છત્તીસગઢનો સમુદાય આખા શરીર પર રામનું નામ લખાવે છે, રામભકિતમાં રહે છે ગળાડૂબ
માથા પર મોરપિંછ અને પગમાં ઘુંઘરુ રામનામીની આગવી ઓળખ છે.
રામનામીઓના મકાનની દીવાલો પર પણ માત્ર રામ નામ જ લખેલું હોય છે.
ઇન્દોર,22 જાન્યુઆરી,2024,સોમવાર
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે કરોડો ભકતોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે છતિસગઢના ગ્રામીણ વિસ્તારોમાં રામનામી નામનો એક સમુદાય રહે છે જે છેલ્લા જે છેલ્લા ૧૦૦ વર્ષથી પોતાના શરીર પર ઝીણા કાળા અક્ષરે રામ નામ લખે છે.
આખા શરીર રામ નામ ત્રોફાવતા રામનામી સમુદાયની પરંપરા મુજબ કોઇ પણ બાળક ૨ વર્ષનું થાય એટલે શરીર પર રામ નામ લખવાની શરુઆત થાય છે. સમય જતા શરીર પર રામનામ આછુ થાય તો પણ શ્રધ્ધા અને વિશ્વાસ અકબંધ રહે છે.
જેના પર રામ નામ પણ લખ્યું હોય તેવા જ કપડા પહેરે છે
રામનામી સમુદાયના નિયમો ધ્યાન ખેંચે તેવા છે. એક વાર જેના શરીર પર રામનામનું ટેટૂ બની જાય તે કયારેય શરાબ,માંસ જેવી વસ્તુઓને હાથ લગાડી શકતો નથી. એટલું જ નહી વ્યકિતએ ડગલેને પગલે રામનામ બોલવું પણ એટલું જ જરુરી છે. ભગવાન રામના ગુણગાન અને ભકિત જ જીવનનો એક માત્ર ઉદ્ેશ છે.
માથા પર મોરપિંછ અને પગમાં ઘુંઘરુ રામાનામીની આગવી ઓળખ છે. રામનામીઓના મકાનની દીવાલો પર પણ માત્ર રામ નામ જ લખેલું હોય છે. બારી અને બારણા પણ રામનામથી રંગાયેલા હોય છે. જેે કપડા પર રામ નામ પણ લખ્યું હોય તેવા જ કપડા પહેરે છે. દૂરથી એક બીજાને રામ રામ કહીને બોલાવે છે.
રામનામીઓના મંદિર હોતા નથી પરંતુ ભજન આશ્રમ હોય છે
કોઇ વ્યકિત પોતાના શરીરના અંગ પર રામ નામ લખાવે ત્યારે રામનામી કહેવાય છે. માથા પર નામ લખાવનાર શિરોમણી અને સમગ્ર માથા પર નામ લખાવનાર સર્વાંગ રામનામી કહેવામાં આવે છે. જ સમગ્ર શરીર પર રામ નામ લખાવે છે તે ચૂસ્ત રામનામી કહેવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે તેઓ કોઇ મંદિરમાં જતા નથી કે કોઇ પણ પ્રકારની મુર્તિઓની પણ પૂજા કરતા નથી.
પોતાના હ્વદયમાં જ રામ વસેલા છે તેમ માને છે. છતીસગઢમાં મહા નદીના કાંઠા પાસેના વિસ્તારમાં રામનામીઓ વસે છે. રામનામીઓના મંદિર હોતા નથી પરંતુ ભજન આશ્રમ હોય છે. સૌથી જુના ભજન આશ્રમ ગ્રામ પિરદા, વિકાસખંડ, માલખરૌદા, જાજાગીર જિલ્લાના ગ્રામ ઉડકાનન, વિકાસખંડ, બિલાઇગઢ તથા શિવરી નારાયણમાં છે. આ તમામ આશ્રમોના દરવાજા પર રામ રામ લખેલું હોય છે. તેઓ આત્મારામના જાપ કરે છે.
રામનામી એક ભકિત આંદોલન તરીકે શરુઆત થઇ હતી
સતનામીઓને રામ મંદિરમાં પ્રવેશ ના મળતા શરીર પર રામ નામ લખીને વિરોધ કર્યો હતો. રામનામી સંપ્રદાયને ભકિત આંદોલન કહેવામાં આવે છે. સમગ્ર બ્રહ્નાંડને રામમય માને છે. નિરાકાર સર્વ વ્યાપી, સમગ્ર બ્રહ્માંડમાં સમાયેલા રામનો જાપ કરે છે. બ્રહ્નાંડ સ્વરુપ રામ છે. ૧૯૬૦માં દેશભરમાં રામનામીઓએ અખીલ ભારતીય રામનામી સભાની રચના કરી હતી. તેમની રજીસ્ટર સંસ્થા રામનામીઓની સામાજિક પ્રવૃતિઓ અને ભજન મેળાનું આયોજન કરે છે. વડીલો પોતાની આ પ્રાચીન પરંપરા જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ છે. નવી પેઢી આખા શરીર પર નહી પરંતુ હાથ, પગ અથવા તો કમરના ભાગમાં રામનું નામ લખાવે છે.