્તુઓનો 10 થી 15 ટકા નકામો બનાવી દે છે. ઉંદરની વસ્તીને નિયંત્રણ માટે અને ઉંદર પકડવા માટે સેંકડો ટેકનિક છે તેમ છતાં ઉંદરના ત્રાસમાંથી માણસ જાતને મુકિત મળી નથી. બ્રિટનના અખબાર મિરરમાં પ્રકાશિત માહિતી મુજબ બ્રિટનમાં બિલાડી જેટલું કદ ધરાવતા ઉંદર ટોઇલેટની લાઇનના માધ્યમથી ઘરમાં ઘૂસવા લાગ્યા છે.
આથી પેસ્ટ નિષ્ણાતોએ પોતાના લોકોને પોતાના ઘરને રેટ પ્રુફ કરવાની ચેતવણી આપી છે. લોકો ડરી રહયા છે અને ડરવું જરુરી પણ છે. આ ઉંદર કેટલાય દિવસો સુધી પાણીમાં રહેવાની ક્ષમતા ધરાવે છે. પાણીમાં સરળતાથી ચાલી શકે છે. શૌચાલયના પાણીના માધ્યમથી ઉંદર આવી રહયા છે તેની બ્રિટનવાસીઓને નવાઇ લાગી રહી છે.
એક પેસ્ટ નિષ્ણાત ઇયાન હેલેંડસના જણાવ્યા અનુસાર પહેલા કરતા ઘર માલિકોના કોલ આવવાની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. ઉંદર પોતાના શરીરને સંકોચીને લાંબો સમય સુધી તરી શકે છે. નાની એવી જગ્યામાંથી પણ પસાર થઇ શકે છે. તે 3 મીનિટ સુધી પોતાનો શ્વાસોશ્વાસ આરામથી રોકી શકે છે તેમ છતાં તેને કશું જ થતું નથી. તે એટલા ચાલાક અને સાહસિક હોય છે કે એક વાર ઘરમાં પ્રવેશ કરવાનું નકકી કરે તો તે કરીને જ રહે છે.બ્રિટનમાં ઉંદરના વધતા જતા વસ્તી વિસ્ફોટથી અફરાતફરી મચી ગઇ છે.
કોમર્શિયલ વિસ્તારો બંધ રહેવાથી ઉંદર રહેણાંક વિસ્તારો તરફ આવવા લાગ્યા
એવું માનવામાં આવે છે કે બ્રિટનમાં હાલમાં ઉંદરની વસ્તી 15 કરોડ કરતા પણ વધારે છે. કોવિડ-19 મહામારીના ગાળા દરમિયાન ઉંદરની વસ્તીમાં 25 ટકા જેટલો વધારો થયો છે. જુની થઇ ગયેલી લાઇનો. જુના સીવર અ કચરાનો વધતો જતો સંગ્રહ ઉંદરની વસ્તી વધવા માટે જવાબદાર છે. લોકડાઉનના ગાળા દરમિયાન વર્ક ફ્રોમના લીધે કોર્મેશિયલ સેન્ટર્સ સહિતની આર્થિક પ્રવૃતિઓ ઘરે થવા લાગી. આથી આ કોમર્શિયલ વિસ્તારો બંધ રહેવાથી ઉંદરોને પોષણ મળતું બંધ થયું જેના લીધે હવે ઉંદર રહેણાંક વિસ્તારો તરફ આવવા લાગ્યા છે.