કાચિંડાને પણ શરમાવે તેવી રંગ બદલતી માછલી, પાણી જ નહી સમુદ્રની ચટ્ટાનો પર પણ રહે છે
હેરાન કરનારી વાત એ છે કે મુત્યુ પછી ડેડબોડી પણ રંગ બદલે છે
કેરોલિનાથી બ્રાઝીલ સુધીના એટલાન્ટિક મહાસાગર તટ નજીક જોવા મળે છે.
રિઓડિજાનેરો,૨૮ ઓગસ્ટ,૨૦૨૩, સોમવાર
રંગ બદલવાની વાત નિકળે ત્યારે કાચિંડાને યાદ કરવામાં આવે છે. રંગ બદલવો એ મુહાવરો પણ પ્રચલિત છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે એક અનોખી માછલી રંગ બદલવામાં કાચિંડાથી પણ આગળ નિકળી ગઇ છે. સૌથી વિચિત્ર વાત એ છે કે આ માછલી મર્યા પછી પણ પોતાનો રંગ બદલવાનું ચાલું રાખે છે. વૈજ્ઞાનિકોએ પોતાના સ્ટડી દરમિયાન કાચિંડાની સ્પર્ધા કરતી માછલીનું નામ હોગ ફિશ આપ્યું છે. માછલીને લેચનોલાઇમસ મેકિસમસ નામથી પણ ઓળખવામાં આવે છે. આ માછલી સામાન્ય રીતે કેરોલિનાથી બ્રાઝીલ સુધીના એટલાન્ટિક મહાસાગર તટ નજીક જોવા મળે છે.
આ માછલીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સમુદ્રની ચટ્ટાનો ઉપર રહે છે. સંશોધકોનું માનવું છે કે આ માછલી પોતાના દુશ્મનો સામે રક્ષણ કરવા માટેના સંકેતના ભાગરુપે રંગ બદલે છે. વૈજ્ઞાનિકો માટે સૌથી હેરાન કરનારી વાત એ હતી કે મુત્યુ પછી ડેડબોડી પણ રંગ બદલે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રક્રિયામાં ત્વચા રંગ આપનારા ક્રોમેટોફોરની નીચે એસ ડબલ્યુ એસ વન નામના પ્રકાશ રિસેપ્ટર્સનું કામ કરે છે. માછલીને પોતાના રિસેપ્ટર્સ ફીડ બેક આપે છે અને તેની ત્વચાના જુદા જુદા રંગોમાં પરીવર્તન થઇ રહયું હોય છે તેની માહિતી આપે છે. આ અંગેનું કોમ્યુનિકેશન જર્નલમાં એક નવું સંશોધન પ્રકાશિત થયું છે. માછલીના જુદા જુદા ભાગમાં પ્રકાશનો પ્રભાવ તપાસવા માઇક્રોસ્કોપીનો ઉપયોગ કર્યો હતો.