Get The App

આપણા દેશ સમક્ષ સૌથી મોટી ભીતિ તો ચીનની છે : વાન્સે, તેઓની પહેલી જ મુલાકાતમાં સ્પષ્ટ રીતે કહ્યું

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
આપણા દેશ સમક્ષ સૌથી મોટી ભીતિ તો ચીનની છે : વાન્સે, તેઓની પહેલી જ મુલાકાતમાં સ્પષ્ટ રીતે કહ્યું 1 - image


- અમેરિકાએ મંત્રણા દ્વારા યુક્રેન યુદ્ધનો તત્કાળ અંત લાવવો જોઈએ જેથી ચીન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય : જે.ડી. વાન્સ

મિલવોકી (યુ.એસ.) : અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જે.ડી. વાન્સને તેઓનાં 'રનિંગ-મેઇટ' તરીકે (ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે) જાહેર કર્યા પછી લગભગ તુર્તજ યોજાયેલી મુલાકાતમાં વાન્સે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, 'અમેરિકા સામેની સૌથી મોટી ભીતિ તો ચીનની છે.' આ સાથે જો તેઓ ચૂંટાઈ આવશે તો, ચાયના પ્રત્યે 'શકરા-બાજ'ની નીતિ જ અપનાવશે તેથી સ્પષ્ટ થઈ જાય છે.

'ફોક્સ ન્યુઝ'ના સીન હેન્નીટીએ જે.ડી. વાન્સની સોમવારે રાત્રે જ મુલાકાત લીધી હતી જે 'એર' પણ કરવામાં આવી હતી. હેન્નીટીએ તેઓને સૌથી પહેલો પ્રશ્ન તો યુક્રેન યુદ્ધ વિષે પૂછ્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે ટ્રમ્પ રશિયા અને યુક્રેન બંને સાથે મંત્રણા કરી બાબતનો (યુદ્ધનો) તત્કાળ નિવેડો લાવવા આગ્રહ કરશે. જેથી આપણે ચીન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.

વિસ્કોન્ઝીન (યુ.એસ.)ના મિલ-વોકી શહેરમાં ૧૫ જુલાઈએ યોજાયેલા રીપબ્લિકન નેશનલ કન્વેન્શન (આર.એન.સી.)માં પોતાને ઈજાઓ થઈ હોવા છતાં રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદ માટેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કાન ઉપર પટ્ટી બાંધીને પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે તેઓએ તેમના 'રનિંગ-મેઇટ' (ઉપપ્રમુખપદના ઉમેદવાર) તરીકે જે.ડી. વાન્સને જાહેર કર્યા હતા. તે પછી 'ફોક્સ ન્યૂઝે' તેમની મુલાકાત લીધી ત્યારે તેઓએ બહુવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા પરંતુ તેમાં ચીન ઉપર તેઓએ સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ખરી વાત તે છે કે, પ્રમુખ બાયડેન અને તેઓના હરીફ ટ્રમ્પ બંને ચીન ઉપર તો તૂટી જ પડતા દેખાય છે. પરંતુ ટ્રમ્પે તો મતદારોને સ્પષ્ટ વચન આપ્યું છે કે, જો તેઓને ફરી ચૂંટી કાઢવામાં આવશે તો તેઓ ચીનથી આયાત થતી લગભગ દરેક ચીજો ઉપર ટેરીફ (આયાત-કર) ઘણો જ વધારી દેશે. ચીનથી આયાત થતી ઈલેક્ટ્રિક કાર ઉપર તો ૧૦૦ ટકા આયાત-કર નાખવાનું ટ્રમ્પે તેઓના ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણીવાર કહી દીધું છે.

અમેરિકાની જાસૂસી સંસ્થા જણાવે છે કે, પ્રમુખપદ માટેની ચૂંટણીના બંને ઉમેદવાર - બાયડેન અને ટ્રમ્પ બેમાંથી કોને પ્રાથમિકતા આપવી તે વિષે હજી ચીન કોઈ નિર્ણય ઉપર આવી શક્યું નથી. તેમ 'બ્લૂમ્બર્ગ ન્યૂઝે' પહેલાં જણાવ્યું હતું.

વધુમાં જાણવા મળ્યું છે કે, વાન્સે કંઈ પહેલી જ વાર ચીનની ટીકા કરી ન હતી. મૂળભૂત રીતે આ સાહસિક વ્યાપારી તો ચીનના માલ ઉપર આયાત જકાત વધારવા અને અમેરિકાના જે કોઈ વ્યાપારીઓ કે ઉદ્યોગપતિઓ ચીનમાં સ્થિર થયા હોય તેમને પાછા બોલાવવા પહેલેથી જ અનુરોધ કરી રહ્યાં છે.


Google NewsGoogle News