વિયેતનામનું પ્રાચીન ઇનસેન્સ વિલેજ, સુગંધની સાથે ફોટોગ્રાફીમાંથી પણ કરે છે કમાણી
ઇન્સેન્સ વિલેજ પ્રવાસી ફોટોગ્રાફર્સ માટે સ્વર્ગ સમાન બન્યું છે.
2 ડોલર ચુૂકવીને ઇચ્છો તેટલા ફોટા -પાડી પડાવી શકો છો
હનોઇ,7 ફેબ્રુઆરી,2024,બુધવાર
હનોઇની હદમાં આવેલું એક નાનકડું ગામ અગરબત્તી તૈયાર કરવાની સદીઓ જુની હસ્તકળાને સાચવીને બેઠું છે. પર્યટકો માટે હોટ સ્પોટ બનેલા કાંગ ફૂ ચાઉ ગામમાં સુગંધિત અગરબત્તીના ખડકલાની વચ્ચે ફોટા પડાવવા માટે ૨ ડોલર જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે.
વિયેતનામના ઉત્તરભાગમાં કાંગ ફૂ ચાઉ નામનું એક ગામ જે રંગબેરંગી અગરબત્તીઓના ઉત્પાદન માટે જાણીતું છે. આ ગામમાં ૩૦૦ જેટલા પરિવારો રહે છે. તમામ રહેવાસીઓ પરંપરાગત રીતે ધૂપસળી બનાવવાનો વ્યવસાય કરે છે. ગામની સાંકળી ગલીઓમાં ધૂપસળીઓના ઢગલા મહેંક પ્રસરાવતા રહે છે. વાંસના પટ્ટીઓ કાપવામાં આવતા લયબધ્ધ અવાજ અને સુગંધિત ઘટકોનું મિશ્રણ એક નવી જ દુનિયામાં લઇ જાય છે.
ગામમાં પ્રવેશો ત્યારે દૂરથી જાણે કે ફૂલોનો બાગ હોય એવું જણાય છે. ગામમાં એક મંદિરની સામે રંગબેરંગી સુકાવા મુકાયેલા અગરબતીના ઢગલાઓ મન મોહી લે છે. કયારેક સુકાતા અગરબતીઓના ઢગલાને વિયેતનામના નકશાનો શેપ પણ આપવામાં આવે છે.ખાસ તો તેજસ્વી લાલ અને ગુલાબી રંગના ઝુમખા ધ્યાન ખેંચે છે.
ધૂપસળી તૈયાર કરવા માટે કારીગરો રાત દિવસ મહેનત કરે છે. લોકો સવાર થતાની સાથે જ અગરબત્તી બનાવવા બેસી જાય છે. અગરબત્તીઓ તૈયાર કરવા માટે વાંસની પાતળી ડાળીઓનો ઉપયોગ થાય છે. વાસની લાકડીઓમાંથી પાતળી સ્ટીક તૈયાર કરવામાં આવે છે. વાંસની આ પાતળી પટ્ટીઓને રંગીન અને સુગંધી ઘટ્ટ દ્વાવણમાં ડબોળવામાં આવે છે. ત્યાર પછી ફૂલોના ગુલદસ્તાની જેમ સળીઓ હવામાં સૂકવવામાં આવે છે.
વિયેતનામમાં ધાર્મિક પ્રસંગો અને તહેવારો નજીક હોય ત્યારે અગરબત્તીઓનું ઉત્પાદન બમણું થઇ જાય છે. વિયેતનામ વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ અને સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાની ભૂમિ છે. હનોઇની હદમાં આવેલું એક નાનકડું ગામ અગરબત્તી તૈયાર કરવાની સદીઓ જુની હસ્તકળાને સાચવીને બેઠું છે. હનોઇથી માત્ર ૧ કલાકનું અંતર કાપીને કાંગ ફૂ ચાઉ પહોંચી શકાય છે.
કાંગ ફૂ ચાઉ ગામ પર્યટકો માટે હોટ સ્પોટ બની ગયું હોવાથી સારી એવી કમાણી થાય છે.અગરબતીના ખડકલાની વચ્ચે ફોટા પડાવવા માટે ૫૦ હજાર ડોંગ (વિયેતનામી ચલણ)નો ચાર્જ વસુલવામાં આવે છે. કયાં એૅંગલથી ફોટો શૂટ કરાવી શકાય છે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ધૂપસળીની કિંમત ફોટા પડાવવાના થતા ચાર્જ કરતા પણ ઓછી છે. ૫૦ સેન્ટમાં ૨૦ જેટલી અગરબત્તીઓ ખરીદી શકાય છે.
અગરબત્તીઓ તૈયાર કરતા ગ્રામજનોના ફોટોગ્રાફ વાયરલ થતા રહે છે. વિયેતનામી નવા વર્ષમાં સૌથી વધુ અગરબત્તીઓ વેચાય છે. લગ્ન તેમજ અન્ય સામાજિક સમારોહમાં પણ આ ગામની અગરબતીઓ સુગંધ ફેલાવતી રહે છે. પેઢીઓથી ધૂપસળી તૈયાર કરતા પરિવારો પોતાના સંતાનોને વારસમાં આ કળા આપે છે. એકદમ દેશી પધ્ધતિથી ગામ લોકો ધૂપ તૈયાર કરે છે.
ગામ લોકો વાંસ તૈયાર કરવા માટે જાતે જ વાંસની ખેતી કરે છે. વાંસ ગ્રીન હોય ત્યારે ગામમાં લીલોતરી છવાઇ જાય છે. વાંસએ અગરબતી તૈયાર કરવા માટેનું સૌથી મહત્વનું ઘટક છે. વિયેતનામ જ નહી ભારત, વિયેતનામ ચીન,મલેશિયા સહિતના દેશોમાં આ ગામમાંથી તૈયાર થયેલી ઇન્સેન્સ વેચાય છે. પ્રાચીન હસ્તકલાને સાચવીને રાખતું ગામ ફોટોગ્રાફરો માટે સ્વર્ગ સમાન બન્યું છે.